Andhra Pradesh Train Accident માં 10 થી વધુ લોકોના મોત, ઘણી ટ્રેનો રદ, જાણો તાજેતરની સ્થિતિ
Andhra Pradesh Train Collision : આંધ્રપ્રદેશમાં રવિવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 29 લોકો ઘાયલ પણ થયા છે. વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને સાંજે લગભગ 7 વાગ્યે પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. જેના કારણે વિઝિયાનગરમ જિલ્લાના કંટકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે બંને પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં રવિવારે સાંજે હાવડા-ચેન્નઈ લાઇન પર બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે અને 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઆર)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પલાસા પેસેન્જર ટ્રેને રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે કંકટપલ્લી ખાતે પાછળથી રાયગડા પેસેન્જર ટ્રેનને ટક્કર મારી, જેના કારણે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને મોટી દુર્ઘટના સર્જાઈ. વિઝિયાનગરમના કલેક્ટર એસ નાગલક્ષ્મીએ આપેલી માહિતી અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા છે.
ભયાનક અકસ્માત પાછળનું કારણ શું છે ?
ભયાનક અકસ્માત વિશે ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઓઆર) એ કહ્યું કે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર માનવ ભૂલને કારણે થઈ શકે છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, "વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું 'ઓવરશૂટિંગ' થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધે છે ત્યારે તે થાય છે. અન્ય રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલ્વે ટ્રેકને વહેલી તકે ફરી શરૂ કરવાનું ચાલી રહ્યું કામ
રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ પેસેન્જર ટ્રેનની દુર્ઘટનાના સમાચારે ફરી એકવાર સૌ કોઇને ચોંકાવી દીધા છે. બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ હવે રેલ્વે માટે ટ્રેકના restoration કાર્યને ઝડપથી પૂર્ણ કરવાનો પડકાર છે. આવી સ્થિતિમાં બાલાસોર દુર્ઘટના બાદ ટ્રેકને ફરી શરૂ કરવામાં લાગેલી નિષ્ણાતોની ટીમ વિજિયાનગરમ જવા રવાના થઈ ગઈ છે. આ ટીમ ક્ષતિગ્રસ્ત રેલ્વે ટ્રેકને વહેલી તકે ફરી શરૂ કરવામાં મદદ કરશે.
12 ટ્રેનો રદ, ઘણા રૂટ ડાયવર્ટ કરાયા
ટ્રેન દુર્ઘટના બાદ રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 12 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 15 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય 7 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. દરમિયાન, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે અને તેમને આંધ્ર ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી છે.
મુખ્યમંત્રીએ આદેશ જારી કર્યો
મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે. ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રેલ્વે સત્તાવાળાઓને આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટના બાદ રેલ્વે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. જે આ પ્રમાણે છે...
bsnl no
08912746330
08912744619
airtel sim
8106053051
8106053052
bsnl sim
8500041670
8500041671
કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી
ટ્વિટર (x) પર એક પોસ્ટમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. "તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, મૃત્યુના કિસ્સામાં વળતર રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને નાની ઇજાઓ માટે રૂ. 50,000 આપવામાં આવશે."
રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી
વળી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને વળતરની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. એક સત્તાવાર રીલીઝ અનુસાર, તેમણે મૃતકોના નજીકના સંબંધીઓ માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને અન્ય રાજ્યોના ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.
PM મોદીએ રેલ્વે મંત્રી પાસેથી માહિતી મેળવી
PMO એ ટ્વીટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ્વેમંત્રીના સંપર્કમાં છે અને અસરગ્રસ્ત લોકોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. વડાપ્રધાને શોકગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે તમામ ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, તમામ મુસાફરોને અકસ્માત સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે. "બચાવ કામગીરી ચાલી રહી છે. તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીજીએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને તેમણે આંધ્રપ્રદેશના CM સાથે વાત કરી. રાજ્ય સરકાર અને રેલ્વેની ટીમો નજીકના સંકલનમાં કામ કરી રહી છે."
આ પણ વાંચો - આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે