નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની પસંદગી, PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
- PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નવા CECની પસંદગી
- મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી
- તેઓ વર્તમાન સીઈસીના નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે
- રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. તેઓ વર્તમાન સીઈસીની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે. રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. આ પેનલની ભલામણ પર નવા સીઈસીની નિમણૂક કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા સીઈસી માટે 5 નામોની યાદી આપવામાં આવી હતી. પરંતુ રાહુલે નામો પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક અસંમતિ નોંધ જારી કરી હતી. આમાં તેમણે કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી આ બેઠક થવી જોઈતી ન હતી. કોંગ્રેસે કહ્યું હતું કે- અમે ઘમંડ સાથે કામ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ જલ્દી નિર્ણય લઈ શકે તે માટે બેઠક મુલતવી રાખવી પડી.
સિંઘવીએ કહ્યું- સરકારે SCમાં સુનાવણી સુધી રાહ જોવી જોઈએ
કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે CEC પસંદગી સમિતિ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. CECની પસંદગી માટે રચાયેલી સમિતિમાંથી CJIને દૂર કરીને, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણીપંચની વિશ્વસનીયતા નહીં, પરંતુ એનું નિયંત્રણ ઇચ્છે છે.
સિંઘવીએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના નવા કાયદાને પડકારતો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં સુનાવણી 19 ફેબ્રુઆરીએ છે. જેન ફક્ત 48 કલાક બાકી હતા. સરકારે અરજીની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો.
ચૂંટણીપંચની નિમણૂકને પડકારતી અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી
સુપ્રીમ કોર્ટ 19 ફેબ્રુઆરીએ CEC અને ECની નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી કરશે. આ કેસની સુનાવણી 12 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ કેસ સૂચિબદ્ધ થયો ન હતો. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો.
નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત
મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે Gyanesh Kumar ની પસંદગી
Rajiv Kumar નું સ્થાન લેશે જ્ઞાનેશ કુમાર
આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે રાજીવ કુમાર
Dr.Vivek Joshi બનશે નવા ચૂંટણી આયુક્ત@ECISVEEP #BigBreaking #GyaneshKumar #ChiefElectionCommissioner… pic.twitter.com/U4zyWTZG36— Gujarat First (@GujaratFirst) February 17, 2025
પ્રશાંતે કહ્યું હતું કે સીઇસી રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર નવા સીઇસીની નિમણૂક કરી શકે છે, તેથી કોર્ટે આ મામલાની ટૂંક સમયમાં સુનાવણી કરવી જોઈએ. આના પર કોર્ટે 19 ફેબ્રુઆરીની તારીખ આપી અને કહ્યું હતું કે જો આ દરમિયાન કંઈ થશે તો એ કોર્ટના નિર્ણયને આધીન રહેશે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ મામલો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023ની બંધારણીયતાને પડકારતી અરજીઓનો છે.
ચૂંટણીપંચમાં કેટલા કમિશનર હોઈ શકે છે?
બંધારણમાં ચૂંટણી કમિશનરોની સંખ્યા અંગે કોઈ નિશ્ચિત સંખ્યા નથી. બંધારણના અનુચ્છેદ 324(2)માં જણાવાયું છે કે ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સમાવેશ થઈ શકે છે. તેમની સંખ્યા કેટલી હશે એ રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. આઝાદી પછી દેશમાં ચૂંટણીપંચ પાસે ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
16 ઓક્ટોબર 1989ના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે વધુ બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી. આનાથી ચૂંટણીપંચ બહુ-સભ્ય સંસ્થા બન્યું. આ નિમણૂકો 9મી સામાન્ય ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર આરવીએસ પેરી શાસ્ત્રીની પાંખો કાપવા માટે આ કરવામાં આવ્યું હતું.
2 જાન્યુઆરી 1990ના રોજ વીપી સિંહ સરકારે નિયમોમાં સુધારો કર્યો અને ચૂંટણીપંચને ફરીથી એક સભ્યની સંસ્થા બનાવી. 1 ઓક્ટોબર, 1993ના રોજ પી.વી. નરસિંહ રાવ સરકારે ફરીથી વટહુકમ દ્વારા બે વધુ ચૂંટણી કમિશનરોની નિમણૂકને મંજૂરી આપી. ત્યારથી ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.