ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Gujarat : ‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત...
05:23 PM Nov 09, 2023 IST | Vipul Pandya

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેંગલુરૂ રોડ શૉનું આયોજન

નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ અને લખનઉમાં પણ રોડ શૉનું આયોજન કર્યું હતું. આ સાથે ગુજરાત સરકારે જાપાન, જર્મની, ઈટાલી, ડેન્માર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએઈ, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને યુએસએમાં પણ વૈશ્વિક સ્તરે વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટેના રોડ શૉનું આયોજન કર્યું હતું. બેંગલુરૂ રોડ શૉનું આયોજન રાજ્યની ગતિશીલ નીતિઓ અને વહીવટની અપાર સંભાવનાઓ દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું, જે ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (ભવિષ્યનું પ્રવેશદ્વાર) બનાવે છે.જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ વન-ટુ-વન મીટિંગોમાં વિવિધ ક્ષેત્રોના 19 ઉદ્યોગ અગ્રણીઓને મળ્યું હતું.

ગુજરાત વિકાસનું રોલ મોડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ

રોડ શૉમાં સહભાગી થયેલા લોકોને સંબોધન કરતી વખતે માનનીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે ગત બે દાયકાઓમાં કેવી રીતે ગુજરાત વિકાસનું રોલ મોડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તેમણે રાજ્યની કેટલીક સિદ્ધિઓ પણ વર્ણવી હતી, જેમકે, ભારતમાં કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18% છે અને તે દેશમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં અગ્રેસર છે. ભારતની કુલ ફેક્ટરીઓના 11% ગુજરાતમાં છે. ગુજરાત લોજિસ્ટિક્સ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે, તેણે નિકાસમાં 33% હિસ્સો આપ્યો છે, અને રોજગારીની તકો પૂરી પાડવામાં રાજ્ય મોખરે રહ્યું છે. રાષ્ટ્રીય જીડીપીમાં રાજ્ય નોંધપાત્ર 8.4% યોગદાન આપે છે. ગુજરાતે છેલ્લા બે દાયકાઓમાં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં પણ 15% વધારો નોંધાવ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ છે.

ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી

ગુજરાતમાં ઇનોવેશનમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરતા ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના વિકાસમાં GIFT સિટી, ધોલેરા SIR, ડ્રીમ (DREAM) સિટી, ગ્રીન ફિલ્ડ પોર્ટ, LNG ટર્મિનલ અને હાઇ-સ્પીડ રેલ નેટવર્ક જેવા પ્રભાવશાળી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી છે, જ્યાં ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર અને ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આવેલાં છે.”

ગુજરાતની સમર્પિત IT પોલિસીને અનુરૂપ

ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ફિનટેક-ગિફ્ટની સફળતા અંગે વાત કરતા બળવંતસિંહ રાજપૂતે શેર કર્યું કે ગિફ્ટ સિટી સિંગાપોર, દુબઈ, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સાથે વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, પેઢીઓ અને રોકાણ ભંડોળોને આકર્ષિત કરે છે. તેમણે જણાવ્યું કે, “ગિફ્ટ સિટી ગૂગલ અને કેપજેમિની જેવી કંપનીઓને આકર્ષી રહ્યું છે અને ફિનટેક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તે ગુજરાતની સમર્પિત IT પોલિસીને અનુરૂપ છે, જે સેવા ક્ષેત્રની પ્રગતિને પ્રોત્સાહન આપે છે અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે.”

ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15%નું યોગદાન આપે છે

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતા અંગે વાત કરતા માનનીય ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે, ભારતને નેટ-ઝીરો અર્થતંત્રમાં રૂપાંતરિત કરવાની માનનીય વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાજ્યએ ઘણી નોંધપાત્ર પહેલો હાથ ધરી છે અને રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 22 ગીગાવોટ (GW) સુધી પહોંચાડીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સાથે ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15%નું યોગદાન આપે છે. સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું, “કચ્છ ખાતે 30 ગીગાવોટ (GW) નો વિશાળ હાયબ્રિડ પાર્ક વિકસિત થઈ રહ્યો છે, અને હાઇડ્રોજન મિશનનો ઉદ્દેશ 100 ગીગાવોટ (GW) ઊર્જાનું ઉત્પાદન કરવાનો છે. અમે સૌર અને પવન ઊર્જાના વિકાસમાં પણ સક્રિયપણે કાર્યરત છીએ.”

ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

તેમણે બાયોટેક પાર્ક અને ધોલેરા SIR જેવા ગુજરાતના ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સ અને IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને ડિફેન્સ અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણો આકર્ષવાની ગુજરાતની તત્પરતા અંગે વાત કરી હતી. વધુમાં, તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે, અને આ પોલિસીનો હેતુ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતને ભારતના પસંદગીના સ્થાન તરીકે સ્થાપિત કરવાનો છે. આગામી વાઇબ્રન્ટ સમિટ સેમિકન્ડક્ટર સેક્ટર, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોન, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા મહત્વના વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સનું પણ આયોજન કરશે.” આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે તમામ સહભાગીઓને આમંત્રણ આપીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું. તેમણે તમામ સગભાગીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે અને દેશની વિકાસયાત્રામાં સક્રિય હિસ્સો લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય વ્યાપારી તકો અંગે એક વ્યાપક પ્રેઝન્ટેશન

ગુજરાત સરકારના ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા (IAS)એ ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય વ્યાપારી તકો અંગે એક વ્યાપક પ્રેઝન્ટેશન આપ્યું હતું. રોડ શૉમાં FICCI કર્ણાટક સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને જ્યોતિ લેબોરેટરીઝના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર કે. ઉલ્લાસ કામથ દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. IBM ક્લાઉડ અને કોગ્નિટિવ સોફ્ટવેરના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્મા અને ક્રાફ્ટ હાઇન્ઝ કંપની ખાતેના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના ડાયરેક્ટર વિરાજ મહેતાએ ગુજરાત અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર વિદેહ ખરે (IAS) એ ગુજરાતમાં રહેલી બિઝનેસની તકો અંગે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું અને IN-SPACe ના પ્રમોશન ડિરેક્ટોરેટના ડાયરેક્ટર ડૉ. વિનોદ કુમારે IN-SPACeના ઇન્ડિયન સ્પેસ સેક્ટર રિફોર્મ્સ અને ફોર્મેશન અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગિફ્ટ સિટીના IFSC અને સ્ટ્રેટેજીના જનરલ મેનેજર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સંદીપ શાહે પણ ગુજરાતમાં રહેલી બિઝનેસની તકો અંગે પોતાનું એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તુષાર ભટ્ટ (IAS) દ્વારા આભારવિધિ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-----પાકિસ્તાન જેલમાંથી 80 ભારતીય માછીમારો થયા મુકત, આવતીકાલે પહોંચશે વાઘા બોર્ડર

Tags :
BengaluruSilicon Valley of IndiaVibrant GujaratVibrant Gujarat 2024Vibrant Gujarat Global Summit-2024
Next Article