ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેરના જંગલોના પ્રમાણમાં દેશમાં કચ્છ જિલ્લો બીજા નંબરનું સ્થાન ધરાવે છે

અહેવાલ-કૌશિક છાયા,ક્ચ્છ   વૈશ્વિકકક્ષાએ ૨૬ જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લાના દરિયા કિનારા પૈકી પશ્ચિમ કિનારા તરફ...
04:00 PM Jul 25, 2023 IST | Hiren Dave

અહેવાલ-કૌશિક છાયા,ક્ચ્છ

 

વૈશ્વિકકક્ષાએ ૨૬ જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લાના દરિયા કિનારા પૈકી પશ્ચિમ કિનારા તરફ ચેરનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. તાજેતરમાં કચ્છ જિલ્લામાં આવેલું બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થયું ત્યારે દરિયાકાંઠાનો મહત્તમ વિસ્તાર ચેરથી આચ્છાદિત હોવાથી તેને કુદરતી કવચ તરીકેની ભૂમિકા ભજવી હતી. વાવાઝોડા દરમિયાન ચેરના વૃક્ષો પ્રથમ રક્ષક તરીકે કાર્ય કરીને પવનની ઝડપ ઘટાડે છે. ચેરના સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે પ્રયાસ કરી રહી છે. સમગ્ર દેશમાં ચેરની નવી પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી દ્વારા MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) ની શરૂઆત કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્તમ ચેરના વાવેતર સાથે જૈવ વિવિધતાના સંવર્ધનનો છે. દેશના કોસ્ટલ એરિયામાં ચેરનું મહત્તમ વાવેતર કરવામાં આવ્યું છે. ચેર વિવિધ પ્રકારના દરિયાઈ પ્રાણીઓના સંવર્ધન સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને કુદરતી આફતો જેવી કે ચક્રવાત, સુનામી વખતે ચેરના વૃક્ષો કિનારાના રક્ષક તરીકે કુદરતી ઢાલની ગરજ સારે છે. ચેરના વૃક્ષો વિસ્તારમાં કાર્બન શોષકની ભૂમિકા અદા કરે છે અને તેના લીધે ગ્લોબલ વોર્મિંગ સામે પણ ખૂબ જ ઉપયોગીતા ધરાવે છે.

ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે

ચેરની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો ૧૧૭૫ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે. ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે 68 ટકા વિસ્તાર એટલે કે798.74 ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે. સમગ્ર દેશમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૧ના રિપોર્ટ મુજબ કુલ ૪૯૯૨ ચો. કિ.મી.માં ચેરના જંગલો ફેલાયેલા છે.

કચ્છમાં ત્રણ પ્રકારના ચેરની હાજરી છે

ચેરના વૃક્ષો મોટાભાગે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતાવાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે. આ વૃક્ષો નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે. કચ્છના દરિયા કિનારા તથા ક્રીક વિસ્તારોમાં કુદરતી રીતે 'એવિસિનીયા મરીના' પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં આ વિસ્તારોમાં ચેરની બે પ્રજાતિ 'રાઈઝોફોરા મ્યુક્રોનાટા' તથા 'સિરીઓપ્સ ટલ'નું વાવેતર કરવામાં આવ્યું છે. આ બંને પ્રજાતિની હાજરી પણ કચ્છના દરિયાકિનારે હવે જોવા મળી રહી છે.

પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણમાં ચેરની ભૂમિકા

દરિયા કિનારે વસતા લોકો માટે ચેરના વૃક્ષો આશીર્વાદ સમાન છે. ચેરના વૃક્ષો દરિયા કિનારાનું ધોવાણ થતું અટકાવે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષો ચક્રવાત તથા સુનામી જેવી કુદરતી આફતો સામે ઢાલ તરીકે વર્તીને કિનારાના વિસ્તારોમાં નુકસાનની ઘટાડે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષોનું લાકડું સ્થાનિકો માટે બળતણ સ્ત્રોત તથા પશુઓના ખોરાકની પૂર્તિ તરીકે પણ વિશેષરૂપે ઉપયોગી છે. ચેરના વૃક્ષો જમીન અને દરિયા વચ્ચે બફર ઝોન તરીકે કાર્ય કરે છે. જેના લીધે ઉપજાઉ જમીનનું ધોવાણ થતું અટકે છે.

માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન છે

ચેર અલગ અલગ જૈવ વિવિધતા માટે ઉત્તમ આશ્રયસ્થાન છે. ચેર વિસ્તારોમાં શિયાળ, જંગલી ભૂંડ જેવા સસ્તન પ્રાણીઓની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓની હાજરી જોવા મળે છે, આવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી શેવાળ, જીવાતો, નાની માછલીઓ વગેરે પક્ષીઓ માટેનો ખૂબ મહત્વનો ખોરાક છે. આ ઉપરાંત ચેર વિસ્તારોમાં મડસ્કીપર, કરચલા પણ જોવા મળે છે. ચેર વિસ્તારોમાં માછલીઓનું પણ વિશેષ પ્રમાણ જોવા મળતું હોવાથી માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન છે.

ચેરના જંગલોને અસરકર્તા પરિબળો

ચેરના જંગલો અને વાવેતરને વાવાઝોડા, દરિયાઈ તોફાનો, ભૂકંપ, આબોહવા જેવા કુદરતી પરિબળો અસર કરે છે. વાવાઝોડા અને દરિયાઈ તોફાનના લીધે ચેરના વૃક્ષો મૂળ સાથે ઉખડી જાય છે. આ ઉપરાંત, ભારે પવનોના લીધે ચેરના વૃક્ષોની ડાળીઓ, પાંદડા તૂટી જાય છે જેના લીધે વૃક્ષ સૂકાઈ જાય છે.

આ પણ વાંચો - મણિનગરમાં દારુ પીને અકસ્માત સર્જનારને પોલીસે ભણાવ્યો પાઠ, જાહેરમાં કરી ધોલાઇ

 

Tags :
Act As A Buffer ZoneAgainst StormsAlso Provide ProtectionCher ForestsFertile SoilGujaratKutchPreventing ErosionThe Land
Next Article