Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હિમાંશી રાઠીને IAS ઓફિસર બનવું છે

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ગુજરાતી ગર્લ હિમાંશી રાઠીને આઇએએસ ઓફિસર બનવું છે. હિમાંશી ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે પાંચ વખત અને 4 વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહી ચૂકી છે બીએ લિટરેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી...
પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હિમાંશી રાઠીને ias ઓફિસર બનવું છે

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ

Advertisement

પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ગુજરાતી ગર્લ હિમાંશી રાઠીને આઇએએસ ઓફિસર બનવું છે. હિમાંશી ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે પાંચ વખત અને 4 વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહી ચૂકી છે

બીએ લિટરેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી

Advertisement

અઢી વર્ષની હતી ત્યારે માતા - પિતા ને દૃષ્ટિ ખામી અંગે જાણ થઈ છતાં ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની શાળામાં જ ભણાવી અને ત્યારબાદ અંધજન શાળામાં આગળનું ભણતર પૂર્ણ કરવા સાથે હિમાંશીએ ગુજરાત યુનિવર્સીટીમાંથી બીએ લિટરેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે.

પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું

Advertisement

અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી આ ઉક્તિને ફરી એક વખત ગુજરાતની દીકરી અને દિવ્યાંગ ( અંધ) એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે. દૃષ્ટિ નહીં હોવા છતાં હિમાંશીએ તાજેતરમાં ચીન ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હિમાંશીને આગળ UPSC પરીક્ષા ક્રેક કરીને આઇએએસ ઓફિસર બનવું છે અને તે તેના આ લક્ષ્ય તરફ મજબૂત મનોબળ સાથે આગળ વધી રહી છે.

અઢી વર્ષની હતી ત્યારે માતા પિતાને દૃષ્ટિ ખામીની જાણ થઈ

હિમાંશી રાઠીનો જન્મ 30 ઓક્ટોમ્બર ,1999 ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે થયો છે. તેના પિતા ભાવેશ રાઠીનો બિઝનેસ છે અને માતા દિપાલી રાઠીના ગૃહિણી છે. હિમાંશીનો જન્મ થયો ત્યારે માતા પિતાને જરાય ખ્યાલ ન હતો કે તેમની દીકરી દૃષ્ટિ ખામીથી ગ્રસ્ત છે. તે જ્યારે અઢી વર્ષની થઈ ત્યારે કેટલીક બાબતોથી માતા પિતાને આ બાબતનો ખ્યાલ આવ્યો. ત્યારબાદ અનેક જગ્યાએ સારવાર માટે ધક્કા ખાધા પણ અંતે નક્કી થઈ ગયું કે હિમાંશી ની દૃષ્ટિ ધીરે ધીરે જતી રહેશે અને તે સંપૂર્ણ બ્લાઇન્ડ થઈ જશે. આમ છતાં માતા પિતાએ નિરાશ કે હતાશ થયા વગર દીકરીને જીવનમાં કંઇક બનવાના ધ્યેય સાથે હિંમત ભેગી કરી. પહેલા તો માતા પિતાએ હિમાંશી ને સામાન્ય બાળકો સાથે જ સ્કૂલમાં ભણવા મૂકી અને ધોરણ 4 સુધી તેણીએ સામાન્ય બાળકોની જેમ જ અભ્યાસ પૂર્ણ કર્યો. પણ આગળ આ શક્ય ન હતું અને હિમાંશી ને આગળના ભણતર માટે અમદાવાદની અંધ કન્યા શાળામાં જવું પડ્યું. અહીં તેની માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે તેણીએ ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની જેમ ભણતર કર્યું હતું જેથી અચાનક પાંચમા ધોરણ માં બ્રેલ લિપિ શીખવી પડે એમ હતું. જોકે હિમાંશીની ધગશ અને માતા પિતાની મહેનત રંગ લાવી અને માત્ર દોઢ મહિનામાં જ હિમાંશી બ્રેલ લિપિ શીખી ગઈ. ત્યારબાદ તે ભણતરમાં હંમેશા અવ્વલ જ રહી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં અંધજન કેટેગરીમાં હિમાંશી રેન્કર રહી. ત્યારબાદ તેણીએ ગુજરાત યુનવર્સિટીમાંથી બીએ લિટરેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડીગ્રી મેળવી અને હવે સ્પીપાની પરીક્ષા પાસ કરીને તે UPSC ની તૈયારી કરી રહી છે.

ચેસમાં રૂચીએ અપાવી સફળતા

સામાન્ય રીતે અંધજન શાળામાં મોટાભાગના બાળકો સંગીત તરફ વધુ આકર્ષાય છે પણ હિમાંશી ને ચેસ ની રમતમાં રુચિ જાગી અને તેણીએ ચેસની તાલીમ લેવાની શરૂઆત કરી અને એક બાદ એક વિવિધ સ્પર્ધાઓમાં તેણીએ ભાગ લઈ સફળતા મેળવી. હિમાંશી ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે પાંચ વખત ચેમ્પિયનનો ખિતાબ, ચાર વખત રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે અને હવે પેરા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એક મુકામ હાંસલ કર્યો છે.

આ રીતે રહી પેરા એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરવા સુધીની સફર

હિમાંશી પહેલી વખત પેરા એશિયન ગેમ્સમાં પહોંચી એ પહેલી વખત નથી. આ પહેલા વર્ષ 2018 માં ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં પણ તેણીએ ભાગ લીધો હતો. જોકે તે વખતે તે મેડલ તો જીતી ન શકી હતી પણ સારા પ્રદર્શન સાથે ચોથા ક્રમે રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં હિમાંશી એ ફ્રાન્સ ખાતે યોજાયેલ વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે 14માં ક્રમે રહી હતી. ચાર વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહેલી હિમાંશી એ વર્ષ 2023માં ચંદીગઢ ખાતે આયોજિત નેશનલ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ ઇવેન્ટમાંથી જ ચાઇના ખાતે યોજાનાર પેરા એશિયન ગેમ્સમાં માટેની પસંદગી થવાની હતી. હિમાંશી એ સ્પર્ધામાં VI B1 કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ફરી એક વખત પેરા એશિયન ગેમ્સમાં રમવાના દરવાજા હિમાંશી માટે ખુલી ગયા. આ વખતે હિમાંશી મેડલ જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી અને તે સફળ પણ રહી. પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં હિમાંશી એ શાનદાર દેખાવ સાથે બ્રોન્ઝ મેડલ મેળવી દેશ અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

અનેક પુરસ્કારોથી સન્માનિત હિમાંશી

પ્રતિભાશાળી હિમાંશી રાઠીને અત્યાર સુધી અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે. જેમાં એવોનપ્લાસ્ટ કૌન બનેગા સુપર સ્ટાર, માહેશ્વરી યુવા સંઘ, કિરણ જેમ્સ અને પી. પી.સવાણી ગ્રુપ દ્વારા આયોજિત પાનેતર સમારોહ વગેરે સામેલ છે. તો વર્ષ 2023માં જીનીયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા હિમાંશી ને જીનીયસ ઇન્ડિયા એચિવર્સ એવોર્ડ થી નવાજવામાં આવી હતી.

આ પણ વાંચો----RSS : મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ભૂજમાં મહત્વની બેઠક

Tags :
Advertisement

.