જવાહરલાલ નહેરૂના કપડાં લંડનમાં ધોવા જતાં : સી.આર.પાટિલ
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢમાં બુથ સશક્તિકરણ અને સોશ્યલ મિડિયા કાર્યશાળા યોજાઈ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે મહાનગર અને જીલ્લા ભાજપનો બુથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મીડિયાની કાર્યશાળાનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ અને મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા દ્વારા થયેલ કાર્યોની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી, જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની એકતા અને સંગઠન શક્તિ જ ભાજપનો પ્રાણવાયુ છે તથા તેને ગતિમાં રાખવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આગામી લોકસભાની ચુંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓને બુથ સશક્તિકરણ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી, સાથે હવે આધુનિક યુગમાં સોશ્યલ મિડિયા પણ મહત્વનો ભાગ ભજવતું હોય સોશ્યલ મિડિયા અંગેની કાર્યશાળામાં પણ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જીલ્લામાં અને શહેરમાં પક્ષ દ્વારા થયેલ કામગીરીની પણ તેઓએ સમીક્ષા કરી હતી અને આગામી ચુંટણીને લઈને અત્યારથી જ કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી.
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2014 માં જે કામ કર્યુ તે માત્ર સત્તા પરિવર્તન નથી કર્યુ તેમણે ભારતમાં પુન જાગરણ માટે એક નવા યુગનો શંખનાદ કર્યો. ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે જેના માટે રાષ્ટ્ર પ્રથમ રહ્યુ છે. ભાજપની આસ્થાનો મૂળ મંત્ર એક ભારત, શ્રેષ્ઠ ભારત છે.
યુવાનોની એક એવી ટીમ તૈયાર કરવી જોઇએ કે જે આધુનિક ટેકનોલોજીનું મોનીટરીંગ કરે અને તેને નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે. આવનાર સમયમાં કાર્યકરો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે જેનાથી પાર્ટીની વાત વધુમાં વધુ લોકોને પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપની એકતા અને સંગઠન શક્તિએ ભાજપની પ્રાણવાયુ છે તેને નિરંતર ગતીમાં રાખવું જરૂરી છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે દેશના ઘણા વડાપ્રધાન લોકપ્રિય બન્યા છે તેમાં પંડિત જવાહરલાલ નહેરુ ઘણા લોકપ્રિય હતા તેનુ કારણ એ હતું કે આઝાદી પછી પહેલા વડાપ્રધાન હતા, ગર્ભ શ્રીમંત હતા, સારા કપડા પહેરતા અને તેમના કપડા વિમાન માર્ગે લંડન ધોવા જતા તેવી લોક વાઇકા હતી. સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી તરીકે કામ કર્યુ પરંતુ તેમના નિર્ણયથી દેશનું કે ગરીબ લોકો નુ ભલુ થયુ હોય તેવુ ધ્યાનમા નથી.
બીજા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી આવ્યા જે જવાહરલાલના પુત્રી અને ગાંધી અટક ધરાવતા. બાંગ્લાદેશ સામે યુદ્ધ જીત્યા અને ગરીબી હટાવવાનું સુત્ર આપ્યુ પરંતુ ગરીબી હટી નહી ઉપરથી કોંગ્રેસના નેતાઓની ગરીબી હટી. ઇન્દિરા ગાંધીના સમયમાં કટોકટી લાદવામાં આવી હતી.
જ્યારે ભાજપના પ્રધાનમંત્રી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને અણુ શક્તિ આપણા દેશને આપી જેનાથી વિશ્વના શક્તિશાળી દેશમાં આપણે સ્થાન બનાવ્યું, કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડંકાની ચોટ પર કહ્યુ કે મારે વડાપ્રધાન બનવું છે અને 2014 માં 283 બેઠકો લાવી સત્તા પરિવર્તન કર્યુ. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કુશળ નેતૃત્વથી આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનુ ગૌરવ વધાર્યુ. આજે વિકાસ પુરુષનુ બિરુદ મળ્યુ છે.
જનતાને આપેલા તમામ વચનો જેવા કે રામ મંદિર, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દુર કરવી, ત્રિપલ તલાક સહિત દરેક વચનો પુરા કર્યા. વડાપ્રધાને સર્જીકલ સ્ટ્રાઇક થકી પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જવાબ આપ્યો અને વિશ્વને ભારતની તાકાતનો પરચો આપ્યો. આજે વડાપ્રધાનના માર્ગદર્શનમાં યાત્રાધામનો વિકાસ થઇ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌને સાથે લઇને ચાલી રહ્યા છે તેના કારણે આજે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. એક સમયે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ડિપોઝીટ બચે તો ઉજવણી થતી આજે પરિસ્થિતિ બદલાઇ છે અને ઉમેદવારો વધુ લીડથી જીતે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કારણે બદલાઇ છે.
દેશ અને દુનિયામાં થતી દરેક પોઝીટીવ વસ્તુને લોકો સુઘી પહોંચાડવાનો સફળ પ્રયાસ જો કોઇએ કર્યો હોય તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે દરેક કાર્યકર પ્રયાસ કરે.
કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીનો સમય એ કોઇ પણ રાજકીય પાર્ટી માટે ઉત્સાહનો સમય હોય છે દરેક કાર્યકર સક્રિય રીતે કામ કરતો હોય છે. કાર્યકરો સખત પરિશ્રમ કરતા હોય છે તેનુ પરિણામ આપણે ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં જોયુ છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણીનુ પરિણામ દરેક કાર્યકરે દિવસ રાત મહેનત કરી છે તે સાબિત કરે છે.
ગુજરાત ભાજપના કાર્યકરોની મહેતન દેશના અન્ય કાર્યકરો માટે માર્ગદર્શન રૂપ સાબિત થાય છે. આજે દેશની રાજનૈતિક વ્યવસ્થામાં ગુજરાત આજે લિડ કરી રહ્યુ છે જેથી આપણી જવાબદારી પણ છે કે સમય સાથે ચાલીએ. આજનો યુગ ડિજિટલને પ્રાધાન્ય આપે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. ભાજપના કાર્યકરોએ સમય સાથે ચાલવું પડશે. આજના સમયમાં મીડિયાથી વઘારે અસરકારક છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં કાર્યકરો વધુ સક્રિય રહે તે જરૂરી છે.
આ કાર્યક્રમમાં જુનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા જુનાગઢ જીલ્લાના પ્રમુખ કિરીટભાઇ પટેલ સાથે સૌરાષ્ટ્રના જીલ્લા પ્રમુખો, પ્રદેશ આગેવાનો જુનાગઢ મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા જુનાગઢ જીલ્લા મહામંત્રી જયભાઇ ત્રિવેદી, વિજયભાઈ કરડાણી, હિરેનભાઇ સોલંકી તથા સોશિયલ મિડિયા ટીમ સાથે મહાનગર અને જીલ્લાનાં હોદેદારો કોર્પોરેટરો વિવિધ મોરચાના હોદેદારો મંડળના હોદ્દેદારો વિવિધ સેલ અને વિભાગ ના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : યુવરાજસિંહનાં સમર્થનમાં આવેદન પત્ર, ખોટી રીતે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવવામાં આવ્યા હોવાની રજુઆત