આ યુવા ખેલાડીની WTCની ફાઇનલમાં થઇ એન્ટ્રી, ઋતુરાજ ગાયકવાડને કરશે રિપ્લેસ
IPL 2023માં રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની તોફાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. આ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેણે ઘણી રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ રમી હતી. ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું હતું કે તેને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી શકે છે. પરંતુ કોઈને ખબર ન હતી કે IPL 2023ના અંત સુધીમાં તેમના માટે આ સારા સમાચાર આવશે. IPLની 16મી સિઝન પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ મહત્વપૂર્ણ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવાની સાથે BCCIએ સ્ટેન્ડબાય ખેલાડીઓની લિસ્ટ પણ જાહેર કરી હતી.
BCCIએ યશસ્વીને રેડ બોલથી પ્રેક્ટિસ શરૂ કરવા કહ્યું
સ્ટેન્ડબાય ખેલાડીઓમાંથી એક ઋતુરાજ ગાયકવાડ આવતા મહિનાની શરૂઆતમાં લગ્ન કરી રહ્યો છે તેવાં સમાચાર સામે આવ્યા છે, જેના કારણે તે WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જઈ શકશે નહીં અને તેના સ્થાને યશસ્વી જયસ્વાલની પસંદગી કરવામાં આવી છે. સુત્રો મુજબ BCCIએ યશસ્વીને રેડ બોલથી ક્રિકેટ પ્રેક્ટિસ શરૂ કરવા કહ્યું છે. તેની પાસે પહેલેથી જ UK વિઝા છે, તે થોડા દિવસોમાં લંડન જશે.
ઋતુરાજ ગાયકવાડ 5 જૂન પછી થશે ટીમમાં સામેલ
શરૂઆતમાં BCCIએ ગાયકવાડને WTC ફાઈનલ માટે સ્ટેન્ડ બાય ઓપનર તરીકે પસંદ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર જયસ્વાલ ભારતીય ટીમ સાથે જોડાશે કારણ કે ગાયકવાડે BCCIને જાણ કરી છે કે તેના લગ્ન હોવાના કારણે તે ઈંગ્લેન્ડ જઈ શકશે નહીં. તે 5 જૂન પછી ટીમ સાથે જોડાઈ શકશે. કોચ રાહુલ દ્રવિડે પસંદગીકારોને વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું. તેથી જયસ્વાલની પસંદગી સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે કરવામાં આવી છે.