વિદ્યા અને બુધ્ધિના દેવ છે ગજાનન ગણપતિ
અહેવાલ - સુનિલ. એ. શાહ (શિક્ષણવિદ્ લેખક અને પત્રકાર)
કોઈ પણ શુભપ્રસંગના આરંભે વિઘ્નહર્તા ગણપતિનું સૌથી પહેલું પૂજન થાય છે. તો વિદ્યા અને બુદ્ધિના તે દેવ હોવાથી સ્લેટ કે પાટીમાં ‘શ્રી ગણેશ કે ‘શ્રી ગણેશાય નમઃ” લખીને વિદ્યાર્થીઓ અભ્યાસ કે લેખનનો પ્રારંભ કરે છે. ગણપતિ તો ચૌદ વિદ્યાઓ અને ચોસઠ કલાઓના અધિષ્ઠાતા દેવ છે.
સમાજના સર્વાંગી વિકાસ માટે ‘સૈનિક’ અને ‘શસ્ત્ર' પણ જોઈએ અને ‘વિદ્વાન’ અને ‘શાસ્ત્ર’ પણ જોઈએ. શિવજીના એક પુત્ર કાર્તિકેય શસ્ત્રધારી ‘સેનાની’ છે, તો બીજા પુત્ર ગણેશ શાસ્ત્રવેત્તા ‘વિદ્વાન’ છે. ગણેશજીને બે પત્નીઓ છેઃ રિદ્ધિ અને સિદ્ધિ. ગણપતિ એ રીતે ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે. ગણેશની આકૃતિ ઓમકાર જેવી છે. ઓમકારમાંથી ગણેશનું સ્વરૂપ વિકસિત થયું એવો પણ એક મત છે. ગણપતિના આકારનું રહસ્ય સમજાય તો એમની બુદ્ધિમત્તા અને વિદ્રત્તા સ્પષ્ટ થાય હાથી અતિ બુદ્ધિશાળી ધીરગંભીર પ્રાણી ગણાય છે. ગણપતિ તર્કશક્તિ, સૂક્ષ્મદૃષ્ટિ વિવેકજ્ઞાન અને ધૈર્યના દેવ છે. એમના હસ્તિમસ્તકમાંથી આ વાત સ્પષ્ટ થાય છે. સૂપડા જેવા એમના મોટા કાનથી ગણપતિ તો સૌ ભક્તોનાં દુઃખ-દર્દ સાંભળી તેનું નિવારણ કરે છે. એમનામાં સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ છે. ઝીણી નજરે તે સૌનાં વિઘ્ન નિહાળે છે. એમની સૂક્ષ્મ આંખોમાંથી આ રહસ્ય સમજાય છે.
માનવનાં સુખ-દુઃખ સૂંઘવા-પારખવાની એમની નાસિકાની તીવ્રતા, એમના સૂંઢ જેવા લાંબા નાકથી વર્તાય છે. આવી બુદ્ધિમત્તા હોવાથી જ શિવજીએ તેમને ગણોના અધિપતિ બનાવ્યા. ગણપતિ તો તત્ત્વજ્ઞાની છે. તેથી તેઓ ‘રાષ્ટ્રનાયક’ કે ‘વિનાયક’ બન્યા. ગણેશ વિદ્યાના સંરક્ષક છે. વિદ્યા-સાહિત્યના રક્ષક તરીકે તેમની લહિયા (લખનાર) તરીકેની કામગીરી જાણીતી છે. મહાભારત જેવો વિશાળગ્રંથ લખવામાં વ્યાસજીએ ગણેશને લહિયા તરીકે બેસાડ્યા. વ્યાસજી બોલતા જાય અને ગણેશ કલમ દ્વારા-અટક્યા વિના- એક પણ ભૂલ વિના લખતા જાય. આ રીતે એક લાખ શ્લોકોનું મહાભારત રચાયું. ગણપતિની આવી અદ્ભુત ગ્રહણશક્તિ અને લેખનશક્તિ હતી.
મહાભારતને લિપિબદ્ધ કરનાર ગણેશજીને આપણે આદ્ય લિપિકાર કે લિપિના શોધક પણ કહી શકીએ! ગણેશપુરાણ ના ક્રીડાપર્વમાં ‘ગણેશગીતા’ મળે છે. તાત્ત્વિક વિચારણા મુજબ ગણપતિ બુદ્ધિ પ્રદાતા તત્ત્વજ્ઞાનના દેવતા છે તેથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય- એ ચારે અવસ્થામાં ચોથી અવસ્થા જ્ઞાનાવસ્થા-એ તુરીય અવસ્થા છે. અને બુદ્ધિ અને જ્ઞાનના પ્રદાતા ગણેશજી હોવાથી તેમના માટે ચતુર્થી તિથિ એ તર્કસંગત છે. શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને યોગમાર્ગ શીખવ્યો, તો ગણેશગીતામાં ભગવાન ગણેશજીએ પોતાના ભક્ત રાજા વરેણ્યને યોગમાર્ગ શીખવ્યો. આવા બ્રહ્મણસ્પતિ અને સિદ્ધિબુદ્ધિપતિ ગણપતિને વંદનઃ ‘સિદ્ધિ-બુદ્ધિપતિં વન્દે બ્રહ્મણસ્પતિસંજ્ઞિતમ!”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે