Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મચ્છુ જળ હોનારત:  બપોરનો 3.15 વાગ્યાનો સમય...ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો અને હજારો જીંદગીઓ પળવારમાં શાંત થઇ ગઇ...!

મચ્છુ જળ હોનારત....! આ શબ્દ કાને પડતાં જ આજે પણ મોરબીવાસીઓ આ દુર્ઘટનાને યાદ કરતાં રડી પડે છે. આજે મોરબી જળ હોનારતને થયે 44 વર્ષ પુરા થયા છે. આ ગોઝારી ઘટનાથી ગુજરાત તો ઠીક પણ દેશ વિદેશ પણ સ્તબ્ધ થઇ...
મચ્છુ જળ હોનારત   બપોરનો 3 15 વાગ્યાનો સમય   ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો અને હજારો જીંદગીઓ પળવારમાં શાંત થઇ ગઇ
મચ્છુ જળ હોનારત....! આ શબ્દ કાને પડતાં જ આજે પણ મોરબીવાસીઓ આ દુર્ઘટનાને યાદ કરતાં રડી પડે છે. આજે મોરબી જળ હોનારતને થયે 44 વર્ષ પુરા થયા છે. આ ગોઝારી ઘટનાથી ગુજરાત તો ઠીક પણ દેશ વિદેશ પણ સ્તબ્ધ થઇ ગયું હતું. મચ્છુ દુર્ઘટનાની આજે 11 ઓગષ્ટે 44મી વરસી છે.
મોરબીનો મચ્છુ-2 બંધ તૂટ્યો હતો
11મી ઓગષ્ટ, 1979નો એ કાળો દિવસ જ્યારે મોરબીનો મચ્છુ-2 બંધ તૂટ્યો હતો અને સમગ્ર મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ડેમનું પાણી ફરી વળ્યું હતું. અંદાજો મુજબ આ દુર્ઘટનામાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
આખુ મોરબી શહેર તહસ નહસ કરી દીધું
મચ્છુ બંધ હોનારત એ પૂર હોનારત હતી જેણે આખુ મોરબી શહેર તહસ નહસ કરી દીધું હતું. એક તરફ અત્યંત ભારે અવિરત વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં સતત પાણીનો ભરાવો થઇ રહ્યો હતો. બંધની 4 કિમી લાંબી દિવાલોને પણ સતત વધી રહેલા પાણીની અસર થવા લાગી હતી. આખરે એ નબળી ક્ષણ આવી કે ક્ષમતા કરતાં વધુ પાણી ભરાઇ જવાના કારણે એટલે કે ત્રણ ગણું પાણી ભરાઇ જવાના કારણે બંધની દિવાલોમાં ગાબડાં પડવા લાગ્યા અને બંધ તૂટી ગયો હતો.
માત્ર 20 મિનિટમાં જ મોરબી શહેરમાં 12થી 30 ફૂટ પાણી ફરી વળ્યા
બંધ તૂટતાં જ ધસમસતો પાણીનો પ્રવાહ ડેમથી 5 કિમી દુર આવેલા મોરબી શહેર તરફ આવ્યો હતો. ધસમસતા ભારે પ્રવાહના કારણે રસ્તામાં જે આવ્યું તે તહસ નહસ થવા લાગ્યું હતું. માત્ર 20 મિનિટમાં જ મોરબી શહેરમાં 12થી 30 ફૂટ પાણી ફરી વળ્યા હતા.
જેમ જેમ ડેમનું પાણી મોરબી તરફ વહ્યું તેમ તેમ તારાજી સર્જાતી રહી
11 ઓગષ્ટ, 1979ના દિવસે બપોરે 3 વાગે મોરબી શહેરમાં રાબેતા મુજબ લોકો પોતાનું કામ કરી રહ્યા હતા. છેલ્લા 1 અઠવાડીયાથી ભારે વરસાદ વરસી રહ્યો હતો પણ વરસાદ અટકવાનું નામ લેતો ન હતો. એ જ સમયે બંધ તૂટ્યો. કલાકો સુધી ડેમનું પાણી મોરબી શહેર તરફ ફંટાતું રહ્યું હતું અને મોરબીમાં કાળો કેર વરતાવતું રહ્યું હતું. જેમ જેમ ડેમનું પાણી મોરબી તરફ વહ્યું તેમ તેમ તારાજી સર્જાતી રહી હતી.  મોરબી, માળીયા અને મચ્છુકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળતાં અનેક લોકોના મોત થયા હતા. કરુણતા તો એ હતી કે છાપરાં કે ઝાડ પર આશરો લેનારા લોકોને પણ પૂરનું પાણી ખેંચી ગયું હતું.
મોરબી શહેર જાણે કે મસાણમાં ફેરવાઇ ગયું
અત્યંત ભયંકર પૂરના કારણે મોરબી શહેર જાણે કે મસાણમાં ફેરવાઇ ગયું હતું. મોરબીની પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે વીજળીના તાર પર પણ મૃતદેહ લટકતાં જોવા મળ્યા હતા. મોરબીની 60થી વધુ ટકા ઇમારતો પણ ધરાશાયી થઇ ગઇ હતી. ચારે તરફ મનુષ્ય અને પશુઓના મૃતદેહ પડેલાં જોવા મળ્યા હતા. સ્થિતિ એવી થઇ ગઇ હતી કે નદી ક્યાં હતી અને શહેર ક્યાં હતું તે કળવુ મુશ્કેલ થઇ ગયું હતું. ચારે તરફ કાદવ કિચડનું સામ્રાજ્ય હતું.
હજારો માનવ જિંદગીઓ એક પળમાં શાંત
ત્રણ કલાક સુધી પૂરના પાણીએ મોરબી શહેરને ઘમરોળ્યું હતુંઅને મોરબીને વેરવિખેર કરી નાંખ્યું હતું. હજારો માનવ જિંદગીઓ એક પળમાં શાંત થઇ ગઇ હતી. કુદરતના આ કહેર સામે મનુષ્ય જાણે કે લાચાર થઇ ગયો હતો. ઘણા પરિવારો એવા હતા કે જેના તમામ સભ્યોના મોત થયા હતા.
અમેરિકાથી જાણ થઇ
આ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભુલી શક્યા નથી. એ ગોઝારા દિવસે મોરબીમાં જાણે મોતનું તાંડવ થયું હતું. અમેરિકામાં સેટેલાઇટ દ્વારા મોરબીમાં જળ હોનારત થઇ છે તેની જાણ થતાં અમેરિકાથી દિલ્હી ફોન આવ્યો અને ત્યારે  સરકારને જાણ થઇ હતી. આજે 11 ઓગષ્ટ આ ગોઝારી દુર્ઘટનાની 44મી વરસી છે અને તેથી આજે મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.