Gondal: PGVCL ની બેદરકારીએ ફરી લીધો જીવ! હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત
Gondal: ગોંડલ (Gondal) તાલુકાના હડમતાળા ગામે PGVCL 11 કે.વી.ની ચાલુ વીજ લાઇન ખેતરના ફેન્સીંગ પર પડી જતા ખેતરમાં કરંટ ફેલાયો હતો જેના કારણે ઇલયાઝભાઈ નામના વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી છે. નોધનીય છે કે મૃતક ઇલયાઝભાઈને પરિવારમાં બે દીકરાઓ છે તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ PGVCL તંત્રની બેદરકારીએ તેમનો જીવ લઈ લેતા પરીવાર નિરાધાર બન્યો છે.
વીજ લાઇન ખેતરના ફેન્સીંગ સાથે અડી જતા કરંટ ફેલાયો
ઇલયાઝભાઈ અને તેમના પુત્ર અનિસભાઈ સાથે આજ રોજ બપોરના 2 વાગ્યા પછી ઘરેથી જમીને વાડી ખેતી કામ માટે જતા હતા. તે દરમિયાન વાડીના શેઢા પાસે PGVCLનો 11 કે.વી.ચાલુ વીજ વાયર વાડી ફરતે કરેલ વારા ફેનસિંગ પર પડતા આખા ખેતરમાં કરંટ આવ્યો હતો. અજાણતા ઇલયાઝભાઈને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇલયાઝભાઈનો પુત્ર અનિસ પિતાને છોડાવા જતા તેને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. તેથી સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇલયાઝભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર બનાવ ને લઈને વધુ તપાસ તાલુકા પોલિસના મયુરસિંહ રાણા ચલાવી રહ્યા છે.
ઇલયાઝભાઈના નાના ભાઈના PGVCL તંત્ર પર ગંભીર આક્ષેપો
સમગ્ર મામલે ઇલયાઝભાઈના નાના ભાઈ અનવરભાઈએ PGVCL તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ બનાવ પહેલા PGVCL તંત્રને અનેક વાર મૌખિક રજુઆત કરી હતી કે વીજ તાર ઢીલા છે. જેને તુરંત રીપેર કરવામાં આવે, પરંતુ કોઇ કાર્યવાહી ના થતા PGVCL તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ખેતરમાં 8 થી 10 મજૂરો પણ કામ કરતા હતા ઘટના વધુ ગંભીર બની સકતી પરંતુ સદનસિબે ઘટનામાં વાડીમાં કામ કરતા 8 થી 10 જેટલા મજૂરોનો બચાવ થયો હતો. ત્યારે હવે તંત્ર આ ઘટનાની જવાબદારી લે છે કે કેમ? તે જોવાનું રહ્યું.