Surat Diamond Bourse : PM મોદી વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાત લેશે.PM મોદી વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બુર્સ'નું ઉદ્ઘાટન કરશે.તે બાદ સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું પણ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.ઉલ્લેખનીય છે જે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. તેનું પણ ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તો આજે નરેન્દ્ર મોદી સુરત ખાતે 10.20 કલાકે આવશે. અને 10.25 કલાક સુધી તેઓ એરપોર્ટ થી મોટર માર્ગે ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ જવા રવાના થશે.
પ્રધાનમંત્રીના હસ્તે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં જ સુરતને વધુ એક મોટી ખુશ ખબર મળી. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. સૌથી પહેલાં સુરતથી હોંગકોંગ અને દુબઈની ફ્લાઈટ શરૂ થશે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોને સૌથી મોટો લાભ મળશે. દુનિયાભરના વેપારીઓ મુંબઈ કે દિલ્લીની જગ્યાએ સીધા સુરત લેન્ડ થઈ શકશે.
વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ ઈમારતને તૈયાર કરવા પાછળ 3400 કરોડનો ખર્ચ કરાયો છે. ઈમારતોના નિર્માણ પાછળ 5 લાખ 40 હજાર મેટ્રિક ટન લોખંડના સળીયા અને 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. 35.54 એકરમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે. 67 લાખ ચોરસફૂટના બાંધકામમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીના એરિયાની ઓફિસો છે. જેની કુલ ક્ષમતા 67 હજાર વેપારીઓ, કારીગરો અને મુલાકાતીઓને સમાવવાની છે. ટાવરોમાં 11.25 લાખ ચોરસ ફૂટ એલિવેશન ગ્લાસનો ઉપયોગ કરાયો છે. ઈમારતોના ગ્રાઉન્ડ ફલોર પર બેંક, રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ સહિતની સુવિધાઓ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ અહીં સુવિધા છે.
વિશ્વની સૌથી મોટી ઇમારત
અગાઉ જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સુરત ડાયમંડ બોર્સે હવે છેલ્લા 80 વર્ષોમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે. અહીં એક ઓફિસ બિલ્ડિંગ છે. તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.
સુરતમાં PM મોદીના કાર્યક્રમની રૂપ રેખા
- 10.20 - સુરત એરપોર્ટ ખાતે આગમન.
- 10.25 - સુરત એરપોર્ટ થી મોટર માર્ગે ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ જવા રવાના.
- 10.30-10.45 - ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ ખાતે આગમન અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી
- 10.45- કાર્યક્રમ પૂર્ણ કરી મોટર માર્ગે સુરત ડાયમંડ બુર્સ જવા રવાના થશે.
- 11.00/12.30- સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન તથા કાર્યક્રમમાં હાજરી.
- 12.35 - કાર્યક્રમ પુર્ણ કરી મોટર માર્ગે સુરત એરપોર્ટ જવા રવાના
આ પણ વાંચો : Ahmedabad: 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ