Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACB થી CBI પાસે પહોંચેલા લાંચ કેસમાં IT ના બે અધિકારી આરોપી બન્યા, જાણો સમગ્ર મામલો

(અહેવાલ -- બંકિમ પટેલ) ઈન્કમટેક્સના બબ્બે અધિકારીને લાંચ કેસમાં આરોપી બનાવાયા હોય તેવી કદાચ ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે. ઓક્ટોબર-2022માં ગુજરાત ACB ની ટીમને થાપ આપી અમદાવાદ આયકર ભવન (Ahmedabad Income Tax Office) માંથી નાસી છૂટેલા એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર...
acb થી cbi પાસે પહોંચેલા લાંચ કેસમાં it ના બે અધિકારી આરોપી બન્યા  જાણો સમગ્ર મામલો

(અહેવાલ -- બંકિમ પટેલ)
ઈન્કમટેક્સના બબ્બે અધિકારીને લાંચ કેસમાં આરોપી બનાવાયા હોય તેવી કદાચ ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે. ઓક્ટોબર-2022માં ગુજરાત ACB ની ટીમને થાપ આપી અમદાવાદ આયકર ભવન (Ahmedabad Income Tax Office) માંથી નાસી છૂટેલા એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર (Addl Commissioner of Income Tax) સંતોષ કરનાની (Santosh Karnani IRS) સીબીઆઈની તપાસમાં ભેખડે ભરાયા છે. સંતોષ કરનાનીને દરોડા દરમિયાન ભગાડવા તેમજ પૂરાવાનો નાશ કરવામાં મદદ કરનારા આસિસ્ટન્ટ કમિશનર ઈન્કમટેક્સ (Assistant Commissioner of Income Tax) વિવેક જોહરી (Vivek Johri) ની પણ ધરપકડ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સંતોષ કરનાનીને આપેલા આગોતરા જામીન રદ્ કરી દીધા છે.

Advertisement

કરનાની સામે ACB એ ઠોસ પૂરાવા મેળવ્યા
ઈન્કમટેક્સના એક કેસમાં બી સફલ ગ્રુપ (B Safal Group) ના માલિક-બિલ્ડર રૂપેશ બ્રહ્મભટ્ટને મામલાની પતાવટ માટે અને હેરાનગતિથી બચવા એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખની લાંચ માંગી હતી. આ મામલે રૂપેશભાઈએ ACB ગુજરાતમાં ફરિયાદ કરતા ગત 4 ઑક્ટોબર 2022ના રોજ એન્ટી કરપ્શન બ્યૂરોની બે ટીમે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા આયકર ભવન અને સિંધુ ભવન રોડ પર આવેલા ધારા આંગડીયા (Dhara Angadia) ખાતે ટ્રેપ ગોઠવી હતી. ધારા આંગડીયા પેઢી ખાતે વર્ધમાન નામના એક એકાઉન્ટમાં 30 લાખ રૂપિયાની લાંચ હવાલા થકી મેળવવામાં આવતા એસીબીએ આ રકમ કબજે લીધી હતી. બીજી તરફ આયકર ભવન ખાતે હાજર એસીબીની ટીમને લાંચ સ્વીકારી લેવામાં આવી હોવાની જાણ થતાં અધિકારી સંતોષ કરનાનીને ઝડપી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ IT ઓફિસમાં હોબાળો થતાં કરનાની ત્યાંથી નાસી છૂટ્યા હતા. ACB ની ટીમે પાસે લાંચ માંગવામાં આવી તે સમયનું રેકોર્ડિંગ અને લાંચ સ્વીકારવામાં આવી તે સમયે સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવેલું રેકોર્ડિંગ ઉપલબ્ધ હતું. આ ઉપરાંત ધારા આંગડીયામાં લાંચની રકમનો હવાલો કરવામાં આવ્યો હોવાના પૂરાવાના આધારે ફરાર સંતોષ કરનાની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

શું હતી બિલ્ડરની ફરિયાદ?
સફલ કન્સટ્રક્શન પ્રા. લી. (Safal Construction Pvt Ltd) ના MD રૂપેશ બળવંતભાઈ બ્રહ્મભટ્ટે (Rupesh Brahmbhatt) ફરિયાદમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બર-2021ના અંતમાં તેમના નિવાસ સ્થાને, ઓફિસ સહિતના સ્થળો પર આયકર વિભાગે સર્ચ કર્યું હતું. 7 દિવસ ચાલેલા સર્ચ દરમિયાન મળેલા દસ્તાવેજો-પૂરાવાની તપાસ બાદ જૂન-2022માં IT વિભાગે ડીમાન્ડ નોટિસ કાઢી હતી. આ મામલો એડીશનલ કમિશનર ઈન્કમટેકસ સંતોષ કરનાની પાસે હોવાથી તેમની પાસે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. કરનાનીએ મોટું આર્થિક નુકસાન કરવાની ધમકીઓ આપી એપ્રેઝલ રિપોર્ટ સંલગ્ન કામ માટે ગેરકાયેદસર રીતે રૂપિયા માંગતા હતા. તારીખ 3 ઑક્ટોબર 2022ના રોજ સંતોષ કરનાનીએ વૉટ્સએપ કોલ કરી રૂપ્શ બ્રહ્મભટ્ટને ઑફિસ ખાતે બોલાવ્યા હતા અને સિંધુ ભવન રોડ પર આવેલી ધારા આંગડીયામાં 30 લાખ રૂપિયા વર્ધમાન એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. આ સમગ્ર વાતચીત બિલ્ડર રૂપેશ બ્રહ્મભટ્ટે ઓડિયો ડિવાઈઝમાં રેકોર્ડ કરી લીધી હતી. રૂપેશભાઈએ ગુજરાત ACB માં ફરિયાદ આપવાની સાથે ઓડિયો રેકોર્ડિંગ પેન ડ્રાઈવમાં રજૂ કરવાની તેમજ લાંચના 30 લાખ રૂપિયા આપવાની ખાતરી આપી હતી.

Advertisement

તપાસ કેમ CBI ને સોંપાઈ?
આંગડીયા પેઢીમાં હવાલો કરાવી 30 લાખની લાંચ લેનારા એડીશનલ કમિશનર ઈન્કમટેકસ સંતોષ કરનાની સામે ACB એ ફરિયાદ નોંધી તેમને વૉન્ટેડ દર્શાવ્યા હતા. 30 લાખના લાંચ કેસમાં ફરાર સંતોષ કરનાની રાજસ્થાન અને મુંબઈ ખાતે મિલકતો ધરાવતા હોવાની જાણકારી એસીબીની પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. સંતોષ કરનાની અન્ય રાજયોમાં મિલકત ધરાવતા હોવાથી આ તપાસ દેશ વ્યાપી બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી અને આખી ગુજરાત ACB એ ગૃહ વિભાગ થકી કેન્દ્ર સરકારને વિનંતી કરતા આ ચર્ચાસ્પદ લાંચ કેસ CBI ને સોંપવામાં આવતા 12 ઑક્ટોબર 2022ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી.

IT ઓફિસર જોહરી કેમ બન્યા આરોપી?
30 લાખના લાંચ કેસમાં ગુજરાત ACB ની ટીમ પકડવા આવી રહી છે તેની જાણકારી સંતોષ કરનાનીને કેવી રીતે થઈ તે હજી સુધી જાણવા મળ્યું નથી. જો કે, સંતોષ કરનાનીને આયકર ભવન ખાતેથી ભગાડી દેવામાં તેમજ તેમના બે મોબાઈલ ફોન પોતાની પાસે મેળવી લેનારા આસિસ્ટન્ટ કમિશનર ઈન્ક્મટેક્સ વિવેક જોહરીની પોલ CBI તપાસમાં ખૂલી ગઈ. સંતોષ કરનાનીના બંને મોબાઈલ ફોન કબજે લેવા માટે CBI એ જોહરીની પૂછપરછ કરતા તેણે બંને મોબાઈલ ફોન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જઈને નદીમાં નાંખી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી CBI એ ફાયર બ્રિગેડ ડિપોર્ટમેન્ટ અને સોનાર ટેક્નોલોજીથી સંચાલિત વ્હીકલ (Remotely Operated Vehicle Equipped with SONAR Technology) ની મદદથી ભારે જહેમત બાદ સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ ફોન કબજે લઈ આયકર અધિકારી જોહરીની ધરપકડ કરવામાં આવી હતી.

1 લાખના ઈનામી કરનાનીના આગોતરા રદ્
CBI ની તપાસ દરમિયાન સંતોષ કરનાની 4-4 વખત નોટિસ આપવા છતાં સામેલ થયા ન હતા. ડિસેમ્બર-2022ની શરૂઆતમાં અમદાવાદ ભદ્ર સ્થિત સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે () ફરાર સંતોષ કરનાની સામે અરેસ્ટ વોરંટ ઈસ્યૂ કર્યું હતું. 19 અને 21 નવેમ્બર-2022ના રોજ CBI એ આયકર વિભાગના અધિકારીઓ તેમજ સંતોષ કરનાનીના સંબંધીઓના 21 સ્થળોએ સર્ચ કરી કેટલાંક દસ્તાવેજો અને 41.96 લાખના રોકાણની માહિતી મેળવી હતી. ધરપકડ ટાળવા માટે ભાગી રહેલા સંતોષ કરનાનીની બાતમી મેળવવા માટે CBI એ 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : MLA કાંતિ અમૃતિયા અને BUILDER જેરામ કુંડારીયા વચ્ચે સમાધાન થઈ ગયું ?

Tags :
Advertisement

.