Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણપતિદાદાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ઐઠોર

ઉત્તર ગુજરાત પ્રાચીન મંદિરોની ભૂમિ છે. આ પ્રદેશના ઊંઝા, ઐઠોર સુણક, ભાખર, કામલી, વાલમ, વડનગર, અમૂઢ વગેરે સહિત અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે તેના અવશેષો પણ ભૂતકાળની સાક્ષી પૂરતા ઊભેલા જોવા મળે છે. જેમાંથી ઊંઝામાં આવેલું કડવા પાટીદારોનાં કૂળદેવી...
ગણપતિદાદાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ઐઠોર

ઉત્તર ગુજરાત પ્રાચીન મંદિરોની ભૂમિ છે. આ પ્રદેશના ઊંઝા, ઐઠોર સુણક, ભાખર, કામલી, વાલમ, વડનગર, અમૂઢ વગેરે સહિત અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે તેના અવશેષો પણ ભૂતકાળની સાક્ષી પૂરતા ઊભેલા જોવા મળે છે. જેમાંથી ઊંઝામાં આવેલું કડવા પાટીદારોનાં કૂળદેવી ઉમિયા માતાજીનું મૂળ મંદિર તેમજ ઐઠોરમાં આવેલું ગણેશ મંદિર સહિત કેટલાંક ધર્મસ્થાનો દેશભરના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

Advertisement

મહેસાણા જિલ્લાના ઊંઝાથી માત્ર ચાર કિમીના અંતરે આવેલું નાનકડું ઐઠોર ગામ રેણું (રેતી)માંથી બનાવેલી ગણેશજીની ડાબી સૂંઢવાળી પ્રતિમાવાળા પ્રાચીન ગણેશ મંદિરને કારણે દેશભરના ગણેશભક્તો માટે સદાય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ગણેશ મંદિરના પરિસરમાં જમણી તરફ ઢળી ગયેલું પ્રાચીન વિષ્ણુ મંદિર પણ આવેલું છે, જેની મૂળ પ્રતિમા અસ્તિત્વમાં નથી. સોલંકીકાલીન ગણેશ મંદિર વિષે વિવિધ દંતકથાઓ પ્રચલિત છે. કહે છે કે, આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યોના શુભારંભ પ્રસંગે અહીં પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા. દંતકથા અનુસાર, પ્રાચીન કાળમાં દેવોનાં લગ્ન હોવાથી દેવીદેવતાઓની જાન જોડાઈ હતી. પરંતુ વાંકી સૂંઢવાળા અને દુંદાળા ગણેશજીને તેમના વિચિત્ર દેખાવને કારણે આ પ્રસંગમાં આમંત્રણ નહોતું અપાયું. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોંચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાંગી ગયા. આ ઘટના બનવાનું કારણ સમજાતાં દેવોએ ગણેશજીને મનાવવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદો માટે એક તળાવને કિનારે ગમાણ બનાવી ઘોડા-બળદ બાંધીને ૩૩ કરોડ દેવીદેવતાઓ પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા. આ પ્રસંગે ઐઠોરના તળાવના કિનારે દેવોએ ગોઠ વહેંચી હતી. આજે પણ આ દંતકથાના ભાગરૂપ ગોઠિયું તળાવ અને ગમાણિયું તળાવ એમ બે તળાવો ગામમાં મોજૂદ છે. આ સિવાય નદી કિનારે ૩૩ કરોડ દેવતાઓનું નાનકડું મંદિર પણ ઊભું છે.

Advertisement

બીજી પ્રચલિત દંતકથા અનુસાર દેવરાજ ઈન્દ્રનાં લગ્ન હોઈ શિવપરિવાર પણ જાનમાં જોડાયો હતો. જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોઈ ભગવાન શંકરે ગણેશજીને ‘‘તું અહીં ઠહેર' કહ્યું હતું. આમ શિવજીના અહીં ઠહેર’ શબ્દો ઉપરથી આજના ‘ઐઠોર’” નામની વ્યુત્પત્તિ થઈ હોવાનું મનાય છે. ગણેશજી ઐઠોર ખાતે રોકાયા અને શિવજી, પાર્વતીજી તથા કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા પરંતુ થોડે દૂર ગયા બાદ માતા પાર્વતીજીને પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છા થતાં તેઓ ઊંઝામાં રોકાઈ ગયાં જ્યાં આજે ઉમિયા માતાજીનું સ્થાનક છે. જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગળ વધવાનું ન ગમતાં કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકાઈ ગયા જ્યાં આજે પણ કાર્તિકેયજીનું મંદિર હયાત છે.

Advertisement

ઐઠોરના આ ગણેશ મંદિરનું નિર્માણ કોણે કર્યું હશે તેના કોઈ પુરાવા મળતા નથી કે તેનું પ્રમાણ આપતા કોઈ શિલાલેખ કે આધારભૂત કથા પણ ઉપલબ્ધ નથી. પરંતુ મૂર્તિવિધાન તથા અસલ મંદિરની સ્થાપત્યશૈલી જોતાં આ મંદિર ૧૧મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું સ્પષ્ટ અનુમાન કરી શકાય છે. વિક્રમ સંવત ૧૩૫૬માં અલ્લાઉદીન ખિલજીએ આક્રમણ કરીને ઉત્તર ગુજરાતનાં મોટા ભાગનાં મંદિરોનો ધ્વંસ કર્યો હતો, તે વેળાએ આ મંદિરનાં યક્ષો, ગાંધર્વો, દેવ-દેવીઓ, કિન્નરો, કિચકો, ગજસ્તર, નરસ્તર વગેરે સહિત તમામે તમામ ભાગોને ખંડિત કરાયા હતા, એટલું જ નહીં પણ મંદિરની કેન્દ્ર પ્રતિમાને પણ તોડી નાખવામાં આવી હતી. ત્યાર બાદ લોકો દ્વારા રેણુ (રેતી)ની પ્રતિમા બનાવીને પ્રસ્થાપિત કરાઈ હોવાનું માની શકાય છે. આમ ઐઠોર ખાતે ભગવાન ગણેશના તમામ ઉત્સવો ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે.

દર માસની સંકટ ચતુર્થી નિમિત્તે દાદાના ભક્તો આખા દિવસનો ઉપવાસ કરે છે અને રાત્રે ચંદ્રદર્શન તથા પૂજન કર્યા બાદ જ ભોજન લે છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં નિયમિત દર્શનાર્થે આવે છે. આ સિવાય દર વર્ષની ભાદરવા સુદ ચોથ એટલે કે, દાદાના જન્મદિવસ નિમિત્તે આખું ગામ ભવ્ય ઉજવણી કરે છે. આ દિવસે દાદાની સન્મુખ હવન થાય છે અને મેળો ભરાય છે. ગામના ઘરે ઘરે લાડુનો પ્રસાદ બનાવાય છે. દર વર્ષના ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસો દરમ્યાન અહીં ભરાતો શુકનમેળો આખાય પંથકમાં આગવું મહત્ત્વ ધરાવે છે. ત્રણ દિવસ દરમ્યાન વિવિધ પદ્ધતિઓથી શુકન જોઈને આવનારા વર્ષના વરતારા જોવાય છે. આ વરતારાને આધારે ખેડૂતો પોતાની ખેતીની તૈયારીઓ અને આયોજનો કરે છે. ગત વર્ષે મંદિરની મૂળ પ્રતિમાને યથાવત્ રાખીને જૂના મંદિરની અસલ શિલ્પકલા મુજબનું જ નવું ભવ્ય મંદિર નિર્માણ કરાયું હતું. ગત ડિસેમ્બર માસમાં પાંચ દિવસના ભવ્ય મહોત્સવનું આયોજન કરીને શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ બનેલા નવા મંદિરની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

અહેવાલ – સુનિલ. એ. શાહ (શિક્ષણવિદ્ લેખક અને પત્રકાર)

Tags :
Advertisement

.