કેનેડાની 3 કોલેજોએ નોંધાવી નાદારી, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં
કેનેડાની કોલેજો રાતોરાત બંધ
વિદેશ ભણવા જવાના અને ત્યાં જ સ્થાયી થવાના અભરખા હવે ગુજરાતીઓને ભારે પડી રહ્યા છે. હજુ તો થોડા સમય પહેલા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા ચાર ગુજરાતીના ઠંડીમાં ઠુંઠવાઇને કેનેડા સરહદે મોત થયા હતા, આ ઘટનાથી સમગ્ર ગુજરાતને આઘાત લાગ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત કેનેડાથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં આવેલા મોન્ટ્રીયલ શહેરમાં 3 કોલેજ રાતોરાત બંધ થઇ જતા તેમાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત ભારતના સેંકડો વિદ્યાર્થીઓ મૂશ્કેલીમાં મુકાયા છે. આ ત્રણેય કોલેજમાં ગુજરાતના લગભગ 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તો ભારતના 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓએ લાખો રુપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ અચાનક કોલેજો બંધ થઇ જતા તમામ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે.
ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી આ કોલેજોએ ફંડ ન હોવાના કારણે નાદારી નોંધાવી છે. જે ત્રણ કોલેજને તાળા લાગ્યા છે તેમાં સીસીએસકયુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોમાં ગુજરાતના વિવિધ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ઘણા વર્ષોથી ગુજરાતના યુવાનોમાં વિદેશ ભણવા જવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને કેનેડા તેમની પહેલી પસંદ હોય છે. આવા યુવાનોને કેનેડા મોકલવા માટે તેમના માતા પિતા લાખો રુપિયાનો ખર્ચ કરે છે. ઘણા લોકો બાળકોને કેનેડા મોકલવા માટે દેવું પણ કરે છે. ત્યારે આ ઘટના આવા તમામ લોકો માટે ચેતવણી સમાન છે. કેનેડામાં અભ્યાસ માટે જતા પહેલા જે તે કોલેજ વિશે પુરતી માહિતિ મેળવવી જરુરી બને છે. તે કોલેજનો ઇતિહાસ અને મેનેજમેન્ટ વિશે પણ તપાસ કરવી જરૂરી છે.
મોન્ટ્રીયલ શહેરમાં આવેલી આ કોલેજોએ કોર્ટમાં નાદારી માટેની અરજી કરી છે અને કોલેજોને તાળા માર્યા છે. તે પહેલા નવેમ્બર 2021માં તેમણે શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. અતિશય ઠંડી હોવાના કારણે કેનેડામાં શિયાળુ વેકેશની સિસ્ટમ છે. વેકેશન બાદ જાન્યુઆરી 2022માં કોલેજોએ વિદ્યાર્થીઓને બાકી ફી ચુકવવા માટે સૂચના આપી. જેથી વિદ્યાર્થીઓએ લાખોની ફી પણ ભરી દીધી. ફી વસૂલ્યા બાદ કોલેજોએ નાદારી જાહેર કરી અને આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ આપી કોલેજને તાળા મારી દીધા. વિદ્યાર્થીઓએ આ અંગે કોલેજ પ્રશાસનનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા પરંતુ તેમને કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ તમામ વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે જેમાં કેટલાક વિદ્યાર્થીો એવા છે જેમની સ્ડટી પરમિટ પુરી થવાની છે. જો આ ત્રણેય કોલેજોના લાયસન્સ રદ કરાશે તો ત્યાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઇ જશે.
કોલેજ બંધ થતા અને પ્રશાસન દ્વારા કોઈ જવાબ ન મળતા ગુજરાત સહિત ભારતના તમામ વિદ્યાર્થીઓએ કેનેડામાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતુ. વિદ્યાર્થીઓએ ‘we need answer’ સાથેના પોસ્ટરો લઇને વિરોધ કરાયો હતો. આ સિવાય ભારતીય રાજદૂત, સ્થાનિક પ્રશાસન સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેની આગામી સુનવણી 28 ફેબ્રુઆરીના રોજ થશે. ત્યારબાદ આ મામલે કોઈ નિવેડો આવી શકે છે.