Surat: ‘જાન દેંગે જમીન નહીં’ નવી વીજ લાઈનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
Surat: ખેડૂતો પોતાનો જીવ આપવા એકવાર તૈયાર થઈ જાય પરંતુ પોતાની જમીન છોડવા માટે ક્યારેય તૈયાર ના થાય. તમને જણાવી દઈએ કે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ધ્વારા કચ્છના ખાવડાથી નવસારી વાંસી બોરસી સુધી નાખવામાં આવી રહેલી 765 કેવીની નવી વીજ લાઈનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજ રોજ કાર રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી રજૂઆત પર કરવાના છે. નોંધનીય છે કે, કોઈ પણ ભોગે ખેડૂતો જમીન આપવા માંગતા નથી, ખેડૂતોનું જમીન સંપાદનના કાયદા બદલવા માગણી પણ કરી રહ્યા છે.
વીજ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લઇ જવામાં આવી રહી છેઃ ખેડૂતો
‘જાન દેગે જમીન નહિ’ નારા લગાવી રહેલા ખેડૂત સુરત જીલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના ખેડૂતો છે. તેઓ ભેગા મળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાખવામાં આવતી નવી વીજ લાઈન છે. આ વીજ લાઈન ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લઇ જવામાં આવી રહી છે. અગાઉ પણ આ જ વિસ્તારમાંથી કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવે પસાર કરવામાં આવ્યો છે અને ખેડૂતોની મહામુલી જમીન સંપાદિત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવાર વીજ લાઈન પસાર થતા હવે ખેડૂતોને વધુ જમીન ગુમાવવાનો વારો આવનાર છે.
જમીન અને પર્યાવરણને પણ ભારે નુકશાન થવાનુંઃ ખેડૂતો
એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને સરકાર દ્વારા મોઢે માગેલી રકમ જમીન માટે આપવામાં આવી હતી. જોકે વીજ લાઈન ના પોલ ઉભા કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા એકદમ અલગ છે. સરકાર હજુ પણ 1885 ના ટેલીગ્રાફીક એક્ટને અનુસરી રહી છે. જે ટેલીફોનના થાંભલા નાખવા માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં ટેલીફોનના એક માત્ર પોલ ઉભા કરવામાં આવતા હતા અને જેનાથી ખેતીને કોઈ નુકશાન થતું નહતું, પરંતુ 765 કેવી વીજ લાઈન અલગ છે 85*85 ની માતબર જગ્યામાં વીજ પોલ ઊભો થશે અને ત્યારબાદ ખેતર માંથી વીજ લાઈન પસાર થશે જેનાથી જમીન અને પર્યાવરણને પણ ભારે નુકશાન થવાનું છે.
ખેડૂતો કલેકટર કચેરી ખાતે કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા
ખેડૂતોની માંગ છે કે, જેમ શહેરી વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નાખે છે તે રીતે જમીનની અંદર કેબલ લાઈન નાખે અથવા તો ગુજરાતના કોસ્ટલ એરિયામાંથી આ લાઈન પસાર કરવામાં આવે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાલ જે જગ્યા પરથી લાઈન પસાર થવાની છે તે વિસ્તારના ખેડૂતોને નોટીસ આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યા પર કંપનીના કર્મચારીઓ દ્વારા જબરજસ્તી ખેતરમાં ઘૂસી જઈ ઊભા ખેતી પાકને નુકશાન કરવાના પણ કિસ્સા સામે આવ્યા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે, જ્યાંથી લાઈન પસાર થવાની છે તે તમામ ખેડૂતોને એક સાથે નોટીસ આપવામાં આવે. આજ રોજ ખેડૂતો મોટી સંખ્યામાં કામરેજના વલથાન ખાતે ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે કલેકટરને રજૂઆત કરવા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.