ટ્રેન અકસ્માત બાદ સલમાન ખાન સહિતના આ સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ
ગઈકાલે ઓડિશાથી એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા હતા. બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 280 લોકોના મોત થયા હતા અને 900 લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. દુખની આ ઘડીમાં ઘણા સેલેબ્સે પીડિતો પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમના માટે પ્રાર્થના કરી હતી.
ઓડિશા ટ્રેન દુર્ઘટનાએ દરેકની આંખો ભીની કરી દીધી છે. ઘટના સ્થળે ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રેન અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ન જાણે કેટલા લોકો જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. સંકટની આ ઘડીમાં દરેક વ્યક્તિ પીડિત પરિવારોની સાથે ઉભા જોવા મળી રહ્યા છે. આ ઘટના પર ઘણા સેલેબ્સે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
સલમાન ખાન અને સની દેઓલે કરી ટ્વિટ
સલમાન ખાને લખ્યું, 'અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન ઘાયલોને અને પીડિત પરિવારને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ આપે. આ ઉપરાંત સની દેઓલે પણ ટ્વિટ કરી લખ્યું, 'ઓડિશાના બાલાસોરમાં થયેલા દર્દનાક ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
જુનિયર એનટીઆરએ દુઃખ વ્યક્ત કર્યું
જુનિયર એનટીઆરએ પોસ્ટ કરી લખ્યું, 'હું ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો અને તેમના પ્રિયજનો માટે દિલથી પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થનાઓ આ ઘટનામાં અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે તેમને આ મુશ્કેલ સમય સામે લડવાની હિંમત મળે. મિર્ઝાપુર ફેમ દિવ્યેન્દુએ ટ્વીટ કર્યું, 'ભયાનક ટ્રેન દુર્ઘટના વિશે જાણીને દુઃખ થયું. હું બધા માટે પ્રાર્થના કરું છું.
સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીએ કરી રક્તદાનની અપીલ
પ્રખ્યાત ગીતકાર વરુણે પણ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના કરી છે. આ સિવાય સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને લોકો પાસેથી રક્તદાન કરવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે અને ઘાયલોની સ્વસ્થતાની કામના કરી છે.
પીડિત પરિવારને મળશે 12 લાખ રૂપિયાનું વળતર
આ અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને 12 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. તેમાંથી રેલ્વે મંત્રાલય દ્વારા 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
આ પણ વાંચો -અવારનવાર બિકીની ફોટો શેર કરી ચાહકોને ખુશ કરતી રહે છે અમિષા