JNU: યુનિવર્સિટીની એક ભૂલે વિદ્યાર્થીના 12 વર્ષ બગાડ્યા, હવે કોર્ટે આપ્યો ભણવાનો અધિકાર
JNU: જવાહલ લાલ નહેરૂ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને 12 વર્ષે ન્યાય મળ્યો છે. મળતી વિગતો પ્રમાણે બલબીર ચંદને યુનિવર્સિટીએ 2011 માં નિકાળી દેવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ તેના પર રેગિંગનો આરોપ લગાવ્યો હતો. આ વિદ્યાર્થીને 12 વર્ષની લાંબી લડાઈ લડીને ફરી અભ્યાસ કરવાનો અધિકાર મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીની હકાલપટ્ટીને ગેરકાયદેસર જાહેર કરી છે. એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થી તેનો કોર્સ એટલે કે એમસીએ પૂર્ણ કરે તેની ખાતરી કરવા માટે યુનિવર્સિટીએ યોગ્ય પગલાં ભરવા જોઈએ.
હાઈકોર્ટે જેએનયુને જોરદાર ફટકાર લગાવી
આ મામલે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સી હરિશંકરની બેન્ચે વિદ્યાર્થીની અરજીને યોગ્ય ગણાવી હતી. બેન્ચે કહ્યું કે JNU એ કુદરતી ન્યાય અને ન્યાયી વ્યવસ્થાના સિદ્ધાંતોની મજાક ઉડાવી છે. યુનિવર્સિટીએ પૂર્વયોજિત ઇરાદા સાથે વિદ્યાર્થી સામે કાર્યવાહી કરી હતી. જેના કારણે વિદ્યાર્થી એમસીએનો કોર્સ પૂરો કરી શક્યો ન હતો. બેન્ચે જેએનયુને વિદ્યાર્થીને તેનો કોર્સ પૂરો કરવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.
વહીવટીતંત્રે રેગિંગનો આરોપ લગાવ્યો હતો
નોંધનીય છે કે, જેએનયૂ પ્રશાસને વિદ્યાર્થીની લેપટોપમાં આપત્તિજનક વીડિયો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના 2011ની છે. વહીવટીતંત્રે રેગિંગનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વિદ્યાર્થીએ તેના લેપટોપમાં કેટલાક વાંધાજનક ફોટોગ્રાફ્સ રાખ્યા હતા. તેના આધારે વિદ્યાર્થીને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા, કોર્સમાંથી હાંકી કાઢવા અને અન્ય કોઈ વિદ્યાર્થીને આશ્રય ન આપવા સૂચના આપવામાં આવી હતી.
એમસીએના કોર્ષમાં પણ બદલાવ આવી ગયો
ઉલ્લેખનીય છે કે, 12 વર્ષમાં એમસીએના કોર્ષમાં પણ બદલાવ આવી ગયો છે. 2011 ની વાત કરવામાં આવે તો આ કોર્ષ ત્રણ વર્ષનો આવતા હતો. જ્યારે અત્યારે આ કોર્ષ બે વર્ષનો થઈ ગયો છે. જ્યારે આ વિદ્યાર્થીને નિકાળી દેવામાં આવ્યો હતો ત્યારે તે બીજા વર્ષમાં ભણતો હતો. કોર્ટે જેએનયુ પ્રશાસનને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થી શ્રેષ્ઠ રીતે કોર્સ પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા કરે.