ડીજીટલ યુગમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ પેપર કાઢવાની સેવા બે વર્ષથી ઠપ્પ
અહેવાલઃ નામદેવ પાટીલ, ગોધરા
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી કોમ્પ્યુટર રાઈઝ કેસ પેપર કાઢવાની પદ્ધતિ ઠપ્પ થતા હાલ હાથ વડે લખી દર્દીઓને કેસ પેપર કાઢી આપવામાં આવી રહયા છે જેના કારણે અહીં સવારે ઓપીડીના સમયે કેસ બારી ખાતે દર્દીઓની કતાર જામતી હોય છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરરાઈઝડ કેસ કાઢવાની સિસ્ટમને શરૂ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે કેસ બારી ઉપર દરરોજ ચારસો ઉપરાંત દર્દીઓ આવતાં હોય છે જેમાં મહિલાઓ અને દિવ્યાંગોનો પણ સમાવેશ થાય છે, આ તમામને કેસ પેપર મેળવવા કતારમાં ઉભા રહેવું પડે છે.
દેશ ૨૧મી સદી તરફ આગળ વધી રહ્યો છે જેની સાથે જ સરકાર દ્વારા પણ તમામ સુવિધાઓ જરૂરિયાત મંદોને સરળ રીતે પ્રાપ્ત થઈ શકે એવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ જાણે 19 મી સદી તરફ પરત જઇ રહી હોય એવા દ્રશ્યો છેલ્લા બે વર્ષથી ગોધરા સિવિલ હોસ્પિટલની કેસ બારી ઉપર જોવા મળી રહ્યા છે, ગોધરા સિવિલ હોસ્પિટલમાં માત્ર ગોધરાના જ નહિ સમગ્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે, અહીં સરકારની ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ કેસ પેપર કાઢવાની સિસ્ટમ અગાઉ કાર્યરત હતી જે છેલ્લા બે વર્ષથી ઠપ્પ થતાં જ અહીં હાલમાં મેન્યુઅલ એટલે કે હાથ વડે કેસ પેપર લખી દર્દીઓની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી રહી છે, જેને લઇ દર્દીઓ અને કેસ પેપર કાઢવાની કામગીરી કરતા કર્મચારીઓ બંનેનો ખૂબ જ સમય વેડફાઈ રહયો છે, વળી જુના કેસ માટે તમામ રજીસ્ટરો ફેંદવાની સ્થિતિ ઊભી થઈ હતી હોય છે, સાથે જ જાળવણી માટે પણ સિવિલ સત્તાધિશોને ખૂબ જ કાળજી રાખવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.
જોકે આ સિસ્ટમ છેલ્લા બે વર્ષથી ઠપ્પ થયા બાદ સિવિલ સત્તાધીશો દ્વારા સરકારના સલગ્ન વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સિસ્ટમ શરૂ થઈ શકી નથી, જેથી વહેલી તકે ઓનલાઇન કોમ્પ્યુટરરાઈઝ કેસ પેપર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે એ પણ એટલું જ જરૂરી જણાઈ રહ્યું છે.