Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુરુ વિના જીવન અધૂરું છે, જે લોકોના કોઈ ગુરુ ન હોય તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવી આ દેવતાની પૂજા

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય. બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.. 'ગુ' શબ્દનો અર્થ છે અજ્ઞાન અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરૂ છે. અને આજે ગુરુને પૂજવાનો ઉત્તમ...
ગુરુ વિના જીવન અધૂરું છે  જે લોકોના કોઈ ગુરુ ન હોય તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવી આ દેવતાની પૂજા

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય. બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.. 'ગુ' શબ્દનો અર્થ છે અજ્ઞાન અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરૂ છે. અને આજે ગુરુને પૂજવાનો ઉત્તમ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ત્યારે ચાલો જાણીએ શું છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ

Advertisement

સનાતન ધર્મમાં અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અંઠાવતાર વેદવ્યાસજીનો જન્મ થયો હતો. જેના કારણે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુની ઉપાધિ એટલા માટે પણ આપવામાં આવી છે કારણ કે ગુરુ વ્યાસે જ માનવજાતને પ્રથમ વખત ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. આ તિથિને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.

Advertisement

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું છે કે જે પણ વ્યક્તિના ગુરુ ન હોય તેઓ હનુમાનજીને પોતાના ગુરુ બનાવી શકે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગુરુ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર મુશ્કેલ છે. તેવામાં હનુમાનજીને ગુરુ માનીને તમે પવિત્ર ભાવ રાખી ગુરુપૂર્ણિમાના દિવસે તેમની આરાધના કરી શકો છો.

સર્જનની શરૂઆતથી જ શૈક્ષણિક જ્ઞાન, અધ્યાત્મ અને ખેતીનો વિસ્તાર થાય અને તેને દરેક માનવી સુધી પહોંચાડવાના હેતુથી ગુરુ-શિષ્ય પરંપરાનો જન્મ થયો હતો. જે શિષ્યને અંધકારથી બચાવે છે અને તેને પ્રકાશ તરફ દોરી જાય છે તેને ગુરુ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાનથી ઉપર રાખવામાં આવે છે. આ દિવસે માત્ર ગુરુ જ નહીં પરંતુ પરિવારના તમામ વડીલ સભ્યો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમને ગુરુ તરીકે આદર આપવો જોઈએ. આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે.

Advertisement

તુલસીદાસે રામચરિત માનસમાં પણ લખ્યું છે કે, 'गुरु बिन भवनिधि तरइ न कोई। जो बिरंचि संकर सम होई ।। આનો અર્થ છે કે ગુરુની કૃપા વિના જીવ સંસાર સાગરથી મુક્ત નથી થઈ શકતો પછી તે બ્રહ્મા અને શંકર સમાન કેમ ન હોય. ગીતામાં કહેવાયું છે કે, જીવનને સુંદર બનાવવું અને નિર્દોષ બનાવવું એ જ સૌથી મોટું જ્ઞાન છે. આ વિદ્યા શીખવનારને જ સદગુરુ કહેવામાં આવે છે. તો સ્વામી વિવેકાનંદજીએ એમ પણ કહ્યું છે કે, સદગુરુ એ જ છે જેમને ગુરુ પરંપરાથી આધ્યાત્મિક શક્તિ મળી છે. શિષ્યના પાપ તે પોતાના પર લઈ લે છે.

ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. કહેવાય છે કે, "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે. આ જ કારણે ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું મહત્વ અધિક છે. અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર એટલે ગુરુ.

આ પણ વાંચો : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારો કરવા નહીં

Tags :
Advertisement

.