તલાટીની પરીક્ષા સુપેરે પાર પડે તે માટે ઈન્ટેલિજન્સ વિભાગની પણ વૉચ
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયાં બાદ હવે તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તલાટીની પરીક્ષામાં કોઈ પણ ગેરરીતી સામે ના આવે તે માટે આ પરીક્ષામાં પંચાયત સેવા પસંદગી મંડળથી લઈ, GSRTC, પોલીસ અને રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગ કામે લાગ્યું છે.
1 જગ્યા માટે 251 ઉમેદવારો
રવિવારે તલાટીની પરીક્ષાન લઈને સરકારે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવતીકાલે રવિવારે રાજ્યના 30 જિલ્લાઓના 2694 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તલાટીની એક જગ્યા માટે 251 ઉમેદવારો પરીક્ષા આપશે એટલે કે તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે 8,64,400 ઉમેદવારો છે.
ખાનગી બસોને પણ સ્ટેટ કેરેજની પરમિશન
રવિવારે યોજાનારી તલાટીની પરીક્ષા માટે આશરે 8 લાખથી વધારે ઉમેદવારેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ હાલાકી ના પડે તે માટે એસટીની 6 હજાર બસો ઉપરાંતની સુવિધા મળે રહે તે માટે ખાનગી અને સ્કુલ બસોને ખાસ કિસ્સામાં તા. 6 અને 7મી મેના રોજ સ્ટેેટ કેરેજની પરમિશન આપવી છે.
પરીક્ષા વ્યવસ્થાનું રિહર્સલ
તલાટીની પરીક્ષા માટે આજે શનિવારે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ સહિત તમામ કર્મચારી ગણ દ્વારા કેન્દ્ર પર પરીક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું જેનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું. ગુજરાતમાં કોઈ પરીક્ષાના આયોજન માટે વ્યવસ્થાનું રિહર્સ કરવામાં આવ્યું હોય તેવી કદાચ આ પહેલી પરીક્ષા હશે.
ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ થશે
ડમી ઉમેદવારને પકડવા માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ થશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેના પહેલા પરીક્ષા આપવા દેવામાં આવશે પણ બાદમાં તેની પુછપરછ થશે અને સંતોષકારક જવાબ મળ્યા બાદ જ તેને છોડવામાં આવશે.
વ્યવસ્થા માટે મંડળ દરેકના સંપર્કમાં
ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ગુજરાત વાહનવ્યહાર નિગમનો પણ વધારાની બસ દોડાવશે. પરીક્ષાને લઈને GPSSBના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ઉમેદવારોને હાલાકી ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવશે. ST અને રેલવે વિભાગ અમારા સંપર્કમાં છે. તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવારો પાસેથી વ્યાજબી ભાડુ વસુલવામાં આવે તે માટે રિક્ષા ચાલક એસોશિએશન સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
પેપર જિલ્લાઓના સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા
પાટનગર ગાંધીનગરના 109 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. જેના માટે પરીક્ષાના પેપર માટે કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવાયો છે, ગાંધીનગરમાં 36 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તલાટીના પેપર કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. રાજ્યભરમાં રવિવારે યોજાનારી તલાટીની પરીક્ષા માટે રાજ્યના તમામ જિલ્લાના પરિક્ષા કેન્દ્રો માટે તલાટીના પેપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં પહોંચાડી દેવાયા છે.
રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગની Watch
તલાટીની પરીક્ષા સુપેરે પાર પડે તે માટે રાજ્યના પોલીસ વિભાગની સાથે રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગની પણ વોચ છે. આ મામલે શુક્રવારે હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પરીક્ષા સંબંધી ગેરરીતિમાં સંડોવાયેલા લોકો, કોચિંગ ક્લાસ, અસામાજિક તત્વો વિગેરે લોકો ઉપર રાજ્યનું ઈન્ટેલિજન્સ તંત્ર તથા પોલીસ ચાંપતી નજર રાખી રહેલ છે. ગેરરીતિનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિરોધમાં નવા કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
ગેરરીતિમાં પકડાયા તો ખેર નથી
ભૂતકાળમાં પરીક્ષા સંબંધી ગેરરીતિમાં સંડોવાયેલા લોકો, કોચિંગ ક્લાસ, અસામાજિક તત્વો વિગેરે લોકો ઉપર રાજ્યનું ઈન્ટેલિજન્સ તંત્ર તથા પોલીસ ચાંપતી નજર રાખી રહેલ છે. ગેરરીતિનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિરોધમાં નવા કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ડમીકાંડ કેસમાં SIT પોતાના ફરાર કોન્સ્ટેબલને જ નથી શોધી શકતી