દેશમાં 'સનાતન' વિવાદ વચ્ચે 'દિગ્વિજય દિવસ'ની ઉજવણી
અહેવાલ---સંજના બોડા, અમદાવાદ દેશભરમાં સનાતન ધર્મ અંગે વિવાદનો મધપૂડો છંછેડાયો. રાજકીય નેતાઓની વિવાદિત નિવેદનબાજી સામે પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક અજ્ઞાનીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. જો કે આજથી 130 વર્ષ પહેલા યુગપુરુષ સ્વામી વિવેકાનંદે દુનિયાને ઐતિહાસિક...
અહેવાલ---સંજના બોડા, અમદાવાદ
દેશભરમાં સનાતન ધર્મ અંગે વિવાદનો મધપૂડો છંછેડાયો. રાજકીય નેતાઓની વિવાદિત નિવેદનબાજી સામે પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક અજ્ઞાનીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. જો કે આજથી 130 વર્ષ પહેલા યુગપુરુષ સ્વામી વિવેકાનંદે દુનિયાને ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યુ હતું.
સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા છે અને અવિરત ચાલતી રહેશે. પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવાયું છે. આજે દિગ્વિજય દિવસ પર વૈશ્વિક મંચ પરથી અપાયેલા એ ઐતિહાસિક ધર્મના સંદેશ વિશે જાણીએ...
'દિગ્વિજય દિવસ'ના 130 વર્ષ પૂર્ણ
સનાતન ધર્મ અંગે રોજ એક નવી ટિપ્પણીઓ સાંભળવા મળી રહી છે. ત્યારે આજથી અંદાજે 130 વર્ષ પહેલા શિકાગોની ધર્મ પરિષદમાં ભારત અને હિન્દૂ ધર્મને વિશ્વમાં જાણીતો કર્યો હતો. એ સમયથી આજ સુધી વિશ્વમાં હિન્દૂ ધર્મને ખૂબ માનથી જોવામાં આવે છે. એ ઐતહાસિક દિવસ એટલે 11 સપ્ટેમ્બર 1893. આ દિવસે સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં આયોજિત 'વિશ્વ ધર્મ પરિષદ'માં તેમના પ્રખ્યાત વ્યાખ્યાનથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી અને સમગ્ર વિશ્વના મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા.
સ્વામી વિવેકાનંદે ભારતની ધર્મસમૃદ્ધિને તથા તેના અધ્યાત્મસત્ત્વને લોકો સુધી પહોંચાડ્યું
સમગ્ર વિશ્વ જયારે વિકાસના શિખરો સર કરી રહ્યું હતું ત્યારે સ્વામી વિવેકાનંદે ભારતની ધર્મસમૃદ્ધિને તથા તેના અધ્યાત્મસત્ત્વને લોકો સુધી પહોંચાડ્યું. માનવજીવનમાં ભૌતિકતાની સરખામણીએ અધ્યાત્મનું જે વિશેષ મૂલ્ય હતું તેને તેઓએ પોતાના વિચારો, કર્તવ્યો તથા વ્યક્તિત્વ દ્વારા પ્રસ્થાપિત કર્યું, પુન :સ્થાપિત કર્યું. સ્વામી વિવેકાનંદ એ વૈદિક ધર્મના પર્યાય બની ગયા હતા જેને સ્વામી દયાનંદ સરસ્વતી 'સનાતન ધર્મ' તરીકે અને આપણે અત્યારે હિન્દૂ ધર્મ તરીકે ઓળખીએ છીએ.
વિશ્વમાં "વસુધૈવ કુટુંબકમ"નો ફેલાવ્યો સંદેશ
અમેરિકાના શિકાગોના એ વૈશ્વિક મંચ પર પોતાના આધ્યાત્મિક વિચારો રજુ કરી લોકોને હિન્દૂ ધર્મનું મહત્વ સમજાવી સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું. અને વિશ્વને "વસુધૈવ કુટુંબકમ"નો સંદેશ સ્વામી વિવેકાનંદે તેમના ભાષણ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યો હતો.
અમેરિકાના બહેનો તથા ભાઈઓ
સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણની શરૂઆત 'અમેરિકાના બહેનો તથા ભાઈઓ'થી કરી હતી જે સભાને સંબોધવાની એક વિશિષ્ટ શૈલી તરીકે ઉભરી આવી હતી. આ સંબોધનથી દુનિયાના લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. તેના દ્વારા સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભાઈચારાની ભાવનાનો સંદેશ ગુંજતો કર્યો હતો. અને લોકોમાં એક આધ્યાત્મિક ચેતના જાગૃત થઇ હતી.
रुचीनां वैचित्र्या दजुकुटिलनानापथजुषां
नृणामेको गम्य स्त्वमसि पयसामर्णव इव ॥७॥ ( शिव महिम्न: स्तोत्रम् )
તમામ ધર્મો સાચા છે, આ ભારતીય માન્યતા છે અને અમે તેને દરેક સ્વરૂપે સ્વીકારીએ છીએ
સ્વામી વિવેકાનંદે આ ભાષણમાં કહ્યું હતું, કે તમામ ધર્મો સાચા છે, આ ભારતીય માન્યતા છે અને અમે તેને દરેક સ્વરૂપે સ્વીકારીએ છીએ. તેમણે શિવ મહિમ્નાના સ્તોત્રને ટાંકીને આ વાત સાબિત કરી હતી અને કહ્યું હતું કે જેમ નદીઓ વિવિધ સ્ત્રોતોમાંથી નીકળતી હોવા છતાં આખરે સમુદ્રમાં મળે છે, તેવી જ રીતે માણસ પોતાની ઈચ્છા પ્રમાણે અલગ-અલગ માર્ગ પસંદ કરે છે.
130 વર્ષ પૂર્વે અમેરિકાની ધરતી પરથી સનાતન ધર્મ અંગે શાશ્વત જ્ઞાન આપ્યું
સ્વામી વિવેકાનંદ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, શિક્ષણ વગેરેના પ્રબળ સમર્થક હતા. તે સ્ત્રીઓનું સન્માન કરતા હતા. જનજાગૃતિનો સંદેશ આપતાં તેમણે સામાજિક ક્રાંતિ અને સુધારાની શક્યતાઓ તરફ પહેલ કરી હતી. સ્વામી વિવેકાનંદનું જીવન જ એક સંદેશ છે જે આપણને પ્રેરણા આપે છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. 130 વર્ષ પૂર્વે અમેરિકાની ધરતી પરથી સનાતન ધર્મ અંગે શાશ્વત જ્ઞાન આપનાર યુગપુરુષ સવામી વિવેકાનંદના એ શબ્દો વર્તમાનમાં આપણા પાથદર્શક બની રહેશે.
Advertisement