અમેરિકા હજુ 180 ભારતીયોને ડિપોર્ટ કરશે: 15 ફેબ્રુઆરીએ અમૃતસરમાં વિમાન ઉતરશે
- અમેરિકા હજુ 180 ભારતીયોને 15 ફેબ્રુઆરીએ ડિપોર્ટ કરશે
- ડિપોર્ટ કરેલા લોકોને સ્ક્રીનિંગ બાદ વતનમાં મોકલવામાં આવશે
- આ પહેલા પણ અમેરિકા 104 ભારતીયોને ડિપોર્ટ કરી ચૂક્યું છે
અમેરિકા દ્વારા 180 ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે 15 ફેબ્રુઆરી, 2025ના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. આ માહિતી અનુસાર, ડિપોર્ટ કરેલા લોકોની સ્ક્રીનિંગ બાદ તેમને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ પહેલા, અમેરિકા 104 ભારતીયોને નિષ્કાસિત કરી ચૂક્યું છે, જેમને અમેરિકન સૈન્ય વિમાન C-17 ગ્લોબમાસ્ટર દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ પ્રથમ સમૂહમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 35-35, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના 2-2 લોકો સામેલ હતા.
વિમાનના અમૃતસરમાં ઉતરવા અંગે વિવાદ પણ થયો હતો. આમ આદમી પાર્ટીના પંજાબ એકમના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અમન અરોરાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વિમાનમાં પંજાબ સિવાયના અન્ય રાજ્યોના લોકો વધુ હતા, છતાં વિમાનને અમૃતસરમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું.
અગાઉ ડિપોર્ટ કરાલેયા લોકોને હાથમાં હથકડી અને પગમાં બેડીઓ હતી
ડિપોર્ટ કરાયેલા લોકોના હાથમાં હથકડી અને પગમાં બેડીઓ લગાવવામાં આવી હતી, જે અંગે ભારતમાં ભારે વિરોધ થયો હતો. દેશના અનેક શહેરોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અમૃતસરના કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઓજલાએ પોતાના હાથમાં જંજીર બાંધીને સંસદ બહાર પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.
વિપક્ષના વિરોધ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમેરિકા પોતાના નિયમો અનુસાર ભારતીયોને ડિપોર્ટ કરી રહ્યું છે અને આ પહેલા પણ ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
મહત્ત્વનું એ છે કે, 180 લોકોની ભારત વાપસી એવા સમયે થઈ રહી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત પર છે.
આ પણ વાંચો: ટેરિફનું ટેન્શન ઘટાડવા ભારતની યોજના, PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ શું નિર્ણય લેવાશે?