Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીના કારણે એક જ દિવસમાં 6 લોકોના બેભાન થયા બાદ મોત

રાજ્યમાં કાળઝાળ ગરમીએ લોકોને ખૂબ પરેશાન કરી દીધા છે. સવારથી જ જાણે આકાશમાંથી આગના ગોળા ફેંકાઇ રહ્યા હોય તેવી અંગ દઝાડતી ગરમીથી રસ્તા સૂમસામ બની ગયા છે. દિવસે ગરમી એવી પડી રહી છે કે, જનતા સ્વયંભૂ કર્ફ્યુ લગાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વળી આ ગરમીના કારણે બેભાન થતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. તેટલું જ નહીં પણ આ કાળઝાળ ગરમીથી લોકોના મોત થયા હોવાના પણ સમાચાર સામે
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીના કારણે એક જ દિવસમાં 6 લોકોના બેભાન થયા બાદ મોત
રાજ્યમાં કાળઝાળ ગરમીએ લોકોને ખૂબ પરેશાન કરી દીધા છે. સવારથી જ જાણે આકાશમાંથી આગના ગોળા ફેંકાઇ રહ્યા હોય તેવી અંગ દઝાડતી ગરમીથી રસ્તા સૂમસામ બની ગયા છે. દિવસે ગરમી એવી પડી રહી છે કે, જનતા સ્વયંભૂ કર્ફ્યુ લગાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વળી આ ગરમીના કારણે બેભાન થતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. તેટલું જ નહીં પણ આ કાળઝાળ ગરમીથી લોકોના મોત થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. 
રાજકોટમાં ગરમી અને હીટવેવના કારણે બેભાન થવાની અને મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. બીમાર લોકો અસહ્ય ગરમીના લીધે બીમાર થાય અને ત્યારબાદ તેનું મૃત્યુ થાય તેવી છ જેટલી ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરમાં હાલ યલો એલર્ટ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં બેભાન થવાની અને ત્યારબાદ મૃત્યુ થવાની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે જેની વિગત નીચે મુજબ છે.
1) કેવડાવાડી-2માં રહેતા ગિરીરાજસિંહ જાડેજાના દિકરી વેદાંશી (ઉ.7 મહિના) રાત્રિના સમયે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જોકે, બાળાને જન્મથી જ હૃદયમાં તકલીફ હતી.
2) બીજા બનાવમાં વાણીયાવાડી-1/7માં રહેતા અને કોર્ટમાં નોટરી તરીકે કામ કરતા વિજયભાઇ જયંતિલાલ તન્ના(ઉ.52) રાત્રિના ત્રણેક વાગ્યે બેભાન થઇ જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ આ દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. મૃતક એક બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં.
3) ત્રીજા બનાવમાં સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને વાળંદ કામ કરતા નરેન્દ્રભાઇ ગગજીભાઇ થોરીયા (ઉ.વ.48) સાંજે ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે પણ દમ તોડી દીધો હતો. નરેન્દ્રભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેમને કેન્સરની બીમારી હતી.  
4) ચોથા બનાવમાં કોઠારીયા રોડસોરઠીયા પાર્ક-4માં રહેતા જીતુગીરી વામનગીરી ગોસ્વામી (ઉ.52) રાત્રિના દોઢેક વાગ્યે ઘરે હતાં, ત્યારે છાતીમાં દબાણ થતા બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે પણ દમ તોડી દેતા હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
5) પાંચમા બનાવમાં દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મીરાબેન કાળુભાઇ મેરાન (ઉ.55) ઘરે બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મીરાબેન છુટક કામ કરતા હતાં. પતિ હયાત નથી. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.
6) છઠ્ઠા બનાવમાં જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી-1માં રહેતો જીતુ વિનુભાઈ ભાખોડીયા(ઉ.30) ઘરે બેભાન થઇ જતા 108ને બોલાવાઇ હતી. પરંતુ તેને નિષ્પ્રાણ જાહેર કરાયો હતો. તે ઓરડીમાં એકલો જ રહેતો હતો. મળતી માહિતી અનુસાર તેને હાર્ટએટેક આવ્યાનું તારણ નીકળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. 40 ડિગ્રીથી વધુ પહોંચેલા તાપમાને લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. બપોરના સમયે ગરમી અને સૂર્યનાં કિરણો વધુ ઘાતક હોય છે. જેના કારણે બેચેની, ચક્કર, ઊલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે. બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ વાર રહેવાનુ ટાળવું જોઈએ. અશક્ત, બીમાર, વૃદ્ધ અને સ્વાસ્થ્યને લગતા વિવિધ પ્રોબ્લેમથી ઘેરાયેલા અનેક લોકોની હાલત ગરમીના કારણે વધુ બગડી રહી છે. આવા લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂરીયાત છે. 
Advertisement
Tags :
Advertisement

.