Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુનાગઢમાં સફાઇ કામગીરી અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ, સફાઇકર્મીઓનું સન્માન કરાયું

અહેવાલ : સાગર ઠાકર જૂનાગઢ મનપાના સફાઈ અભિયાન અંતર્ગત શહેરના ત્રણ પ્રતિષ્ઠીત વ્યક્તિઓની સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ થઈ છે. આ સફાઈ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાત્રીના શહેરમાં સફાઈ કરતાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા સફાઈકર્મીઓને સાડી અને...
જુનાગઢમાં સફાઇ કામગીરી અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ  સફાઇકર્મીઓનું સન્માન કરાયું

અહેવાલ : સાગર ઠાકર

Advertisement

જૂનાગઢ મનપાના સફાઈ અભિયાન અંતર્ગત શહેરના ત્રણ પ્રતિષ્ઠીત વ્યક્તિઓની સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ થઈ છે. આ સફાઈ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાત્રીના શહેરમાં સફાઈ કરતાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા સફાઈકર્મીઓને સાડી અને પુરૂષ સફાઈકર્મીઓને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મીઓનું સન્માન થાય અને શહેરમાં સફાઈ માટે લોકો જાગૃત થાય તેવા હેતુથી બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા પણ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં સફાઈ કામગીરી તો કરવામાં આવે જ છે પરંતુ તેની સામે લોકોમાં પણ જાગૃતિ આવે અને લોકો સ્વેચ્છાએ સફાઈ જાળવે તેવા હેતુથી મનપા સ્થાયિ સમિતિ દ્વારા સફાઈ અભિયાન તેજ બનાવવા બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે અંતર્ગત શહેરના ત્રણ પ્રતિષ્ઠીત વ્યક્તિઓ કે જેમનો સમાજમાં પ્રભાવ હોય તેવા વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. જેમાં જી્લ્લા સરકારી વકીલ નિરવભાઈ પુરોહિત, જાણીતા લોકસાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી અને અગ્રણી સોની વેપારી જીતુભાઈ ભીંડીને જૂનાગઢ શહેરના સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા છે.

Advertisement

સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ થયા બાદ ત્રણેય મહાનુભાવો દ્વારા શહેરમાં સૌપ્રથમવાર સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાત્રીના સમયે શહેરમાં સફાઈ કર્મચારીઓ જ્યારે સફાઈ કરતાં હોય ત્યારે તેમની પાસે જઈને તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. મહિલા કર્મચારીઓને સાડી અને પુરૂષ કર્મચારીઓને ટોપી આપી તથા તેમને આઈસ્ક્રીમ ખવડાવીને તેમને પ્રોત્સાહિત કરાયા હતા. સાથે લોકોને પણ જ્યાં ત્યાં કચરો નહીં ફેકવા અપીલ કરાઈ હતી અને સફાઈ અભિયાન તેજ કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તરફની પહેલ કરવામાં આવી હતી.

Advertisement

જૂનાગઢ મનપાની સફાઈ અંગેની વાત કરીએ જૂનાગઢ મનપામાં 725 સફાઈ કર્મીઓ ફરજ બજાવે છે જેમાં 400 પુરૂષ અને 325 મહિલા સફાઈ કર્મચારીનો સમાવેશ થાય છે. મહિલા સફાઈ કર્મચારી પૈકી 300 કર્મચારી સખી મંડળની બહેનો છે, જ્યારે 100 આઉટસોર્સના કર્મચારીઓ પણ છે. શહેરના 15 વોર્ડની સફાઈ માટે 80 કચરો એકત્રિત કરવાના વાહનો છે જેમાં 3 જેસીબી 4 ટ્રેકટર અને બે લોડરનો સમાવેશ થાય છે. દરેક વોર્ડ દીઠ 35 થી 40 સફાઈ કર્મચારીઓ શહેરમાં સફાઈ કામ કરે છે શહેરમાં 20 જેટલા સેનેટરી ઈન્સ્પેક્ટર ફરજ બજાવે છે, આ ઉપરાંત શહેરના મુખ્ય રસ્તા, મુખ્ય પ્રવેશ માર્ગોની સફાઈ માટે 30 જેટલા સફાઈ કર્મી અને બે એસઆઈ મુકવામાં આવ્યા છે. એક જેસીબી બે ટ્રેકટર અને એક લોડર સહીતની મશીનરી ખાસ મુખ્ય માર્ગોની સફાઈ માટે ફાળવવામાં આવી છે અને તમામ કામગીરી પર એક સ્ટેબલ સુપરવાઈઝર દેખરેખ રાખે છે.

આમ શહેરમાં સફાઈ કામગીરીને લઈને મનપા દ્વારા તો પુરેપુરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ છતાં લોકોમાં જાગૃતિના અભાવે સ્વચ્છતા જોવા મળતી નથી, લોકો ડસ્ટબીનનો ઉપયોગ કરે અને મનપાનું ડોર ટુ ડોર વાહન કચરો લેવા આવે ત્યારે તેમાં જ કચરો નાખે તેવી વ્યવસ્થા હોવા છતાં લોકો રસ્તા પર કચરો કરે છે અને તેને લઈને શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. આ કારણોસર મનપા દ્વારા સફાઈ અભિયાન તેજ કરવામાં આવ્યું છે અને બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરી લોકોમાં સફાઈ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો : 7 વર્ષના બાળકે ઉકેલ્યા ગણિતના સરવાળા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.