ભાજપના એક નેતાની હોટેલમાં રૂમ બૂક કરવાની બાબતે થયેલા ડખ્ખાએ જ એ ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી કરાવી?
મત કર તું અભિમાન રે બંદે, ઝૂઠી તેરી શાન રે,તેરે જૈસે લાખોં આએ, લાખો ઇસ માટી ને ખાએ;રહા ન નામ, નિશાન રે બંદે, મત કર તું અભિમાન...ઉપરોક્ત પંક્તિઓ એક બહુ જાણીતા હિન્દી ભજનની છે. દરેક મનુષ્યએ અને ખાસ કરીને સત્તાના ઉચ્ચ આસને બેઠેલા લોકોએ આ ભજન શાંતિથી સાંભળવું જોઈએ. એટલું જ નહીં તેના પર ચિંતન, મનન પણ કરવું જોઈએ અને તેનો બોધ સતત દ્રષ્ટિમાં રાખવો જોઈએ. જો કે પદ, પૈસા અને પ્રતિષ્ઠાનો નશો ઘણીવાર મા
મત કર તું અભિમાન રે બંદે, ઝૂઠી તેરી શાન રે,
તેરે જૈસે લાખોં આએ, લાખો ઇસ માટી ને ખાએ;
રહા ન નામ, નિશાન રે બંદે, મત કર તું અભિમાન...
ઉપરોક્ત પંક્તિઓ એક બહુ જાણીતા હિન્દી ભજનની છે. દરેક મનુષ્યએ અને ખાસ કરીને સત્તાના ઉચ્ચ આસને બેઠેલા લોકોએ આ ભજન શાંતિથી સાંભળવું જોઈએ. એટલું જ નહીં તેના પર ચિંતન, મનન પણ કરવું જોઈએ અને તેનો બોધ સતત દ્રષ્ટિમાં રાખવો જોઈએ. જો કે પદ, પૈસા અને પ્રતિષ્ઠાનો નશો ઘણીવાર માનવીને સાન-ભાન ભૂલાવી દે છે. સત્તાનો નશો ચડી જાય એટલે માનવી મનમાની કરવા લાગે છે અને જગતમાં કોઈ તેનો વાળ વાંકો કરી શકે તેમ નથી એવા ઘમંડમાં જ રાચવા લાગે છે; પરંતુ, પાપનો ઘડો ભરાઈ જાય એ પછી એક પછી એક પાપ છાપરે ચડીને પોકારવા લાગે છે!
પોતાના કાળા કરતૂતોના પગલે ભારે વિવાદ સર્જાયા પછી તાજેતરમાં જ બદલી પામેલા ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારીના પરાક્રમો એક પછી એક બહાર આવી રહ્યા છે. ભાજપના જ એક અગ્રણીની ફાઈવસ્ટાર કક્ષાની હોટેલમાં રૂમ લેવાનો રોફ એમને ભારે પડી ગયાની ચર્ચાસ્પદ ઘટના બહાર આવી છે. તેમની બદલી પાછળ એક મોટો કાંડ તો જવાબદાર હતો જ પરંતુ, સોરઠમાં આવેલી એક હોટલમાં મેનેજમેન્ટને ખોટી રીતે દમ મારીને રૂમ બૂક કરાવવાનું પ્રકરણ પણ એમને નડી ગયાનું બહાર આવ્યું છે.
આ ઉચ્ચ પોલીસ અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન એટલા બધા કાંડ કર્યા હતા કે, આખરે રાજ્ય સરકારે તેમની રાતોરાત બદલી કરવી પડી હતી. ભારે અહંકારમાં જીવતા આ અધિકારીએ પોતાના સમયગાળા દરમિયાન કાળો કેર મચાવ્યો હતો. એમના કરતૂતો બહાર આવવા લાગતાં રાજ્ય સરકારને તેમની બદલી તદ્દન બિન-મહત્વની પોસ્ટ પર કરી નાખવાની ફરજ પડી હતી.
ગુજરાતના એક ટોચના રાજકારણીની કૃપા દ્રષ્ટિ હેઠળ કામ કરનારા આ અધિકારી કોઈને ઘસીને ગુમડે ચોપડવાના કામમાં પણ નહોતા આવ્યા. તેમના સાથી-સહયોગી અધિકારીઓને પણ તેઓ મદદરૂપ થયા નહોતા એટલું જ નહીં, ભૂતકાળમાં મદદરૂપ થનાર મિત્રોને પણ તેઓ સાવ ભૂલી ગયા હતા.
કારકિર્દીના તમામ સમયગાળા દરમિયાન, રાજકારણીઓની આગળ પાછળ જ ફરનારા આ અધિકારીને ટોચના રાજકારણી અને તેના નકામા સાથીદારનો ટેકો હતો. જેના લીધે કોઈ પોતાનું કાંઈ બગાડી નહીં શકે તેવું માનીને જ આ અધિકારી બધાની સાથે રોફ્ભર્યું વર્તન જ કરતા હતા.
છેવટે તો કહેવત છે ને કે, ‘હવે આમનો પાપનો ઘડો ભરાઈ ગયો છે’. આવું જ કંઈક થયું આ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અને તેઓ જે શહેરમાં ફરજ બજાવતા હતા ત્યાં જ એક મોટો કાંડ સર્જાયો, જેમાં તેઓ ફસાઈ ગયા. પછી તો આ અધિકારીએ બચવા માટે બહુ બધા ધમપછાડા કર્યા પરંતુ, પાપનો ઘડો ભરાઈ જવાને કારણે જે ડૂબતો હોય તેને કોણ બચાવે? આ અધિકારી એ પછી ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયા અને એકદમ સાઇડ પોસ્ટીંગમાં મુકાઈ ગયા છે. હવે તેમના એક પછી એક કાળા કરતૂતો બહાર આવી રહ્યા છે.
એક ચોંકાવનારા કિસ્સામાં પ્રદેશ ભાજપના એક ટોચના નેતાની સોરઠમાં આવેલી હોટલમાં રૂમ રિઝર્વેશનનો મામલો પણ આ અધિકારીને નડી ગયો હોવાનું બહાર આવ્યું છે. વાત કંઇક એમ બની હતી કે, છ મહિના પહેલાં આ અધિકારીને ત્યાં મહેમાનો આવ્યા હતા. તેઓને સોરઠના એક સુપ્રસિદ્ધ પ્રવાસનધામની મુલાકાતે જવું હતું. આ પ્રવાસનધામ ખાતે ભાજપના એક આગેવાનની અદ્યતન હોટેલ આવેલી છે. અધિકારીએ ત્યાં રૂમ રિઝર્વેશન માટે પોતાના એક પીઆઇ મારફત ફોન કરાવ્યો પરંતુ, હોટેલ ફુલ હોવાના કારણે બુકિંગ શક્ય બન્યું નહીં.
ટોચના રાજકારણીના પોતાના પર ચાર હાથ હોવાના કારણે ભારે ઘમંડમાં રહેતા આ ઉચ્ચ અધિકારીને શૂરાતન ચડ્યું અને જાતે જ ફોન ઝીંકી દીધો હોટલના રિઝર્વેશન કાઉન્ટર પર! રૂમ નહીં આપો તો જોયા જેવી થશે એવી રીતસરની દમદાટી આપવા લાગ્યાં હતા. હોટેલના સ્ટાફે પોતાના માલિક એવા ભાજપના નેતાને ફોન કરતા તેઓ પણ ડઘાઇ ગયા હતા.
રિઝર્વેશન માટે બીજીવાર આ અધિકારીનો ફોન આવ્યો ત્યારે હોટેલ સ્ટાફે ચાલાકીથી હોટેલ માલિક ભાજપના નેતાને કોન્ફરન્સ કોલમાં લઈ લીધા... સત્તાના નશામાં ચૂર એવા ઉચ્ચ અધિકારીને આ વાતનો અંદાજ ન આવ્યો! આ અધિકારીની ધમકી અને ડંફાસભરી વાતો રિઝર્વેશનનો સ્ટાફ સાંભળતો રહ્યો પરંતુ, અધિકારીની દમદાટીભરી વાતો સાંભળી રહેલા ભાજપના નેતાથી રહેવાયું નહીં અને ન છૂટકે તેમણે કોલમાં અધિકારીને પોતાનો અવાજ સંભળાવી “આ યોગ્ય થતું નથી” એવું જણાવી દેતાં અધિકારીના પગ નીચે રેલો આવ્યો હતો.
કહેવાય છે કે, પછી ભાજપના નેતાએ ઘમંડી અધિકારીના કરતૂતની જાણ ગુજરાત સરકારને કરી હતી. એક બાજુ અનેક કાંડના કારણે અધિકારીનો રસ્તો કરવાનું વિચારી રહેલી સરકારને ભાજપના નેતાના કડવા અનુભવની જાણ થતાં અધિકારીની બદલીનો માર્ગ મોકળો થઈ ગયો હતો. આમ, બહુ મોટા કાંડ સિવાય બીજા અનેક પ્રકરણો પણ આ ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી પાછળ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. હવે પોલીસબેડામાં એ ચર્ચા ચાલી રહી છે કે, રાજકારણીના ઇશારે નાચનાર આ અધિકારીની સાન હવે ઠેકાણે આવશે કે પછી “વાંકી ને વાંકી જ રહેશે”??!!
Advertisement