Madhupura મંદિરમાં 200 વર્ષથી અખંડ ચાલતા ચોખ્ખા ઘીના દીવા...
- અમદાવાદના માધુપુરામાં આવેલુ છે 200 વર્ષ જૂનુ માઇ મંદિર
- આ મંદિરમાં છેલ્લા 200 વર્ષથી ચોખ્ખા ઘીના અખંડ દીવા થાય છે
- ભાદરવી પૂનમે માતાજીના દર્શનનો વિશેષ મહિમા
Madhupura : અમદાવાદના માધુપુરા (Madhupura) માં આવેલા 200 વર્ષ જૂના માઇ મંદિરમાં આજે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીતેલી 2 સદીથી આ માઇ મંદિરમાં ભક્તોની ભારે આસ્થા છે.
આ મંદિરમાં છેલ્લા 200 વર્ષથી ચોખ્ખા ઘીના દીવા થાય છે
આજે ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના માધુપુરા જગદંબાના મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ મંદિરમાં છેલ્લા 200 વર્ષથી અખંડ ચોખ્ખા ઘીના દીવા થાય છે. 200 વર્ષ પહેલાં કપડવંજના એક ઘીના વેપારીએ અંબાજીની મૂર્તિ લાવી મંદિરની સ્થાપના કરી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો---Ambaji: બોલ માડી અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું
કપડવંજના એક ઘીના વેપારીએ અંબાજીની મૂર્તિ લાવી મંદિરની સ્થાપના કરી
કહેવાય છે કે આશરે 200 વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના મોટા વેપારી હતા અને ગામના અગ્રણી પણ હતા. એકવાર એક શિલ્પકાર કપડવંજમાં અંબાજી માતાની બે મૂર્તિઓ વેચવા માટે આવ્યો હતો. ગામવાસીઓએ નરભેરામની મજાક ઉડાવવા માટે શિલ્પકારને કહ્યું હતું કે તમારી મૂર્તિ નરભેરામ સિવાય કોઇ ખરીદી શકશે નહીં. જેથી શિલ્પકાર નરભેરામ પાસે ગયો હતો અને વાજબી ભાવે મૂર્તિ ખરીદવા કહ્યું હતું. જોકે નરભેરામે આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી યોગ્ય પૈસા આપી શકે તેમ નથી, પરંતુ બે મૂર્તિઓના બદલામાં ઘીના 17 ઘડા આપી શકું છું તેમ કહ્યું હતું. શિલ્પકારે એ વાતને સ્વીકારી અને ઘીના 17 ઘડાના બદલે મૂર્તિઓ આપી હતી. શિલ્પકાર પાસેથી બે મૂર્તિ લીધા બાદ નરભેરામ પોતાના ઘર સહિતનો તમામ સામાન વેચી અમદાવાદ નીકળ્યા હતા. રસ્તામાં ઉત્કંઠેશ્વર-દેહગામ રોડ પર નરભેરામે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારીને અંબાજીની એક મૂર્તિ આપી હતી. ભગવાન મહાદેવના મંદિરની સામે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિની આજે પણ પૂજા કરવામાં આવી રહી છે. ત્યારબાદ નરભેરામ માધુપુરા ગયા હતા અને તેમણે મંદિર બનાવવાની વિનંતી કરી હતી. ગામના અગ્રણીઓ નરભેરામની વિનંતીથી ખૂબ પ્રસન્ન થયા હતા અને તરત જ અંબાજી માતાનું મંદિર બનાવવા જમીન આપી હતી. બાદમાં માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
ભાદરવી પૂનમે માતાજીના દર્શનનો વિશેષ મહિમા
આ મંદિરમાં ભાદરવી પૂનમે માતાજીના દર્શનનો વિશેષ મહિમા છે. આજે માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીની માનતા માને છે. મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે જેના સાક્ષાત દર્શન ભક્તોને થઇ રહ્યા છે.
આજે વિશેષ શણગાર
ભાદરવી પૂનમના પ્રસંગે ગોખમાં વસ્ત્ર અને અલંકારો તથા આભૂષણોનો શણગાર કરાયો છે. દર્શન કરનારને વાઘ ઉપર માતાજી સાક્ષાત બેઠા હોય તેવા જુદી જુદી જાતના દર્શન થઈ રહ્યા છે. દૂર દૂર થી ભાવિકો અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો---ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના, શ્રી Sidhhi Group ના ચેરમેન મુકેશભાઈએ કરાવ્યું પ્રસ્તાન