Hanuman Jayanti ને લઈને ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી, રાજ્યોને આપ્યા આ આદેશ
રામનવમમીના અવસરે દેશના અનેક ભાગોમાં હિંસા થઈ હતી. રામનવમી પર થયેલી હિંસાને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં દરેક રાજ્યોને કાયદો વ્યવસ્થા જાળવા કહેવામાં આવ્યા છે.
મંત્રાલયે હનુમાન જયંતીની તૈયારીને લઈને દરેક રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. રાજ્ય સરકારને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા કહેવામાં આવ્યું છે. આ સિવાય તહેવારો શાંતિથી ઉજવાય અને સમાજમાં સાંપ્રદાયિક સદ્ભાવ બગાડનારાઓ પર નજર રાખવા પણ નિર્દેશ આપ્યા છે.
બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાને લઈને કલકત્તા હાઈકોર્ટે સખ્ત વળણ અપનાવતા કોર્ટે મમતા બેનર્જીની સરકારને પુછ્યું છે કે હનુમાન જયંતિને જોતા રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે શું પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. તે સાથે જ કોર્ટે રાજ્ય સરકારને હનુમાન જયંતિના અવસરે શાંતિ સ્થાપિત કરવામાં પોલીસની મદદ માટે કેન્દ્રીય દળોની માંગ કરવા નિર્દેશ આપ્યો છે.
દિલ્હીમાં હનુમાન જયંતિના એક દિવસ પહેલા દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી. પોલીસે 6 એપ્રીલના રોજ હનુમાન જયંતિ પર જહાંગીરપુરી વિસ્તારમાં રથયાત્રા કાઢવા માટે વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય એક સંગઠનને મંજુરી આપવાની મનાઈ કરી દીધી છે.
આ વર્ષે હનુમાન જયંતિ 6 એપ્રિલના રોજ મનાવવામાં આવી રહી છે. રામનવમીના તહેવારમાં કેટલાક રાજ્યોમાં થયેલી હિંસા બાદ સરકાર દ્વારા આ એડવાઈઝરી આવી છે.