Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકાર સામે વિપક્ષ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો અવિશ્વાસ પ્રસ્તાવથી શું થાય છે અસર, શું છે તેનો ઈતિહાસ

મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે, નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સભ્યો મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની દરખાસ્ત સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે જે દરમિયાન...
સરકાર સામે વિપક્ષ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ  જાણો અવિશ્વાસ પ્રસ્તાવથી શું થાય છે અસર  શું છે તેનો ઈતિહાસ

મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે, નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સભ્યો મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની દરખાસ્ત સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે જે દરમિયાન વડાપ્રધાનને જવાબદાર ગણવામાં આવશે.આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સામાન્ય સહમતિ સધાઈ ગઈ છે અને ઓછામાં ઓછા 50 સભ્યોની હસ્તાક્ષર એકત્ર કરવા માટે સહી ઝુંબેશ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ માહિતી આપી હતી કે વિરોધ પક્ષો આજે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

Advertisement

કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આજે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. વિપક્ષાના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા અને મતદાન થશે. મોદી સરકાર કાર્યકાળમાં બીજી વખત વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. સરકાર પાસે બહુમતિના આંકડાથી વધારે નંબર હોવાથી આ પ્રસ્તાવથી કંઈ ખાસ થશે નહી પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ શું છે અને તેની સાથે જોડાયેલો ઈતિહાસ શું છે તે જાણીએ.

શું છે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિયમ?

જે પણ સાંસદ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માંગે છે તેને પ્રસ્તાવ આપવા માટે ગૃહની મંજુરી લેવી પડે અને જે દિવસે તે પ્રસ્તાવ લાવશે તે દિવસે સવારે 10 વાગ્યા સુધી લોકસભાના મહાસચિવને પ્રસ્તાવની લેખિત સુચના આપવી પડે છે.

Advertisement

સૌથી પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ

ભારતની સંસદમાં સૌથી પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ વર્ષ 1963 માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિરૂદ્ધ આવ્યો હતો. નહેરુ વિરૂદ્ધ જે.બી. કૃપલાણીએ અવિશ્વાસ પ્રસ્તાવ રાખ્યો હતો. કોંગ્રેસે ફરીવાર અધ્યક્ષ નહી બનાવવાને કારણે જેબી કૃપલાણીએ પાર્ટી છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટી શરૂ કરી દીધી જે બાદમાં સોશ્યલિસ્ટ પાર્ટી સાથે મળીને પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટીમાં વિલિન થઈ. પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટીના તત્કાલિન સાંસદ જેબી કૃપલાણી દ્વારા નહેરુ સરકાર સામે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 62 મત અને વિરોધમાં 347 મત મળ્યા હતા.

લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

નેહરુના મૃત્યુ પછી લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા. તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વિપક્ષ દ્વારા ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ એક વખત પણ વિપક્ષને સફળતા મળી ન હતી. આ પછી ઈન્દિરા ગાંધીને સત્તાની કમાન મળી. ઈન્દિરા ગાંધીએ શાસ્ત્રીનો બાકીનો કાર્યકાળ પૂરો કર્યો. આ દરમિયાન તેમની સામે બે વખત પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

Advertisement

કોની સરકાર સામે સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ?

ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કોંગ્રેસ સરકારે ભારતીય સંસદીય ઈતિહાસમાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો છે. વિપક્ષે ઈન્દિરા ગાંધી વિરુદ્ધ 15 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, પરંતુ તેને એક પણ વખત સફળતા મળી ન હતી.

કોણે સોથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર સામે રાખ્યા?

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટના સભ્ય જ્યોતિ બસુ વિપક્ષ તરફથી સૌથી વધુ સંખ્યામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે તેમના ચારેય પ્રસ્તાવ ઈન્દિરા ગાંધીની સરકાર સામે રાખ્યા હતા.

અવિશ્વાસ પ્રસ્તાવથી કોની સરકાર પડી ભાંગી?

ભારતના સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત 1978માં વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો હતો. કટોકટી પછીની ચૂંટણીમાં જનતા પાર્ટીને બહુમતી મળી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. મોરારજી દેસાઈ સરકારના કાર્યકાળ દરમિયાન તેમની સામે બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રસ્તાવમાં તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ 1978માં લાવવામાં આવેલા બીજા અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમની સરકારના ઘટકો વચ્ચે પરસ્પર મતભેદો હતા અને પોતાની હારનો અહેસાસ થતાં મોરારજી દેસાઈએ મતોના વિભાજન પહેલા જ રાજીનામું આપી દીધું હતું.

અટલજીની સરકાર અને અવિશ્વાસ પ્રસ્તાવ

તે સિવાય NDA સરકારના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિપક્ષમાં રહીને બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાજપેયી પોતે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને પણ બે વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. આમાંથી પહેલીવાર તેઓ સરકારને બચાવી શક્યા ન હતા, પરંતુ બીજી વખત તેમણે વિપક્ષને હરાવ્યા હતા.

1999માં અટલ બિહારી વાજપેયી સરકારને જયલલિતાની પાર્ટીએ ટેકો પાછો ખેંચી લીધા બાદ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વાજપેયી સરકાર 1 વોટની અંદર જ પરાસ્ત થઈ ગઈ હતી. મતદાન પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. આ પછી, 2003 માં, વાજપેયી વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને મતોની ગણતરીમાં એનડીએ દ્વારા આરામથી પરાજય મળ્યો હતો. એનડીએને 312 વોટ મળ્યા જ્યારે વિપક્ષને 186 વોટ મળ્યા.

મનમોહનસિંહની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

2008માં CPM મનમોહન સિંહની આગેવાની હેઠળની UPA સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. અમેરિકા સાથેના પરમાણુ કરારને કારણે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જો કે UPA સરકાર થોડા મતોના માર્જીનથી બચી ગઈ હતી.

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

છેલ્લો અવિશ્વાસ પ્રસ્તાવ જુલાઈ 2018માં વિપક્ષ મોદી સરકાર સામે લાવ્યો હતો. જેમાં અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં માત્ર 126 મતો પડ્યા હતા જ્યારે પ્રસ્તાવના વિરોધમાં 325 મત પડ્યા હતા.

આ પણ વાંચો : ‘INDIA’ ગઠબંધનના અધ્યક્ષપદ માટે કોંગ્રેસ કરી શકે છે દાવો, નીતિશ કુમારને પણ મળી શકે છે મહત્વનું પદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.