DGP નો માનવીય અભિગમ : સસ્પેન્ડ-બદલી બાદ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરે છે, ભ્રષ્ટ્રાચારીઓ સુધરશે ખરા ?
ગુજરાત પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ભ્રષ્ટ ઉચ્ચ IPS અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ એક ટોળકી બનાવીને પોલીસ કેસ, તપાસ, અરજી અને રેડ પાડીને લાખો કરોડો રૂપિયાના તોડ કરવાનું રેકેટ ચલાવી રહ્યાં છે. આવા જ કેટલાંક ભ્રષ્ટાચારીઓના કારણે પોલીસ વિભાગ બદનામ થઈ ગયો છે અને થઈ રહ્યો છે. DGP સહાય ભ્રષ્ટાચારીઓને ચેતવણી આપવાની હળવી શરૂઆત કરી છે. રાજ્ય પોલીસ વડા પોતાના પોલીસ દળના અધિકારીઓને સસ્પેન્ડ-બદલી કર્યા બાદ રૂબરૂ મળવા બોલાવે છે અને ભ્રષ્ટાચાર સહિતના મામલા પાછળનું કારણ સમજવા તથા શિખ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 1989 બેચના IPS વિકાસ સહાયને ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી કેટલાંક પ્રામાણિક અધિકારીઓ ખુશ છે તો કેટલાંક નારાજ છે. ગુજરાત રાજ્યને નખશીખ પ્રામાણિક અને ઉમદા DGP મળ્યા હોવાની ચર્ચાઓ આજે પણ જારી છે. વિકાસ સહાય (Vikas Sahay IPS) સમગ્ર પોલીસ દળને પોતાની ટીમ માને છે અને એટલે જ કેટલાં આકરા નિર્ણયો લેતી વખતે તેઓ વ્યથિત પણ થઈ જાય છે. ડીજીપીના માનવીય અભિગમનો રાજ્ય પોલીસ દળમાં લાભ લેવાશે કે ગેરલાભ તે આવનારો સમય જ બતાવશે.
વિશેષ કિસ્સામાં 4 PI ની ટ્રાન્સફર
વાત કરીએ, તોડકાંડના આરોપ હેઠળ બદલી કરાયેલા 4 પોલીસ ઈન્સ્પેક્ટરની. ગત 4 મેના રોજ DGP વિકાસ સહાયે વિશેષ કિસ્સામાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીનો હુકમ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. DGP સહાય અગાઉ પણ કેટલાંક વિવાદીત PI, PSI ને સસ્પેન્ડ તેમજ બદલી ચૂક્યા છે. ચાર PI ની બદલી પાછળ અધધ રૂપિયાના તોડ-લૂંટ જવાબદાર છે. DGP વિકાસ સહાયે બદલી કરેલા ચાર PI માં સુરત શહેર પોલીસ (Surat City Police) ના EOW ના પીઆઈ એ. વાય બલોચ (PI A Y Baloch) અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ની PCB ના પીઆઈ ટી. આર. ભટ્ટ (PI T R Bhatt) ઈન્ટેલિજન્સ બ્રાંચ (IB) ના પીઆઈ એચ. બી. બાલીયા (PI H B Baliya) અને બનાસકાંઠા જિલ્લા પોલીસમાં નિમણૂંક ધરાવતા અને SMC માં અટેચ પીઆઈ ડી. ડી. શિમ્પી (PI D D Shimpi) નો સમાવેશ થાય છે. ચારેય PI ની અનુક્ર્મે પોરબંદર, જુનાગઢ, ડાંગ-આહવા અને કચ્છ પશ્ચિમ-ભુજ ખાતે બદલી થઈ છે.
બલોચની ફરિયાદ ગાંધીનગર પહોંચી
સુરત શહેરની EOW બ્રાંચ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં GST ચોરીના કરોડો રૂપિયાના રેકટ અને 7800 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ કરી ચૂકી છે. અશરફખાન બલોચ (Ashrafkhan Baloch) સુરત EOW ના પીઆઈ હતા. હજારો કરોડોના કૌભાંડમાં પોલીસે પણ હાથ સાફ કર્યા હોવાની વાતો લાંબા સમયથી ચર્ચામાં હતી. દરમિયાન EOW માં થયેલી એક ફરિયાદમાં PI બલોચે ભીનું સંકેલી લીધું હોવાની વાત-રજૂઆત ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) ખાતે પહોંચી હતી.
સટ્ટા રેકેટના તોડકાંડમાં બે PI ની સંડોવણી
અમદાવાદ PCB એ માધવપુરા વિસ્તારમાં આવેલા એક કોર્મશિયલ બિલ્ડીંગમાં રેડ પાડી હજારો કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો સહિતનો સટ્ટા બેટિંગ, ડબ્બા ટ્રેડિંગ અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા બાદ તેની તપાસ અમદાવાદ EOW ને સોંપી દેવાઈ હતી. હજારો કરોડોના સટ્ટા રેકેટમાં PCB ના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) અને PCB ચાર પોલીસ કર્મચારીઓએ પણ પોત-પોતાની આવડત અનુસાર તોડ કર્યાની વાત સામે આવી. આ ઉપરાંત રાજ્ય ગુપ્તચર વિભાગ (State Intelligene Bureau) માં ફરજ બજાવતા PI એચ. બી. બાલીયા સામે પણ અમદાવાદના હજારો કરોડોના સટ્ટાકાંડના રેકેટની તપાસમાં ગેરકાયદેસર રીતે સામેલ થઈ આર્થિક વ્યવહારો કર્યા હોવાનો આરોપ લાગ્યો છે.
SMC ના PI પર 5 લાખના તોડનો આરોપ
કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી (Bharat Patel @ Bobby) ના કેસમાં ગેરકાયદેસર પૂછપરછ કરનારા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના પીઆઈ જે. એચ. દહિયા (PI J H Dahiya) ને સસ્પેન્ડ કરાયા બાદ SMC માંથી 4 PI-PSI ની બદલી કરી દેવાઈ હતી. SMC સાથે અટેચ PI ડી. ડી. શિમ્પીની બનાસકાંઠા જિલ્લામાંથી કચ્છ-પશ્ચિમ ભુજ બદલી કરી દેવાતા આ બદલી ચર્ચામાં આવી છે. નકલી પાસપોર્ટ અને કબૂતરબાજીના કેસમાં ડી ડી શિમ્પી ફરિયાદી છે. શિમ્પી સામે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા એક યુવાને CM, DGP અને ગૃહ વિભાગને એક અરજી આપી તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબીની ઓફિસ ખાતેથી મળી આવેલા સંખ્યાબંધ પાસપોર્ટમાં યુવકની પત્નીનો પાસપોર્ટ સામેલ હતો અને આ મામલે આરોપી બનાવવાની ધમકી આપી આંગડીયા થકી હવાલો કરાવી 5 લાખનો લૂંટ ચલાવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલાની તપાસ ACB ને સોંપવાનો હુકમ DGP સહાયે કરી દીધો છે.
આ પણ વાંચો : વર્ષ 1986માં MAHIPATSINH JADEJA RIBDA ના પંપ પર હુમલો કરી ધાડ પાડનારી નટ ટોળકીનો સાગરીત ઝડપાયો