Kheda Police : 21 દિવસની લગાતાર મહેનતથી દિશાવિહીન ચીકુ હત્યા કેસ ઉકેલાયો, MP ના અપહરણ કેસમાં પણ મળી સફળતા
'સાહેબ, અહીં કોતરો પાસે સળગેલી હાલતમાં એક લાશ પડી છે' આ મેસેજ મળતાની સાથે જ ખેડાની કઠલાલ પોલીસ (Kathlal Police) તુરંત સ્થળ પર દોડી જાય છે. વાત છે ગત 4 સપ્ટેમ્બરની સાંજની. ખેડા જિલ્લાના SP રાજેશ ગઢીયા (Rajesh Gadhiya IPS) પણ ઘટનાની ગંભીરતા જાણી સ્થળ પર પહોંચે છે. હત્યા કરી લાશ-પૂરાવાનો નાશ કરનારા આરોપીને શોધવા માટે પોલીસ અધિકારીઓની ટીમ કામે લાગી જાય છે. ત્રણ સપ્તાહ સુધી સતત ખેડા એલસીબી (Kheda LCB), કઠલાલ પોલીસ, કપડવંજ એસડીપીઓ અને ટેકનિકલ સેલની અડધો ડઝન ટીમની મહેનત રંગ લાવે છે. અંતે એક સગીરા સહિત 4 આરોપીઓ આબાદ રીતે ઝડપાઈ જાય છે. વાંચો કેસની વિગતવાર માહિતી...
ફોન પર હત્યા કેસની જાણ થઈ
અમદાવાદ - ઈન્દોર હાઈવે પર આવેલા NSG કમાન્ડો સેન્ટર ખલાલથી એકાદ કિલોમીટરના અંતરે સળગેલી હાલતમાં એક વ્યકિતની ઉંધી પડેલી લાશ મળી આવે છે. 4 સપ્ટેમ્બરની સાંજે સાડા પાંચેક વાગે કઠલાલ તાલુકા પંચાયતના ડેલિગેટ બંસીલાલ પ્રજાપતિ ખલાલ ગામે ઘર તરફ જઈ રહ્યા હોય છે ત્યારે તેમને રસ્તામાં કેટલાંક લોકો જોવા મળે છે. સ્થળ પર ઉભેલા લોકોને જોઈને રોકાઈ ગયેલા બંસીલાલ ઝાડીઝાંખરામાં સળગાવી દેવાયેલી એક લાશ જોઈને સમજી જાય છે અને પોલીસને મામલાની જાણ કરવામાં આવે છે. કઠલાલ પીઆઈ વી. કે. ખાંટ (PI V K Khant) તુરંત ઘટનાસ્થળે પહોંચે છે અને FSL અધિકારીને જાણ કરે છે. દરમિયાનમાં ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા પણ સ્થળ પર આવે છે અને અન્ય પોલીસ અધિકારીઓને સ્ટાફ સાથે પહોંચવાનો આદેશ કરાય છે. અધિકારી અને સ્ટાફ સહિતની 40 લોકોની ટીમ લાશની એક કિલોમીટરની ત્રિજ્યામાં તપાસ કરી પૂરાવા મેળવવાનો પ્રયાસ કરે છે. સ્થળ પરથી માત્ર એક કડુ અને દોરી પોલીસને હાથ લાગે છે. 16 થી 20 વર્ષના આશરાની ઉંમરના અજાણ્યા વ્યક્તિની લાશની જાણકારી મળે છે. પોલીસ ફરિયાદી બનાવવા લોકોને સમજાવતી હોય છે ત્યારે બંસીલાલ પ્રજાપતિ ફરિયાદી બનવા આગળ આવે છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતદેહને વોશ (સાફ) કરવામાં આવતા તેના છાતીના ભાગે અંગ્રેજીમાં CHIKU (ચીકુ) લખેલું ટેટુ જોવા મળે છે.
હજારોની સંખ્યામાં ડેટા એકઠો કરાયો
હત્યા કરાયેલી લાશને અવાવરૂ જગ્યામાં સળગાવી દઈ પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાની પોલીસને પ્રથમ નજરે જાણકારી મળી જાય છે. ખેડા LCB ની ટીમે ટેકનિકલ ટીમની મદદથી ઘટનાસ્થળની આસપાસના હજારોની સંખ્યામાં સેલ આઈડી (Cell ID) મેળવવામાં આવે છે. હાઈવે હોવાથી ટ્રક, કાર લઈને નીકળતા સંખ્યાબંધ લોકોના સેલ આઈડી ટાવર ડેટા મળે છે, પરંતુ લાશનો ક્યારે નિકાલ કરાયો તેની કોઈ જાણકારી પોલીસ પાસે ન હતી. પોલીસની ટીમોએ અમદાવાદ અને કપડવંજ સેવાલીયા સુધીના હાઈવે પરના સંખ્યાબંધ CCTV ફૂટેજ પણ એકઠાં કર્યા. જો કે, આરોપી સુધી પહોંચી શકવાના કોઈ પૂરાવા મળી આવતા નથી. એટલે SP ગઢીયા મીસીંગ એન્ટ્રીઓ તપાસવા આદેશ કરે છે.
4 રાજ્યોના ગુમ લોકોની તપાસ આરંભી
ગુજરાત સરકારના સિટિઝન પોર્ટલ (Citizen Portal) તેમજ પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મીસીંગ પર્સનની ઓનલાઈન એન્ટ્રીઓ તપાસવા પોલીસની એક ટીમ કામે લાગી જાય છે. એક એક કરીને 1820 જેટલી જાણવા જોગ નોંધ પોલીસ તપાસે છે અને અંતે એક એન્ટ્રીમાં પોલીસને CHIKU (ચીકુ) નામનો ઉલ્લેખ જોવા મળે છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) માં મધ્યપ્રદેશ ઈન્દોરનો એક યુવક મૃદુલ ઉર્ફે ચીકુ હેમંતભાઈ ભોસલે (ઉ.18) ગુમ થયો હોવાની માહિતી મળે છે. માહિતી મળતાની સાથે જ LCB પીએસઆઈ એમ. જે. બારોટ (PSI M J Barot) સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ નોંધ સહિતના દસ્તાવેજોનો અભ્યાસ કરે છે.
હત્યા કેસ ઉકેલવાની આશા દેખાઈ
મૃદુલ ઉર્ફે ચીકુની પોલીસ નોંધના આધારે તે અમદાવાદના છેવાડે આવેલા રકનપુરના સેન્ટોસા ગ્રીનલેન્ડ ખાતે રહેતી શિવાની મનિષ વ્યાસ ઉર્ફે શિવાની યાદવના ઘરે રોકાયો હોવાની જાણકારી મળે છે. સેટેલાઈટ પોલીસે લીધેલા નિવેદનમાં શિવાની મૃદુલ ઉર્ફે ચીકુને ગત 4 સપ્ટેમ્બરની મોડી રાતે 11 વાગે પોતાની ફોરચ્યુનર કારમાં એસ.જી.હાઈવે ઈસ્કોન સર્કલ પાસે ઈન્દોર (Indore) જવા ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. શિવાનીનું નિવેદન જોતાની સાથે જ પીએસઆઈ મુકેશ બારોટ (PSI Mukesh Barot) ના મગજમાં ચમકારો થાય છે કે, મૃતદેહ 4 સપ્ટેમ્બરની સાંજે મળ્યો તો મોડી રાતે મૃદુલ ઉર્ફે ચીકુ કેવી રીતે ઈન્દોર જવા નીકળી શકે ? ખેડા LCB પીઆઈ કે આર વેકરીયા (PI K R Vekariya) સાથે પીએસઆઈ બારોટ આ મામલે વાત કરી શિવાની વ્યાસની પૂછપરછ માટે આગળ વધે છે. શિવાની ઈન્દોર ખાતે હોવાની માહિતી મળતા LCB ની બે ટીમ મહિલા પોલીસ સાથે નડીયાદથી રવાના થાય છે.
શિવાનીએ હત્યા કેસના વટાણા વેરી દીધા
ઈન્દોર સ્થિત ઘરેથી ખેડા LCB શિવાની યાદવને પૂછપરછ માટે 24 તારીખે લઈને પરત આવવા રવાના થાય છે. શિવાની ઈન્દોરની એક હોટલમાં રોકાયેલા તેના પ્રેમી અજય રામગઢીયાને પણ સાથે લઈ લેવા પોલીસને કહે છે. પોલીસ આ ઈશારાને સમજી જાય છે. બે અલગ અલગ કારમાં અજય અને શિવાનીને લઈને પોલીસ ગુજરાત આવી રહી હોય છે ત્યારે શિવાની હત્યા કેસમાં સામેલ વિનય ચોકસેનું નામ ઉમેરે છે અને સાથે વિનય ચોકસેએ એક સગીરાનું અપહરણ કર્યું હોવાનો પણ ભેદ ખોલી નાંખે છે. શિવાની પોલીસને વિગતવાર આખી ઘટના ક્રમમાં સમજાવે છે. અજયનો મિત્ર વિનય ચોકસે MP ની એક સગીરાને ભગાડીને શિવાનીના ઘરે લઈ આવે છે. કેટલાંક દિવસોથી શિવાનીના ઘરે રોકાયેલો ચીકુ સગીરા સાથે અભદ્ર વર્તન કરીને સેક્સની માગણી કરે છે. આ વાતને લઈને વિનય અને ચીકુ વચ્ચે બોલાચાલી ઝઘડો થાય છે. ગત 3 સપ્ટેમ્બરની રાતે શિવાની અને સગીરા જમવા માટે બહાર ગયા હોય છે ત્યારે ફરીથી ચીકુ અને વિનય વચ્ચે ઝઘડો થાય છે. મામલામાં અજય વચ્ચે પડતા ચીકુ તેના ધર્મગુરૂ વિશે ખરાબ વાત કરે છે. જેથી અજય અને વિનય બંને ભેગા થઈને ચીકુને દોરી વડે ગળાટૂંપો આપી દે છે અને લાશનો નિકાલ કરવા કારમાંથી 1-1 લીટરની બે બોટલ પેટ્રોલથી ભરી નાંખે છે. શિવાની ઘરે આવતાની સાથે જ ચાદરમાં વીંટાળેલી લાશ ફોરચ્યુનર કારમાં નાંખી શિવાની, અજય, વિનય અને સગીરા ચારેય જણા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર જવા નીકળે છે. ખલાલ ગામ નજીક અવાવરૂ જગ્યામાં ચીકુની લાશને પેટ્રોલ નાંખી સળગાવી દઈ 4 સપ્ટેમ્બરની વહેલી પરોઢે આરોપીઓ ઘરે પરત ફરે છે.
બચવા માટે શિવાનીએ ઉભા કર્યા હતા પૂરાવા
શિવાનીએ હત્યાના પૂરાવાઓનો નાશ કરવા તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે ફિલ્મી સ્ટોરી જેવો પ્લોટ ઉભો કર્યો હતો. ચીકુનું મોત થયા બાદ તેનો મોબાઈલ ફોન શિવાની પોતાની પાસે રાખી લે છે. લાશનો નિકાલ કરવા જતી વખતે તમામ આરોપી પોતાના ફોન ઘરે મુકીને જાય છે. પરત આવ્યા બાદ શિવાની 4 સપ્ટેમ્બરની સવારે અગિયારેક વાગે મૃતક ચીકુનો મોબાઈલ ફોન ઘરે મુકીને બહાર નીકળે છે અને પોતાના મોબાઈલ ફોનથી ઈન્દોર જવા માટે ખાનગી બસમાં બુકીંગ કરાવે છે. જો કે, રૂપિયા અજયના એકાઉન્ટમાંથી ડેબિટ થાય છે. શિવાની બુક કરાવેલી ટિકિટનો સ્ક્રિન શોટ મૃતક ચીકુના ફોન પર મોકલે છે અને ચીકુના ફોન પરથી વિનય રિપ્લાય પણ આપે છે.
આરોપીઓની ધરપકડ થઈ
મૃતક મૃદુલ ઉર્ફે ચીકુની ઓળખ અને તેની હત્યા કરનારા આરોપીઓ વિરૂદ્ધના પૂરાવાઓ હાથ લાગતા તમામની ચારેક દિવસ અગાઉ ધરપકડ થઈ છે. અમદાવાદ શહેરમાં વાની લેન્ડમાર્ક પ્રા. લી. (Vaani Landmarks Pvt. Ltd.) ના નામે પતિ મનિષ વ્યાસ સાથે ભાગીદારીમાં કંપની ચલાવતી શિવાની વ્યાસ ઉર્ફે શિવાની યાદવ ઉર્ફે વાની, અજય રામગઢીયા, વિનય ચોકસે અને એક સગીરાની હત્યા અને પૂરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. હત્યા કેસની સાથે મધ્યપ્રદેશના પરદેશીપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી વિનય ચોકસેએ કરેલા સગીરાના અપહરણનો કેસ પણ ઉકેલાઈ ગયો અને કિશોરીની ભાળ મળી ગઈ છે.
આ પણ વાંચો : Gujarat Police CDR SCAM : 12 વર્ષથી અનધિકૃત ડેટા વેચવાનો ધંધો, અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પદાર્ફાશ