વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની સરેઆમ હત્યા, બાઈક પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કરી ફરાર
વાપીમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રાતા ગામમાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરવામાં આવી છે. શૈલેષ પટેલ પરિવારજનો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, કોચરવા ગામના વતની શૈલેષ પટેલ આજે વહેલી સવારે રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.
ઉપપ્રમુખ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત
ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : સુરત કાપડ બજારના હાલ બેહાલ, યાર્નના ભાવ વધતા વેપારીઓની મુશ્કેલીઓ વધી