Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Budget 2025-26:રાજ્યની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ

સાયન્સ અને ટેકનોલોજી વિભાગની રૂ. ૨૫૩૪.૮૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર 
gujarat budget 2025 26 રાજ્યની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ
Advertisement
  • Gujarat Budget 2025-26: વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે: રાજ્યમંત્રી  પ્રફુલ પાનશેરિયા (Praful Panchsheriya)
  • STEM આધારિત સમાજ વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે: મંત્રીશ્રી પાનશેરિયા
  • રાજ્ય સરકારની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી નીતિઓ નાગરિકો માટેના ‘Ease of Living’ અને ‘Ease of Livelihood’ના વિઝનને સુદૃઢ કરે છે
  • ગુજરાત બાયોટેકનોલોજી શિક્ષણ અને સંશોધન માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બન્યું છે
  • જીબીઆરસી દ્વારા ભારતની બીજી  અત્યાધુનિક BSL-4 લેબોરેટરી બનાવવાની કામગીરી પ્રગતિમાં
  • ગુજરાત આદિવાસી વસ્તી માટે ‘સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂ. ૪ કરોડની જોગવાઇ
  • વિધાનસભાના ગૃહમાં આજે‌ સાયન્સ અને ટેકનોલોજી વિભાગની રૂ. ૨૫૩૪.૮૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર 
Gujarat Budget 2025-26 બજેટસત્રમાં વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રીશ્રી વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા(Praful Panchsheriya) દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ.૨૫૩૪.૮૩ કરોડની માગણીઓ રજૂ કરવામાં આવી હતી. 
આ અંગે માગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રી પાનશેરિયાએ જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે. જ્ઞાન આધારિત સમાજની રચના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદૃષ્ટિપૂર્વક દર્શાવેલા માર્ગ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
STEM- સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ-ને લોકપ્રિય અને લોકભોગ્ય
શ્રી પાનશેરિયાએ જણાવ્યું કે વિકસિત ગુજરાત @ ૨૦૪૭ અંતર્ગત નાગરિકો માટે STEM- સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ-ને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવીને STEM આધારિત શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રિએશન અને નવીનતા મારફત ઉચ્ચ કક્ષાના પ્રૌદ્યોગિકી ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન તથા સહાય પૂરી પાડવાના વિઝન સાથે કાર્યરત છે, જે રાજ્ય સરકારના ‘Ease of Living’ અને ‘Ease of Livelihood’ના વિઝનને સુદૃઢ કરે છે.
વૈશ્વિક સ્તરે IT ઉદ્યોગ માટે ‘Destination of Choice’
રાજ્યની IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આવનારે સમય આઈટીનો છે. પરિણામે, રાજ્ય સરકાર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સતત નવીનતા અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ માટે રાજ્યને ટેક્નોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગ માટેનું ગ્લોબલ હબ બનાવવા માટે અમલી કરેલી IT/ITeS પોલિસી માત્ર એક દસ્તાવેજ નથી, પણ ગુજરાતની ટેક્નોલોજી ક્ષેત્રે ગોલ્ડન એરા તરફની યાત્રાનો આરંભ છે. જેનો ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક સ્તરે IT ઉદ્યોગ માટે ‘Destination of Choice’ બનાવીને રાજ્યમાં વિશ્વસ્તરીય આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનો, IT/ITeS ઈકોસિસ્ટમના વિકાસને વેગ આપવાનો છે. આ આઈ.ટી. નીતિથી રાજ્યમાં એક લાખ નવીન રોજગારીનું સર્જન થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યની નવી આઈ.ટી. નીતિથી આ ક્ષેત્રે નવા રોકાણકારોને આકર્ષિત કરી શકાશે અને રાજ્યની આઈ.ટી. નિકાસ (Export) આઠ ગણી વધારીને રૂ. ૨૫ હજાર કરોડ સુધી કરવાનો લક્ષ્યાંક છે
Global Capability Centers-GCC પોલિસી લૉન્ચ.
Gujarat Budget 2025-26 અન્વયે ગૃહમાં મંત્રીશ્રી પાનશેરિયાએ કહ્યું કે આવનારો સમય આઈટીનો છે અને આ માટે રાજ્ય સરકારે Global Capability Centers-GCC પોલિસી લૉન્ચ કરીને IT અને GCC ઉદ્યોગોને રાજ્યમાં વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી પગલું ભર્યું છે. જે ગુજરાતને ટેકનોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એ ડિજિટલ પરિવર્તનના મુખ્ય સાધન તરીકે ઊભરીને ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, R&D અને એનાલિટિક્સમાં ઉદ્યોગોને મહત્ત્વનો સપોર્ટ પૂરો પાડે છે.
આ પોલિસી થકી ગુજરાતને GCC માટેનું વૈશ્વિક હબ બનાવીને આ સેક્ટરમાં ૫૦ હજાર નવી રોજગારી ઊભી કરવામાં આવશે. તદુપરાંત, ફાઇનાન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેકનોલોજી સેવાઓને વેગ આપી, રાજ્યમાં ૨૫૦ નવા GCC યુનિટને આકર્ષી ૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ લાવવાનો હેતુ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યને સેમિ કંડક્ટરનું હબ બનાવવાનો ઉદ્દેશ
રાજ્યને સેમિ કંડક્ટરનું હબ બનાવવાના ઉદ્દેશથી આયોજિત કરવામાં આવેલી સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫ અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સેમિકનેક્ટ કોન્ફરન્સની આ બીજી આવૃત્તિએ રાજ્યમાં સેમિકંડક્ટર ક્ષેત્રે રોકાણ, વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય વેલ્યૂ ચેન સાથે જોડવા તેમજ માનવ સંસાધનોને જરૂરી વિકાસ માટે સહયોગને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જે અંતર્ગત વિવિધ સાત જેટલા દેશો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી એમઓયુ પણ કરવામાં આવ્યાં હતાં.
રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના ઉદ્યોગો માટે વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને ઇકો સિસ્ટમ ઊભી રવા માટે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી ૨૦૨૨-૨૮ જાહેર કરી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે આ પોલિસીને વિશ્વભરના રોકાણકારો અને ઉદ્યોગો દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં વારી એનર્જિ, ટાટા અગ્રતાસ, રીન્યુ એનર્જી જેવા બેટરી અને સોલાર સબંધિત પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન થયું છે અને આ ક્ષેત્રમાં વધુ રોકાણો મળી રહ્યા છે.
રાજ્યમાં કૂલ અંદાજિત રૂ ૪૪,૧૬૩ કરોડ નું રોકાણ થવાની સંભાવના
ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ (૨૦૨૨-૨૮) અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ ૪૦ ઇલેક્ટ્રોનિક્સ એકમો દ્વારા અરજી કરવામાં આવી છે, જે દ્વારા રાજ્યમાં કૂલ અંદાજિત રૂ ૪૪,૧૬૩ કરોડ નું રોકાણ થવાની સંભાવના છે તેમ શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું.
ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ (૨૦૨૨-૨૮) અંતર્ગત ઉદ્યોગોને અપાતાં લાભો અંગે તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગોને રોકાણ સામે ૧૦૦૦ કરોડ સુધી ૨૦ ટકા સુધીની મૂડી સહાય આપવામાં આવે છે, જ્યારે સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફી ની ૧૦૦ ટકા વળતર સહાય મળે છે. આ સિવાય, પાંચ વર્ષ માટે ટર્મ લોન, લોજિસ્ટિક સબસિડી, પાવર ટેરિફ સહાય, રોજગારી સામે ૧૦૦ ટકા સુધીનું ઇપીએફ પર વળતર સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે.
સેમિકન્ડક્ટર એટીએમપી(ATMP) તાલીમ કેન્દ્રની સ્થાપના
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), માઈક્રોન અને DST દ્વારા સંયુક્ત રીતે સેમિકન્ડક્ટર એટીએમપી(ATMP) તાલીમ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે. જ્યાં આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઈલેક્ટ્રેનિક્સ સેક્ટરના ઈન્સેન્ટિવ માટે કુલ રૂ. ૧૫૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
સંશોધન સહાય યોજના
રાજ્યની બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ અંગે મંત્રીશ્રીએ Gujarat Budget 2025-26 બજેટસત્રમાં જણાવ્યું કે બાયોટેકનોલોજી આધારિત સમસ્યાઓના ઉકેલ માટે યુનિવર્સિટી, કૉલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટસમાં સંશોધન સહાય યોજના અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાં પશુપાલન, આરોગ્ય, બાયોએનર્જી, કૃષિ, આરોગ્ય, પોષણ અને પર્યાવરણ ક્ષેત્રે બાયોટકનોલોજિકલ સંશોધન કરવામાં આવે છે.
આ પોલિસી હેઠળ રાજ્યના ૫૦૦થી વધુ ઉદ્યોગોને સહાય આપવાની અને અંદાજે ૧.૨૦ લાખ જેટલા રોજગારીના અવસરો ઊભા કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજયમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે ૯ એન્ટરપ્રેન્યોરશીપ કેપે-સિટી બિલ્ડિંગ સેલઝની સ્થાપના કરવામાં આવી છે તેમ જણાવી બાયોટેકનોલોજી આધારિત વિવિધ પ્રવૃત્તિઓ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં કુલ રૂ. ૬૬.૪૯ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ Gujarat Budget 2025-26 બજેટસત્રમાં ઉમેર્યું હતું.
ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે તાલીમ
મંત્રી શ્રી પાનશેરિયાએ ગૃહમાં કહ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈ-ગવર્નન્સના પ્રોત્સાહન માટે ગુજરાત ઇન્ફર્મેટિક્સ લિમિટેડ, રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. તે સરકારના દરેક વિભાગને માર્ગદર્શન તેમજ ટેકનિકલ સહાય પુરી પાડે છે. કરાર સંચાલન અને તેના અમલને લગતી પ્રવૃતિતો હાથ ધરવા માટે GIL પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટ તરીકે કામ કરે છે. જીઆઇએલ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવે છે અને તે હાર્ડવેર અને સોફ્ટવેર કન્સલ્ટન્સી પૂરી પાડે છે તેમજ ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે તાલીમની સુવિધા આપે છે. વર્ષ ૨૦૨૫ -૨૦૨૬ માટે કુલ રુપિયા ૧૭૨.૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ સ્થિત સાયન્‍સ સીટી ખાતે વૈશ્વિક કક્ષાની બે ગેલેરીઓ રોબોટિક્સ અને એકવેટિક ગેલેરી તથા નેચર પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલમાં એસ્ટ્રોનોમી ગેલેરી, માનવ અને જૈવિક વિજ્ઞાન ગેલેરી, એવિએશન અને ડિફેન્સ ગેલેરી તથા અનલિઝિન્ગ ધ ડિજિટલ  ફ્યુચરની કામગીરી પ્રગતિમાં છે. 
નવી ગેલેરી ‘એન્જિનિયરિંગ માર્વેલ્સ’ સાયન્સ સિટી ખાતે વિકસાવવા માટે રૂ. ૫ કરોડની નવી બાબતનો વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 
૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી
મંત્રીશ્રીએ  કહ્યું હતું કે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્ટેટ લેડ મોડેલ હેઠળ ભારતનેટ ફેઝ -૨ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત ની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે, તથા ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહ્યું છે.
રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ચાર નવી પરિવર્તનકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવી રહેલ છે. જેમાં ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલના ભાગરૂપે આગામી સમયમાં ૪૦ હજાર ગ્રામીણ સરકારી સંસ્થાઓને અને શહેરી કક્ષાએ કનેક્ટિવિટી પહેલ દ્વારા સરકારી કચેરીઓને અંદાજિત ૧૫ દિવસની અંદર જોડાણ  પ્રદાન કરવાની યોજના છે.
હર ઘર કનેક્ટિવિટી (ફાઈબર-ટુ-ફેમિલી) પહેલ અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ એડેડ સર્વિસિસ મળી રહે તે હેતુથી, વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને આગામી સમયમાં ફાઈબર-ટુ-હોમ (FTTH) જોડાણ આપવામાં આવશે. ફાઈબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ પહેલ અંતર્ગત અગ્રણી ટેલિકોમ કંપનીઓને ડાર્ક ફાઇબર લીઝ પર આપીને ભારતનેટ ફાઇબર નેટવર્ક થકી ગ્રામીણ વિસ્તારમાં ઉત્તમ સર્વિસ પ્રદાન કરાશે.
ગ્રામીણ નાગરિકોને હાઈસ્પીડ ઈન્ટરનેટ તથા વેલ્યૂ એડેડ સર્વિસ
Gujarat Budget 2025-26 બજેટસત્રમાં તેમણે કહ્યું કે ગુજરાત રાજ્ય ‘સ્ટેટ લેડ મોડેલ’ અંતર્ગત ભારતનેટ ફેઝ-૩ (એમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ-ABP) માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન(DoT) દ્વારા પસંદ કરાયેલ પ્રથમ રાજ્ય છે, જેની તાજેતરમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ યોજના અંતર્ગત ૧૪,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને સુદૃઢ કનેક્ટિવિટી સ્થાપી વિવિધ સેવાઓ જેવી કે હાઈસ્પીડ ઈન્ટરનેટ તથા વેલ્યૂ એડેડ સર્વિસ આપી શકાશે. જેનો સીધો લાભ ગ્રામીણ નાગરિકોને મળશે. 
ગ્રામીણ સમુદાયોના સશક્તીકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે જે માનનીય પ્રધાનમંત્રીના  ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ ગુજરાત સરકારનું એક અત્યાધુનિક બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર છે. જીબીઆરસી દ્વારા ભારતની બીજી અત્યાધુનિક BSL-4 લેબોરેટરી બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે. 
નિદાનનો સમય ૨૪ કલાકથી પણ ઓછો
રાજ્યમાં થયેલા ચાંદીપુરા વાયરસ આઉટ બ્રેકમાં જીબીઆરસી એ પી.સી.આર. બેઝ્ડ ટેસ્ટ વિકસાવી નિદાનનો સમય ૨૪ કલાકથી પણ ઓછો કરી આજ દિન સુધી ૩૭૯ જેટલા સેમ્પલનું નિદાન પૂરું પાડેલ છે. આ ઉપરાંત ચાંદીપુરા વાયરસનું જીનોમ સિક્વન્સિંગ કરેલ છે.
ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ જીનોમ ઇન્ડિયા ઈનીશીએટીવ અંતર્ગત ૧૦,૦૦૦ ભારતીયોના જીનોમ સિક્વન્સિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી. આ પ્રોજેક્ટમાં ૨૧ જેટલી નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સાથે મળીને કામગીરી કરેલ, જેમાં જીબીઆરસી એક માત્ર રાજ્ય સરકારની રિસર્ચ સંસ્થા છે. જેમાં જીબીઆરસી દ્વારા કુલ ૧,૮૦૦થી વધારે ભારતીયોના સેમ્પલ મેળવેલ. ઉપરાંત ૨૭૦ જેટલા માણસોના હોલ જીનોમ સિક્વન્સિંગ કરેલ છે.
આ ઉપરાંત જીબીઆરસી વિવિધ સંશોધન પ્રોજેક્ટ ચલાવે છે, જેમાં નેટવર્ક પ્રોગ્રામ ઓન એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ, સુપરબગ્સ અને વન હેલ્થનો કાર્યક્રમ ગુજરાતની મેડિકલ કોલેજો, વેટરનરી હોસ્પિટલ તથા યુનિવર્સિટીઓ સાથે મળીને ચલાવે છે. આ પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ થી વધારે AMR બેક્ટેરિયા એકત્રિત કરેલ છે જે પૈકી ૪,૭૦૦ થી વધુ વધારેનું હોલ જીનોમ સિક્વનસિંગ કરવામાં આવ્યું છે.
પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ્રોગ્રામ્સ 
ગુજરાતના પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે National Dairy Development Board(NDDB), ડેરી તથા Gujarat Co-operative Milk Marketing Federation Limited(GCMMF) સાથે મળીને ૪૦,૦૦૦ પશુઓનો જીનોટાઈપિંગનો પ્રોગ્રામ ચલાવે છે. જીબીઆરસી ખાતે ૭૦૦૦થી વધારે સુક્ષ્મ જીવાણુંઓ, ૯૦૦થી વધારે કેન્સરના સેમ્પલ, ૫,૦૦૦થી વધારે હર્બેરીયમ જેવી બેંકીંગની સુવિધા ઉભી કરવામાં આવેલ છે અને જેના બાયોપ્રોસ્પેકટીંગની  કામગીરી હાથ ધરવામાં આવી છે. 
જીબીઆરસીએ પ્રોબાયોટીક્સ અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તેમજ કેન્સરના નિદાન માટે ઉત્પાદક કંપનીને ટેક્નોલોજી ટ્રાન્સફર કરેલ છે. આ ઉપરાંત, જીબીઆરસી કૌશલ્ય તાલીમ પ્રોગ્રામ ચલાવે છે. કૌશલ્ય તાલીમ પ્રોગ્રામ અંતર્ગત ૬૫૨ થી વધારે કુશળ માનવબળ તૈયાર કર્યું છે.
જનીન ઉપચારના આધારે સચોટ અને વિશ્વસનીય નિદાન
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં નવી બાબત તરીકે ‘ગુજરાત આદિવાસી વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે રૂપિયા ૪.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ અભ્યાસ આનુવંશિક રોગોને વધુ સારી રીતે સમજવામાં અને ગુજરાત આદિજાતિ વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝ બનાવવામાં મદદ કરશે. વધુમાં, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વ્યક્તિના આનુવંશિક મેકઅપ, સારવારની વ્યૂહરચના અને જનીન ઉપચારના આધારે સચોટ અને વિશ્વસનીય નિદાન માટે ઉપાયો તૈયાર કરવામાં મદદરૂપ થશે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર માટે કુલ રૂ. ૧૩૮.૪૭ કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે.
તેમણે કહ્યું કે ગુજરાત બાયોટક્નોલોજી યુનિવર્સિટી (GBU) માટે કુલ રૂ. ૧૨૦.૩૯ કરોડની  જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાત હવે બાયોટેકનોલોજી શિક્ષણ અને સંશોધન માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું છે, જે આપણા દેશ ના વડાપ્રધાનશ્રી ના વિઝનરી નેતૃત્વ અને સમર્પણનો પુરાવો છે. 
બાયો એઆઈ(Bio-AI) અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ
Gujarat Budget 2025-26 પરની ચર્ચામાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ફ્લેગશીપ સંશોધન કાર્યક્રમ માટે રૂ ૨.૭૫ કરોડ અને ૨૦ પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટે સહાય યોજના માટે  રૂ.૦.૪૮ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. જીબીયુ ખાતે બે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે જોગવાઇ કરવામાં આવી છે, જેમાં બાયો એઆઈ(Bio-AI) ને રૂ.૧.૬૪ કરોડ તથા ઈ-વેસ્ટ મેનેજમેન્ટને રૂ.૧.૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી માટે કુલ રૂ. ૧૫૫.૨૬ કરોડની  જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાત વેપાર-વાણિજ્ય માટે તો જાણીતું રહ્યું જ છે પરંતુ હવે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે પણ ભાર આપી, રાજ્યને નોલેજ બેઝ્ડ સોસાયટી બનાવવાના પ્રયાસરૂપે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટની અને સાયન્સ સિટીની રચના કરવામાં આવી છે.
રાજ્યમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે અને  વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જનસામાન્યમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે પાટણ, ભુજ, રાજકોટ અને ભાવનગર ખાતે રીજિયોનલ સાયન્સ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. કાર્યરત ચાર રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં તેમના  ઉદ્‍ઘાટનથી આજ દિન સુધી કુલ ૧૮ લાખ લોકોએ મુલાકાત લીધી છે. 
ડીસ્ટ્રીકટ સાયન્સ સેન્ટર્સ બનશે 
રાજયમાં વડોદરા, જામનગર, જુનાગઢ તથા સુરત જીલ્લા ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ચાર રીજીયોનલ સાયન્સ સેન્ટર તથા ૨૩ જિલ્લાઓમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે ડીસ્ટ્રીકટ સાયન્સ સેન્ટર બનાવવા માટેનું આયોજન છે. 
મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર માટે કુલ રૂ. ૭૩.૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર રાજ્યમાં આઇ.ટી. સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેનું કોમન આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર છે. ગાંધીનગર ખાતે, ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર(GSDC) ૭,૫૦૦ ચો.ફીટ વિસ્તારમાં સ્થપાયેલ છે. 
          
મંત્રી શ્રીએ કહ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટરની નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે  કુલ ૭૩.૬૧  કરોડની  જોગવાઈ કરવામાં આવી છે. સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC) માટે કુલ રૂ. ૨૯.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સિક્યોરીટી ઓપરેશન્સ સેન્ટર એ ગુજરાત સરકાર માટે વિવિધ સાયબર સુરક્ષા સંબંધિત બાબતો પર સક્રિય દેખરેખ રાખવા માટે કાર્યરત છે, તે સાયબર સુરક્ષાના જોખમોને રોકવાનો પ્રયાસ અને તેનું મોનિટરીંગ કરવાનું કાર્ય કરે છે તેમજ સાયબર સિક્યોરિટી ટ્રેનીંગ અને અવેરનેસ અંગે કામગીરી કરે છે. 
ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન ઇકોસીસ્ટમને સક્ષમ બનાવાશે 
મંત્રી શ્રી એ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે સાવલી ટેકનોલોજી એન્ડ બીઝનેસ ઇન્ક્યુબેટર માટે કુલ રૂ. ૯.૪૧ કરોડની  જોગવાઈ કરવામાં આવી છે. સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એસટીબીઆઈ), એ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ રાજ્યમાં ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન ઇકોસીસ્ટમને સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીન-ટેક હબ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેકનોપ્રેન્યોરશીપ હબ માટે રૂ.૧.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસચૅ માટે કુલ રૂ. ૨૧.૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભુજના ભૂકંપ પછી ભૂકંપક્ષેત્રે સંશોધનની જરુરીયાત જણાતાં સને ૨૦૦૩માં ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી છે.
આ માટે ૨૦૨૫-૨૦૨૬ના અંદાજપત્રમાં ગુજરાત રાજ્ય માટે ભૂકંપની પૂર્વ ચેતવણી સિસ્ટમ વિકસાવવા માટે કુલ રૂ. ૧૦ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રી શ્રી પાનશેરિયાએ ગૃહમાં માંગણીઓ પરની ચર્ચામાં ઉમેર્યું હતું.
આમ, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ.૨૫૩૪.૮૩ કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×