Godhra: પંચમહાલ, ગોધરામાં આવેલા ચાર ગેમઝોન ક્ષતિગ્રસ્ત, તમામને બંધ કરવા આદેશ
Godhra: રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. જેમાં 33 જેટલા નિર્દોશ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે દેશના વડાપ્રધાન સહિત રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ આગની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને સમગ્ર ગુજરાત રાજ્યભરના તમામ શહેરોમાં આવેલા ગેમિંગ ઝોનની ચકસની કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગોધરા (Godhra) શહેરમાં આવેલા 4 ગેમઝોનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
ગોધરામાં આવેલા ચાર ગેમઝોનમાં તપાસનો ધમધમાટ
રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ રાજ્યભરના ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા.જે અન્વયે પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા ગોધરા (Godhra)માં આવેલા ચાર ગેમઝોનમાં ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. ગોધરા શહેરમાં આવેલ 4 ગેમ ઝોનની ચકાસણી કરવામાં માટે ગોધરા શહેર મામલતદાર, ફાયર વિભાગના કર્મચારી, કોર્પોરેશનના સિવિલ અને મિકેનિકલ વિભાગના એન્જીનીયર, વીજળી વિતરણ કંપનીના અધિકારી અને શહેર પોલીસ વિભાગના અધિકારીઓની એક ટિમ બનાવી ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી.
મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસે તપાસ આદરી
સમગ્ર ચકાસણી દરમ્યાન ગેમિંગ ઝોન સંચાલક દ્વારા જરૂરી પરવાનગી કે લાયસન્સ લેવામાં આવ્યો છે કે નહીં ગેમિંગ ઝોન માટે મહત્તમ કબજો વ્યાખ્યાયિત કરેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી. આ સાથે જ ફાયર સેફટીના સાધનો અને એસ્કેપ રૂટ અને એક્ઝિટ ગેટ છે કે નહીં સહિત વીજ લોડ અને વિદ્યુત કેબલ અને સ્થાપનોની અખંડિતતા નક્કી કરેલ છે કે કેમ? સામાન્ય રીતે યાંત્રિક સ્થાપનોની મજબૂતાઈ અને ફિટનેસની તપાસ કરવામાં આવી હતી. ગોધરામાં આવેલા ચાર ગેમ ઝોન પૈકી બે ગેમઝોન બાળકો માટેના અને બે ગેમઝોન પુલ એન્ડ સ્નુકરના છે જેમાં મામલતદાર, ફાયર વિભાગ,વીજ કંપની અને પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ગોધરામાં આવેલા ગેમઝોનમાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
દરમિયાન કેટલીક ક્ષતિઓ જણાઈ આવતાં આ ચારેય ગેમઝોન હાલ પૂરતા શરૂ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. ટીમની પ્રાથમિક તપાસમાં ફાયર સેફટી એનઓસી નહીં મેળવી હોવા ઉપરાંત અવરજવરના માર્ગ એક જ હોવાનું ધ્યાને આવ્યું છે જે અંગેનો અહેવાલ ઉપલી કક્ષાએ રજૂ કરવામાં આવનાર છે. ગોધરા શહેરમાં આવેલા ગેમઝોનમાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર તપાસ દરમિયાન ગોધરા દાહોદ મુખ્ય માર્ગ પર આવેલ વાવડી વિસ્તારમાં ખુલ્લા ટેન્ટમાં કાર્યરત ગેમઝોનમાં છેલ્લા બે વર્ષથી ચાલતું ગેમ ઝોનમાં ફાયર સેફટી અંગેની એનઓસી નહીં હોવાનું સામે આવ્યું છે જેને લઈ આ ગેમ ઝોનને બંધ કરાવવામાં આવ્યો છે.