Madhya Pradesh: જાણો કેમ આ શાળા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની? થયું ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું
Madhya Pradesh: મધ્યપ્રદેશની એક શાળા અત્યારે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મધ્ય પ્રદેશમાં આવેલ સરકારી શાળામાં 12 ધોરણમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ ફેલ થયા છે. વિગતો એવી સામે આવી છે કે, ગ્રામ મલ્ફાની સરકારી શાળામાં ધોરણ 12માં 89 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જેમાંથી 85 વિદ્યાર્થીઓએ ટેમલા પરીક્ષા કેન્દ્ર પર જઈને બોર્ડની પરીક્ષા આપી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેમાંથી એક વિદ્યાર્થી પાસ થયો નથી. દરેક વિદ્યાર્થી નાપાસ થતા શિક્ષા વિભાગ હરકતમાં આવી ગયું અને તપાસ હાથ ધરી છે.
શૂન્ય પરિણામ માટે કોણ જવાબદાર ગણાશે?
તમને જણાવી દઈએ કે, શાળાનું શૂન્ય ટકા પરિણામ આવતા શાળાના આચાર્યે આશ્ચર્ય વ્યક્ત કરતાં પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવાની વાત કરી છે. આ સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ મામલાની સંજ્ઞાન લીધી અને કહ્યું કે તપાસ બાદ દોષિત શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, જો કોઈ શાળાનું પરિણામ આટલું ખરાબ આવે તો તેના માટે શિક્ષકને જવાબદાર ગણવામાં આવે છે. જેથી શિક્ષા વિભાગે તપાસ હાથ ધરી છે.
વાલીઓએ શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી
મળતી વિગતો પ્રમાણે પોતાના બાળકો નાપાસ થતા માતા-પિતા પણ ચિંતામાં છે અને શિક્ષકો સામે કાર્યવાહીની માંગ પણ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, બાળકોને તૈયારી માટે શિક્ષકોએ પૂરતી મહેનત નથી કરીને યોગ્ય માર્ગદર્શન પણ નથી આપ્યું, આ સાથે શિક્ષકોએ બાળકોને ભણાવામાં પણ લાપરવાહી કરી છે. આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ આલોક સિસોદિયાનું કહેવું છે કે, ‘આવું પરિણામ કેમ આવ્યું તેનું અમે રિવ્યુ કરી રહ્યા છીએ. માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી શાળાના ધોરણ 12મા પરિણામોના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવાની પણ વાત કરી છે.’
શૂન્ય પરિણામ આવતા શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
નોંધનીય છે કે, સરકારે સારા અને ઉત્તમ શિક્ષણ માટે મલ્ફા ગામમાં કરોડો ખર્ચે શાળા ભવન બનાવ્યું હતું. આ સાથે શાળામાં પર્યાપ્ત શિક્ષકો પણ છે છતાં પણ 12માં ધોરણમાં 85 બાળકો નાપાસ થયા છે. બરવાણીની આ શાળાએ શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. અભ્યાસ માટે પૂરતો સ્ટાફ હોવા છતાં પરીક્ષાનું પરિણામ શૂન્ય આવવું એ તંત્રની બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ છે. અહીં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. જેની પણ ક્ષતિ જણાશે તેમની સામે કડક કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે.