Panchmahal : ગોધરાના જહુરપુરા શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય
અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરાના પંડીત દિનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટ યોગ્ય સાફ સફાઈના અભાવે પ્રવેશદ્વાર પાસે હાલ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે જેના કારણે હાલ ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા અહીં નિયમિતપણે સફાઈ નહિં કરવામાં આવતાં આજુબાજુના રહીશો અને વેપારીઓની સહિત શાકભાજી લેવા આવતા ગ્રાહકોની હાલત કફોડી બની છે.
ઉલ્લેખનીય છે કે અહીં સરકારનું જન સેવા કેન્દ્ર પણ શાક માર્કેટમાં જ આવેલું છે જ્યાં આવતાં અરજદારો પણ આ ગંદકીના સામ્રાજ્ય માંથી પસાર થવા મજબુર બન્યા છે. આ અંગે સ્થાનિકોએ નગર પાલિકાના મુખ્ય અધિકારીને નિયમિત સાફ સફાઈ કરાવવા અને મોનીટરીંગ કરી જાહેર રસ્તા ઉપર કચરો નાંખનાર સામે કાર્યવાહી કરવા માટે અનેક વાર લેખિતમાં રજુઆત કરી છે પરંતુ સંબધિત અધિકારીઓના પેટ નો પાણી હલતું નથી તેમ જોવા મળી રહ્યું છે.
જહુરપુરા શાકભાજી માર્કેટ યાર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય
જે સ્થળે લોકો આરોગ્ય માટે તાજા અને લીલા શાકભાજી ખરીદવા માટે જઈ રહ્યા છે એવા ગોધરાના જહુરપુરા શાક માર્કેટના એક તરફના પ્રવેશદ્વાર પાસે ઉભા થયેલા ગંદકીના સામ્રાજ્યને કારણે માથું ફાડી નાંખે એવી દુર્ગંધ આવી રહી છે. અહીં ખુદ શાકભાજી વેંચતા વેપારીઓના જ આરોગ્યનું જોખમ જોવાઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે અહીં આવતાં ગ્રાહકો અને જનસેવામાં આવતાં અરજદારોને ફરજિયાતપણે નાક બંધ કરી પસાર થવા મજબુર બન્યા છે. અહીંના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે ગ્રાહકો ગંદકીના લીધે શાકભાજી ખરીદવા આવતાં નથી. બીજી તરફ અમે પણ બીમારીનો ભોગ બની રહ્યા છીએ જયારે માર્કેટમાં 200 ઉપરાંત ઓટલા છે જેનું 20 થી 30 રૂપિયા લેખે રોજનો ભાડું નગર પાલિકા દ્વારા વસુલવામાં આવે છે તેમ છતાં અહીંયા સાફ સફાઈ કરવામાં આવતી નથી અને આ ગંદકીના લીધે ગ્રાહકો આવતાં નથી જેથી માંડ 35 જેટલા વેપારીઓ માર્કેટમાં બેસતા હોય અન્ય વેપારીઓ વધુ એટલે કે 100 રૂપિયા ભાડું ચૂકવી ખાનગી જગ્યામાં બેસી શાકભાજી વેચી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમજ અહીંના ફ્રુટ અને શાકભાજી ના વેપારીઓ પર રોવનો વારો આવ્યો હોવાનું પણ જણાવી રહ્યા છે.
જહુરપુરા શાક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી કચરો ઉપડાવાની તસ્દી લેવામાં આવી નોહતી જેનાબાદ રજૂઆતો થતાં જ પાલિકા તંત્ર દ્વારા અહીં સફાઈ કરવા માટે જેસીબી મશીન મોકલવામાં આવ્યું હતું. દરમિયાન કચરો તો એક દિવસ માટે સાફ થઈ ગયો પણ અહીં આવેલા સામુહિક શૌચાલયની પાઇપ લાઇન જેસીબી મશીનથી તૂટી જતાં હવે દપટનું દુષિત પાણી બહાર આવી રહ્યું છે જે રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપતું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેથી સત્વરે આ પાઈપલાઈનનું સમારકામ કરવા અહીંના વેપારીઓ અને રહીશો હવે રજૂઆતો કરી થાક્યા બાદ અપીલ કરી રહ્યા છે.
સમગ્ર મામલે નગરપાલિકા ગોધરાના સેનેટરી ઇન્સ્પેકટર અધિકારી જણાવી રહ્યા છે કે જહુરપુરા શાકભાજી માર્કેટ માં સફાઈ કરવામાં આવે છે અને ત્યાં જે સામુહિક શૌચાલયની ડપટ ની પાઇપ તૂટી છે તેને રીપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે અને એક બે દિવસ માં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે તે સાથે જ અહીંના વેપારી અને સ્થાનિકો કચરો નાખતા હોય છે ત્યારે આજ પછી ત્યાં કોઈ કચરો નાખશે તો તેના સામે દંડ વસુલવામાં આવશે.
આ પણ વાંચો-મુશળધાર વરસાદથી વેરાવળ દરિયો બન્યું, NDRF ની ટીમ દ્વારા 100 થી વધુ લોકોના જીવ બચાવાયા, VIDEO