જૂનાગઢના ધૈર્યની સંગીત ક્ષેત્રે અનોખી સિધ્ધી,જાણો
અહેવાલ -સાગર ઠાકર,જૂનાગઢ
માતા પિતાના શોખ કે આચરણની સંતાનો પર કેવી અસર પડે અને એક સંતાન માટે માતા પિતા શું કરી શકે તેનું જીવંત ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળ્યું... જૂનાગઢમાં ઈશ્યોરન્સ અને મ્યુચ્યલ ફંડનું કામ કરતાં કિશનભાઈ ત્રિવેદી કોઈ કલાકાર નથી પરંતુ તેમને ગાવાનો શોખ છે અને તેને ગાતા જોઈને તેના પુત્ર ધૈર્યને પ્રેરણા મળી કે મારે પણ ગાવું છે અને પછી નાના એવા ધૈર્યની સંગીતની યાત્રા શરૂ થઈ...
જૂનાગઢમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો બાર વર્ષીય ધૈર્ય ત્રિવેદી... બાર વર્ષની ઉંમરે ધૈર્યએ અનેક પારિતોષિક હાંસલ કર્યા છે અને એ પણ સંગીતમાં... ધૈર્ય ત્રિવેદીના પિતા કિશનભાઈ ત્રિવેદીને પોતાને ગાવાનો શોખ એટલે ઘરમાં ગાતા હોય તે જોઈને તેના પુત્રને પણ ગાવાની ઈચ્છા થઈ અને જ્યારે પુત્રને ગાતા જોયો ત્યારે એમ થયું કે એ પોતાના કરતાં પણ વધારે સારૂં ગાય છે એટલે તેને વિધિવત સંગીતની શીક્ષા આપવાનું નક્કી કર્યું,
ધૈર્ય દર રવિવારે જૂનાગઢ થી રાજકોટ સંગીત શીખવા માટે જાય છે, સ્વાભાવિક રીતે 12 વર્ષની ઉંમરનો બાળક હોય એટલે તેને એકલો રાજકોટ ન મોકલાય તેથી તેમના માતા વૈભવીબેન અથવા તેમના પિતા તેની સાથે જાય છે, છેલ્લા બે વર્ષથી તે રાજકોટ ખાતે સંગીતની શીક્ષા લઈ રહ્યો છે અને હજુ છ વર્ષ તેને સંગીતની શીક્ષા લેવાની બાકી છે, સંગીતની શીક્ષા માટેની દર મહિને થતી ફી અને આવક જાવકનો ખર્ચ ગણીને તેમને દર મહિને છ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે,આમ વર્ષે અંદાજે 70 થી 75 હજારનો ખર્ચ ધૈર્યના સંગીત પાછળનો ખર્ચ આવે છે.
ધૈર્ય હાલ સંગીતની તાલીમ તો લઈ રહ્યો છે સાથોસાથ કુદરતે તેને સારો અવાજ પણ આપ્યો છે, ઈન્ડીયન ક્લાસિકલ, ફીલ્મ સંગીત અને ભજનો વગેરે ગાય છે, ધૈર્યના ગાયનના શોખને લઈને તેના પિતાએ તેને જરૂરી સાધનો વસાવી આપ્યા છે જેથી તેન ઘરે પણ સંગીતનો રીયાઝ કરી શકે, નાના એવા મધ્યમ વર્ગનો તેમનો પરિવાર છે, હાલ વેકેશન છે એટલે દાદા દાદી સાથે પણ થોડો સમય તે વિતાવે છે અને મોટાભાગે તે સંગીતની પ્રેકટીસ કરે છે. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં ધૈર્યને રેલ્વેમાં એન્જીનિયર થવાની ઈચ્છા છે અને તે અભ્યાસમાં પણ સારા ગુણ મેળવે છે, સંગીત સારૂ આવડે છે અને અભ્યાસમાં પણ સારા ગુણ મેળવે છે, ઘૈર્યને નાની ઉંમર થી ગાવાનો શોખ હતો અને પોતે સાંભળેલા ગીતો પોતાની રીતે ગાતો ત્યારબાદ સંગીતની તાલીમ લઈને હવે તે લયબધ્ધ રીતે સૂરના જ્ઞાન સાથે ગાય છે,
જૂનાગઢ શહેરમાં, પોતાની શાળામાં કે જ્ઞાતિના કાર્યક્રમોમાં લોકો ધૈર્યને ગીતો ગાવા માટે બોલાવે છે, જૂનાગઢ ઉપરાંત રાજકોટ સહીતના આસપાસના જીલ્લાઓમાં પણ તેણે અનેક કાર્યક્રમોમાં ગાયન પ્રસ્તુત કર્યા છે, રાજકોટ ખાતે યોજાતી સ્પર્ધાઓમાં પણ તેણે ભાગ લીધો છે અને પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના હસ્તે તેને પારિતોષિક પણ મેળવ્યું હતું. સંગીતના અલગ અલગ કાર્યક્રમોમાં ધૈર્ય એ અત્યાર સુધીમાં 21 શિલ્ડ મેળવ્યા છે અને સંગીત ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓ માટે તેને સાત પારિતોષિક મળ્યા છે આમ સંગીત અને ઈત્તર પ્રવૃતિઓ મળીને અત્યાર સુધીમાં ધૈર્યને 28 એવોર્ડ મળ્યા છે, ધૈર્યના સારા ગાયન પાછળનું રહસ્ય છે કે તેણે તાલીમ લીધા બાદ તેને હવે સૂરની સમજ આવી છે તેથી ક્યાં ગીત કે ભજનનો ક્યો રાગ છે તેનો ખ્યાલ પડતાં તે વધુ સારી રીતે ગાયન ગાઈ શકે છે, સોશ્યલ મિડિયામાં પણ પોતાની ચેનલના માધ્યમથી તે પોતાના વિડિયો બનાવીને મુકે છે.
ધૈર્ય હજુ નાનો છે અને તેનામાં રહેલી ક્ષમતાને તેના માતા પિતાએ પારખી છે, પોતાના સંતાન માટે તેમને ઘણું જતું કરવું પડે છે, પિતા કિશનભાઈ ઈન્શ્યોરન્સ એજન્ટ છે, માતા વૈભવીબેન ગૃહીણી છે તેથી આવક મર્યાદિત છે, ધૈર્યના દાદા દાદી નિવૃત્ત છે આમ એક મધ્યમ વર્ગમાંથી આવતાં ધૈર્યના ઘરમાં કોઈ જાહોજલાલી નથી પરંતુ પરિવારનો અખૂટ પ્રેમ છે, કિશનભાઈ અને વૈભવીબેન ધૈર્ય માટે ખર્ચની ચિંતા કરતાં નથી, રવિવાર એટલે રજાનો દિવસ અને સૌ કોઈ લોકો રવિવારે હરવા ફરવા નીકળી જતાં હોય છે પરંતુ કિશનભાઈ અને વૈભવીબેન એ પોતાનો રવિવાર ધૈર્ય માટે ફાળવી દીધો હોય તેમ ધૈર્યની સંગીતની તાલીમમાં રવિવાર વિતાવે છે જેને લઈને ઘણીવાર તેમના સામાજીક કાર્યો પણ ખોરવાઈ છે પરંતુ કહેવાય છે ને કે માતા પિતા માટે તેના સંતાન જ તેનું જીવન છે તે જ રીતે ધૈર્ય માટે તેમના માતા પિતાએ પોતાના જીવનની મોજ મજા કે સામાજીક વ્યવહારોનો પણ ત્યાગ કરી દીધો છે.
માતા પિતાના સદગુણોનું આચરણ કરે તેવા સારાં સંતાનો મળવા એ ઈશ્વરની દેન છે... સાથોસાથ સંતાનો માટે પોતાના સામાજીક વ્યવહારોનો ત્યાગ કરી, આર્થિક ભીંસ વેઠીને સંતાનોના સપના સાકાર કરવા મહેનત કરતાં માતા પિતા પણ વંદનીય છે, ધૈર્ય તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે અને ઉચ્ચ અભ્યાસ કરીને એન્જીનિયર બનવાની સાથે એક સારો ગાયક કલાકાર પણ બનવા માંગે છે અને પોતાના પુત્રની પ્રગતિ જોઈને તેની માતા પણ ભાવુક બની જાય છે અને તેથી જ ધૈર્ય માટે પડતી તકલીફો તેમના માતા પિતા માટે આનંદની ક્ષણ બની જાય છે
આ પણ વાંચો- રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઈકોર્ટે શું કહ્યું, જાણો