Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં નવી સોલાર પોલિસીના કારણે કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો

2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી સોલાર પોલિસી 2021 ને કારણે ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન...
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના કારણે કાર્બન ઉત્સર્જનમાં 55  નો ઘટાડો
2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી સોલાર પોલિસી 2021 ને કારણે ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં 55% ઘટાડો કરવામાં રાજ્યને સફળતા પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકારે 29 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાત સોલાર પોલિસી 2021 બહાર પાડી હતી. 2.5 વર્ષમાં રાજ્યમાં ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 9.32 મિલિયન ટનનો ઘટાડો થયો છે.
ત્રણ વર્ષમાં 11.06 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થશે
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પર્યાવરણ સંરક્ષણમાં ઊર્જા વિભાગના યોગદાન વિશે જણાવતા, રાજ્ય સરકારની એજન્સી GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.)એ કહ્યું કે, “ ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો થયો હોવાના લીધે,વીજળી ઉત્પાદનની પરંપરાગત પદ્ધતિઓ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે ગુજરાતમાં ઊર્જા ઉત્પાદન દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થયો છે. જો આપણે કાર્બન ઉત્સર્જનના આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટન ઓછા CO2 ઉત્સર્જનની સરખામણીએ એપ્રિલ 2023 માં 26.74 મિલિયન ટન ઓછું CO2 ઉત્સર્જન થયું છે. વધુમાં, સોલાર પોલિસી 2021 ની જાહેરાત પછી , GUVNL એ 6180 મેગાવોટ સોલાર અને 1100 મેગાવોટ પવન ઊર્જા માટે કરાર કર્યા છે , જેના પરિણામે આગામી ત્રણ વર્ષમાં 11.06 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થશે."
ગુજરાતનું ડીકાર્બનાઇઝેશન સેલ ઓછા કાર્બન ઉત્સર્જન માટે વિગતવાર રૂપરેખા બનાવી રહ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અગ્રતા સાથે કામ કરી રહી છે. તે ઉદ્દેશ્યથી, રાજ્ય સરકારે 2022 માં ખાસ ડીકાર્બનાઇઝેશન સેલની સ્થાપના પણ કરી છે . આ સેલ ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( GETRI) હેઠળ કામ કરે છે. આ સેલમાં ઊર્જા ટ્રાન્સમિશન , ઊર્જા ઉત્પાદન , વિતરણ , નાણા અને વાણિજ્ય ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ ગુજરાતમાં ડીકાર્બનાઇઝેશન અને નેટ ઝીરો જેવા વિષયો પર લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે કામ કરે છે.
રિન્યુએબલ એનર્જી ગુજરાતમાં પરંપરાગત ઊર્જાનું સ્થાન લઈ રહી છે
ગુજરાત સરકાર તેની વર્તમાન ઊર્જાની જરૂરિયાત અને ભવિષ્યની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા રિન્યુએબલ એનર્જીને અગ્રિમ પ્રાથમિકતા આપી રહી છે. પરિણામે, ડિસેમ્બર 2020 સુધીમાં 13,039 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ( સૌર + પવન + હાઇડ્રો એનર્જી) નો હિસ્સો 35% હતો , જે એપ્રિલ 2023 સુધીમાં 20,432 મેગાવોટ સ્થાપિત ક્ષમતાના યોગદાન સાથે વધીને 44% થયો છે. રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે રિન્યુએબલ એનર્જીની આ સ્થાપિત ક્ષમતાને વર્ષ 2030 સુધીમાં 80 ટકા સુધી લઇ જવામાં આવે અને રાજ્યની 50 ટકા ઊર્જા જરૂરિયાતોને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પૂર્ણ કરવામાં આવે.
વધુમાં , GUVNL એ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (ESS)ની 2379 MWh ના ટાઇઅપ માટે બે ટેન્ડરો અને અન્ય વિવિધ ચર્ચાઓ શરૂ કરી છે. ઉપરાંત , GSECL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) એ ગુજરાતમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ્સ (પીએસપી) માટે 33 સંભવિત સ્થાનો અને 8 જળાશયોના સ્થળોની ઓળખ કરી છે. NHPC (નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ) એ પણ દોઢ મહિનાની અંદર 41 સ્થળો માટે તેનો જરૂરી અભ્યાસ પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી છે.
ટાટા મોટર્સ સાથે લિથિયમ આયન સેલના ઉત્પાદન માટે MoU
એટલું જ નહીં, 2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન મુક્ત ઊર્જા અને 100 ટકા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે તાજેતરમાં 2 મે, 2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગુજરાત સરકારે ટાટા મોટર્સ સાથે લિથિયમ આયન સેલના ઉત્પાદન માટે MoU કર્યા છે. આ MoU પછી, ગુજરાત લિથિયમ આયન સેલનું ઉત્પાદન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો ગુજરાતમાં એક ટકાઉ ઊર્જા ઇકોસિસ્ટમ તો બનાવશે જ, અને તે સાથે જ તેના બાય-પ્રોડક્ટથી રાજ્ય સરકારે જે  ઓછા કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, તેને પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે.
Advertisement
Tags :
Advertisement

.