Gujarat UCC કમિટીના ચેરમેન નિવૃત્ત જજ રંજના દેસાઇ વિશે જાણો ખાસ વાત
- સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે
- સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની જાહેરાત
- જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે
Gujarat UCC : ગુજરાત સરકાર દ્વારા UCC ની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં યુસીસી કઇ રીતે લાગુ કરી શકાય કે જેથી કોઇની ભાવનાને નુકસાન ન પહોંચે અને સમગ્ર રાજ્યમાં કાયદો લાગુ કરી શકાય અને તેના કેવા નિયમો હોવા જોઇએ તે અંગે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા સુપ્રીમકોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક તાણાવાણાને સમજવા માટે સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષેશ ઠાકર (પૂર્વ ચાન્સેલર), આર.સી કોડેકર (એડ્વોકેટ) અને સી.એલ મીણા (પૂર્વ આઇએએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની જાહેરાત
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં યુસીસી મુદ્દે સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની જાહેરાત કરી હતી. આ કમિટી 45 દિવસમાં સરકારને તેનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારે Gujarat UCC કમિટીના ચેરમેન નિવૃત્ત જજ રંજના દેસાઇ વિશે જાણો ખાસ વાત.
જાણો કોણ છે રંજના દેસાઈ:
રંજના દેસાઈ 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014ની વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂક્યા છે. રંજના દેસાઈએ જ 8 મે, 2012ના રોજ જસ્ટિસ અલતમ કબીરની સાથે હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય આપ્યો હતો. આ ઉપરાંત તેઓ અન્ય એક મહત્વના નિર્ણયમાં સામેલ રહ્યા છે. આ નિર્ણય ચૂંટણી સુધારા સાથે સંબંધિત છે. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ તેમણે ત્રણ ન્યાયાધીશોની સાથે મળીને ઈવીએમમાં none of the above (NOTA)નો નિર્ણય લીધો હતો. આ બેંચમાં તત્કાલિન ચીફ જસ્ટિસ પી સદાશિવમ અને રંજન ગોગોઈ પણ હતા. આ પછી ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપ્યો હતો.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે
જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાયેલી છે. તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1970માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર રંજના દેસાઈનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ છે. તેઓ મહારાષ્ટ્રથી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા રંજના દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના પિતા એસ.જી સામંત ક્રિમિનલ વકીલ હતા. 30 ઓક્ટોબર 1949ના રોજ જન્મેલા રંજના દેસાઈએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી 1970માં તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ 1973માં મુંબઈની સરકારી લૉ કોલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પછી તેઓને એપ્રિલ 1996માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Surat: લગ્નમાં પોલીસે છેલ્લી ઘડીએ કંઈક એવું કર્યું જેની હવે આખા ગુજરાતમાં ચર્ચા