Gangubai Kathiawadi-તરત વાગે નહીં એવી લપડાક
Gangubai Kathiawadi તો એક નામ છે. ગ્ંગુબાઇ હરજીવન કહો કે વેશ્યા. ગણિકા. પાતર-પતિત-જારકર્મ કરનારી સ્ત્રી. રામજણી.કસબણ. કુંભદાસી. કુલટા. સ્વૈરિણી. શિલ્પકારિકા. વેશ્યાને ત્યાં જનારો પુરુષ એટલે વેશ્યાગામી. લોકબોલીની ભાષામાં કૂટણખાનું ચાલતું હોય તે વેશ્યાગાર, વેશ્યાવાડો, વેશ્યાગૃહ, વેશ્યાવીથિ અને વેશ્યાલય. આલયનો એક અર્થ થાય મંદિર. વેશ્યાઓનું મેનેજમેન્ટ કરે કે તેને 'સારી વેશ્યા' બનાવવા માર્ગદર્શન આપે તે વેશ્યાગુરુ. વ્યભિચાર વધુ ખરાબ કે વેશ્યાચાર?
આંખો બંધ કરવાથી આકાશ નાબૂદ નથી થઈ જતું
જેમ કીંગમેકર હોય એમ વેશ્યાઓને બનાવનારા વેશ્યાગુરુથી ઉપરનું પદ એટલે વેશ્યાચાર્ય. મીઠું મીઠું બોલવામાં આવે તેને કહેવાય વેશ્યાવાણી. સ્ત્રીઓ વેશ્યામાં પલટાઈ જાય તો કહેવાય વેશ્યાવટુ અને પછી એનું ચાલુ થાય વેશ્યાપણું.
વેશ્યા માટે વપરાતા બીજા શબ્દો - કુંચની, ગુણકા, રૂપજીવિની. ઇંગ્લિશમાં? હોર, સ્લટ, કૉલ ગર્લ, કોર્ટેઝિયન, પ્રોસ્ટિટયૂટ, એસ્કોર્ટ લેડી, સેક્સ વર્કર, રેન્ટ લેડી વગેરે.
ફ્ક્ત એક ફ્કરામાં વેશ્યા સંબંધિત શબ્દોનો અતિરેક વાંચીને આંખો ભ્રષ્ટ થઇ ગઈ હોય તો આંખોમાં હાર્પિક નહીં, મગજને ગંગાજળથી ધોવાની જરૂર છે. આંખો બંધ કરવાથી આકાશ નાબૂદ નથી થઈ જતું.
માનવજાતનો સૌથી જૂનો વ્યવસાય
વેશ્યા. આ શબ્દને ગાળ માનનારો સમાજ જ મોટો પાપી છે. માનવજાતનો સૌથી જૂનો વ્યવસાય. એક પણ સમાજ, એક પણ સંસ્કૃતિ, એક પણ પ્રદેશ, એક પણ કોમ્યુનિટી, એક પણ રાજ્ય કે દેશ વેશ્યાવૃત્તિમાંથી ક્યારેય બાકાત રહી શક્યો નથી. મન લુભાવતી સ્ત્રીઓની કેટકેટલી કથાઓ પ્રાચીન સાહિત્યમાં છે.
મોહિનીના આકર્ષણમાંથી દેવો પણ મુક્ત રહી શક્યા છે? નગરવધૂ જેવું રૂપાળું નામ આપી દેવાથી દંભ ઢંકાઈ જતો હશે, પુરુષવૃત્તિ નહીં. પરાપૂર્વથી પુરુષ અને તેનો બનાવેલો સમાજ વેશ્યાઓનો ઓશિયાળો રહ્યો છે. સમાજવ્યવસ્થા પડી ભાંગે જો રાતોરાત બધી જ વેશ્યાઓ અદૃશ્ય થઇ જાય તો. વેશ્યા શબ્દ ગાળ નથી, માનવજાત જેની ઋણી છે એ એન્ટિટી છે. સૌથી વધુ સન્માનીય હોવો જોઈએ એવો વ્યવસાય સૌથી વધુ ગાળો વેઠતો આવ્યો છે, એ પણ સદીઓથી.
તરત વાગે નહીં એવી લપડાક
Gangubai Kathiawadi દર્શકોને તરત વાગે નહીં એવી લપડાક છે. મગરની પૂંછડીમાં ગોળી મારો તો એને આઠ મિનિટ પછી ખબર પડે. ગંગુબાઈ જોવા ઉમટેલો ભારતનો પ્રેક્ષકગણ આ ફ્લ્મિને એવી રીતે જુએ છે જાણે આ તો વીતેલા જમાનાની જૂની વાર્તા છે કોઈ. માફ્યિા ક્વીન્સ ઓફ્ મુંબઈ જેવી કિતાબો જે વર્ષો પહેલાં લખાયેલી એના કોઈ એક પ્રકરણનું સરસ રીતે ફ્લ્મિાંકન થયું છે - એવા દૃષ્ટિકોણથી સિનેરસિયાઓ જુએ છે.
ફિલ્મ ચાલુ થાય પછી થોડા સમય પછી અનુભૂતિ થાય છે કે આપણે તો હજુ આવા જ છીએ. હજુ પણ આ જ ધંધો ચાલે છે બધાનાં દિલોદિમાગમાં. હજુ આવી જ ગંદી રીતે દેહવ્યાપાર થાય છે. એમાં પણ વધુ નિરીક્ષણ કરવું હોય અને કયા પ્રાંતના વધુ ઘરાકો હોય એ જાણવું હોય તો પૂછી જુઓ એ સ્ત્રીઓને જ. બેંગકોક અને થાઈલેન્ડની ટ્રીપ વધુ કયા પ્રદેશના લોકો લગાવે છે? મુંબઈના રેડલાઈટ એરિયામાં કઈ માતૃભાષાના વધુ ઘરાકો જાય છે? જે સંસ્કાર અને ચરિત્રની વ્યાખ્યાઓ એક સમાજને જોઇને બાંધી રાખી છેને એ કડડભૂસ થઇ જશે.
જલદી જલદી પૈસા કમાવાની લત લાગે ને એ ઘડીકમાં ન છૂટે
ગંગુબાઈ કાઠિયાવાડી-Gangubai Kathiawadi ફ્લ્મિના એક દૃશ્યમાં એક પત્રકારની ગંગુબાઈ સાથે ઓળખાણ થાય છે. 'યુ આર જર્નાલીસ્ટ, આઈ એમ પ્રોસ્ટિટયૂટ'- એમ કહીને ગંગુબાઈ શેકહેન્ડ કરે છે. જેમ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, લેખક હોય, વક્તા કે પબ્લિક સ્પીકર હોય, પ્લમ્બર હોય એમ જ પ્રોસ્ટિટયૂટ હોય.
બધી જ વેશ્યાઓ મજબૂરીથી જ આ પ્રોફેશનમાં જોડાયેલી હોય એવું નથી હોતું. હાઈ પ્રોફઈલ એસ્કોર્ટ ગર્લ્સ તો ભણેલી હોય, આપણા જેવા ફેમિલીમાંથી આવતી હોય અને એને આ જ કામ કરવું હોય, બીજા કામના ઓપ્શન હોવા છતાં. ફ્ક્ત બે-ત્રણ-ચાર કલાકની અંદર પંદર-વીસ-પચાસ હજાર રૂપિયાની થોકડી મળે તેનું એક્સાઈટમેન્ટ જબરું હોય.
પૈસાની લત બધાની હોય પણ જલદી જલદી પૈસા કમાવાની લત લાગે ને એ ઘડીકમાં ન છૂટે. 'પેની એન્ડ પુસી' - જેફ્રી આર્ચર કે સિડની શેલ્ડને આવાં ટાઈટલ સાથે કોઈ રોચક નવલકથા લખવા જેવી હતી.
આલિયા ભટ્ટ જેવી ક્રાઉડ પુલર હિરોઈન ન હોત કે સંજય ભણશાળી જેવી મોટું નામ ન હોત તો લોકો ગંગુબાઈ કાઠિયાવાડી જોવા જતા હોત? જોવા ગયા એ લોકો પણ એક વાત સમજ્યા હોય તો સારું. વેશ્યાવૃત્તિને કાયદેસર ન કરવી એ પણ દારૂબંધીના દંભ જેવી જ વાત છે, નુકસાનકારક અને ક્યારેક પ્રાણઘાતક.
નરક જેવી જિંદગી
સરકાર કૉલગર્લ (અને હવેના સમયમાં કૉલબોય/એસ્કોર્ટ મેલ પણ ખરા)ને ઓળખ નહીં આપે ત્યાં સુધી આ પ્રોફેશનમાં કામ કરતા પ્રોફેશનલનું શોષણ થતું રહેશે. કોલકાતાના સોનાગાછીની સ્ત્રીઓને ફ્ક્ત દૂરથી જોઈએ તો પણ ખ્યાલ આવે કે કેવી નરક જેવી જિંદગી પસાર કરી રહ્યા છે. વેશ્યાગમન એ અનિવાર્ય દૂષણ છે અને તેને નાથી શકાય એમ નથી. તો એને લીગલાઈઝ કરીને ભારતના નાગરિકોને સુરક્ષા, સ્વસ્થતા અને સ્વચ્છતા કેમ આપી ન શકાય?
ગંગુબાઈ જેવી લાખો સ્ત્રીઓ ભારતમાં અત્યારે હશે અને કરોડો સ્ત્રીઓ ભૂતકાળમાં થઇ ગઈ હશે. જેણે પુરુષજાતની નગ્નતાને સાંગોપાંગ રીતે જોઈ છે, અનુભવી છે અને સહન કરી છે. આ આદરણીય વેશ્યાઓને લીધે સમાજમાં અનેક બળાત્કાર થતા અટક્યા છે, ગુનાઓ કંટ્રોલમાં રહ્યા છે, ઘરની સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા અટક્યા છે.
વેશ્યાઓએ સૌથી મોટું દાન, સુખદાન કર્યું છે. લાઈફ્માં મોકો મળે તો કોઈ કૉલગર્લને દોસ્ત બનાવી શકશો?
આ પણ વાંચો-સલમાન ખાનની સાથે હવે આ કોમેડિયન બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં?