ડુંગળીએ એકવાર ફરી જનતાને રડાવી, લોકોએ હવે ખરીદી પર મુક્યો કાપ
ડુંગળીનો ભાવ એકવાર ફરી આસમાને જઇ રહ્યો છે. જે ડુંગળી ગરીબોનો કસ્તૂરી કહેવાતી હતી તે આજે ગરીબોના ભોજનથી ગાયબ થઇ ગઇ છે. નેશનલ કેપિટલ રિજનમાં ડુંગળીના છૂટક ભાવમાં 25થી 50 ટકાનો વધારો થયો છે. ડુંગળી તેની ગુણવત્તાના આધારે 50-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની પેટાકંપની મધર ડેરીએ પણ તેના રિટેલ આઉટલેટ્સ પર કિંમતોમાં વધારો કર્યો છે. ભાવમાં વધારો 10 દિવસીય નવરાત્રિ તહેવારને કારણે થયો હતો.
ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો
ભારતના અલગ અલગ શહેરોમાં ટામેટા બાદ હવે ડુંગળી પણ રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. અમદાવાદ APMC ની જો વાત કરીએ તો ડુંગળીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી વિક્રેતાઓનું કહેવું છે કે ડુંગળીના(Onion Price Hike) ભાવ હજુ વધશે અને પ્રતિ કિલો 100 રૂપિયા સુધી પહોંચી જશે. સામાન્ય નાગરિકોને વધુ એકવાર માર પડે તેવી સંભાવના છે. ડુંગળી આમ તો તીખી કહેવાય છે પરંતુ હાલ આ તીખી ડુંગળીનો સ્વાદ ફીટો પડી રહ્યો છે અને તેનું કારણ છે ડુંગળીમાં થયેલો ભાવ વધારો અને તે પણ બમણો ભાવ વધારો. જેના કારણે લોકોએ ડુંગળી ખરીદી પર કાપ મુક્યો છે. ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીના બજેટ પર અને રસોડા પર સીધી અસર પડી છે.
શું છે ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ
કહેવાય છે કે, ભારતમાં ગ્લોબલ વોર્મિગની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ચોમાસાની સીઝનમાં જે વરસાદ પડવો જોઇએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો હતો જેની ડુંગળીના પાક ઉપર વિપરિત અસર થઇ છે. ડુંગળીનો પાક બગડતા આવક ઓછી પ્રાપ્ત થઇ છે. બીજી તરફ ડુંગળીની જરૂરિયાત મોટાભાગના દરેક રસોડામાં હોવાથી તેની માંગ યથાવાત છે જેના કારણે ભાવમાં વધારો થયો છે. મોટાભાગે ગુજરાતમાં મહારાટ્રથી ડુંગળીની આવક થાય છે પરંતુ મહારાટ્રમાં પણ ડુંગળીનો પાક બગડી જતા ત્યાંથી પણ આવક ઓછી પ્રાપ્ત થઇ રહી છે.
ડુંગળીની કિંમતો વધતા ઘરગથ્થુ ખર્ચમાં વધારો
ડુંગળીની કિંમતો ફરી એકવાર વધી રહી છે, જેનાથી ઘરગથ્થુ ખર્ચમાં વધારો અને સંભવિત ફુગાવાની ચિંતા વધી રહી છે. 25 ઓક્ટોબર સુધીના સરકારી આંકડા દર્શાવે છે કે ડુંગળીની મેક્સિમમ રિટેલ પ્રાઇઝ વધીને રુપિયા 70 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે અને ડિસેમ્બર સુધી આ વધારો ચાલુ રહેવાની ધારણા છે જ્યારે ખરીફ પાક બજારમાં આવશે. 26 ઓક્ટોબરના રોજ ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત 3,112.6 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે, જે 1 ઓક્ટોબરના રોજ 2,506.62 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં ઘણી વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના લાસલગાંવમાં છેલ્લા બે અઠવાડિયામાં જથ્થાબંધ ભાવ લગભગ 60 ટકા વધ્યા છે. દેશના ઘણા ભાગોમાં ડુંગળીમાં 50 ટકાનો વધારો થયો છે.
ખરીફ પાકની વાવણીમાં વિલંબ
દેશની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. દિલ્હીમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની છૂટક કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. ગઈકાલ સુધી તે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. વળી, ડુંગળી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જથ્થાબંધ વેચાઈ રહી છે. ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદમાં વિલંબ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ખરીફ પાકની વાવણીમાં વિલંબ થયો છે અને નવી ડુંગળી બજારમાં આવવાનો સમય છે.
ઉલ્લેખનીય છે કે, ડુંગળીના ભાવ વધતા સરકાર પણ ચિંતામાં આવી હતી. હવે આ વધતાં ભાવને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે ઘરેલુ માગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર 800 અમેરિકી ડૉલર પ્રતિ મેટ્રિક ટનનું લઘુત્તમ નિકાસ કિંમત (MEP-Minimum Export Price) નક્કી કરી દીધી છે. સરકારે બફર સ્ટોક માટે વધારાની 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય પણ લીધો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય તથા જાહેર વિતરણ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - ‘બે-ચાર મહિના લોકો ડુંગળી નહીં ખાય તો તેમનું કંઇ બગડી ન જાય’ જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે