India China Border : 'કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં', ચીન સાથે મળીને ભૂતાન કરી રહ્યું છે આ કામ તો મોદી સરકારે આપી ચેતવણી...
ચીનના દબાણમાં ડોકલામ કોરિડોર પર સમાધાન કરવાનો પ્રયાસ કરી રહેલા ભૂતાનને ભારત સરકારે ચેતવણી આપી છે. ભારતે ભૂતાનને સ્પષ્ટપણે કહ્યું છે કે તે ડોકલામ જેવા સંવેદનશીલ મુદ્દા પર કોઈપણ પ્રકારની સમજૂતીની વિરુદ્ધ છે. સરહદ વિવાદના કોઈપણ ઉકેલથી ભારતના હિતોને કોઈપણ રીતે અસર ન થવી જોઈએ. વાસ્તવમાં, ચીન અને ભૂતાન રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને સરહદ વિવાદને વહેલી તકે ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. આ અંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બેઈજિંગમાં ભૂતાનના વિદેશ મંત્રી ટેન્ડી દોરજી સાથે પણ મુલાકાત કરી છે. આ દરમિયાન ચીને ભૂતાનને સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને વિવાદોને ઉકેલવા વિનંતી કરી.
રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચે સરહદ વિવાદને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે સમજૂતી થઈ છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં વાંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાજદ્વારી સંબંધોની પુનઃ શરૂઆત બંને દેશોના લાંબા ગાળાના હિતમાં હશે. ચીન ભૂતાનની લગભગ 764 ચોરસ કિલોમીટર જમીન પર દાવો કરે છે.
ભારતે ભૂતાનને ચેતવણી આપી
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, મોદી સરકારે ભૂતાનને કહ્યું છે કે ભારત ડોકલામ કોરિડોર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની સમજૂતીની વિરુદ્ધ છે અને સરહદ વિવાદના કોઈપણ ઉકેલથી ભારતના હિતોને કોઈ અસર થશે. 2017માં જ્યારે ચીની સેનાએ આ વિસ્તારમાં રોડ બનાવવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય સૈનિકોએ તેનો વિરોધ કર્યો હતો, ત્યારપછી બંને દેશો વચ્ચે લાંબી મડાગાંઠ ચાલી હતી. ભૂતાન ભારતના સૌથી નજીકના સાથી દેશોમાંનું એક છે અને દાયકાઓથી ભારત સાથે લશ્કરી ભાગીદારી સહિત વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. ભારત અને ભૂતાન જ એવા બે પાડોશી દેશ છે જેની સાથે ચીનનો હજુ પણ સીમા વિવાદ છે. ચીને અન્ય તમામ પડોશીઓ સાથે સરહદી વિવાદો ઉકેલ્યા છે.
ચીન-ભૂતાન સરહદ વિવાદ
ચીન ભૂતાનના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારના લગભગ 764 ચોરસ કિલોમીટર પર દાવો કરે છે. શરૂઆતમાં આ સીમા વિવાદ પણ ભારત અને ચીન વચ્ચે હતો. પરંતુ 1984માં ચીન અને ભૂતાન વચ્ચે સીધો સંચાર સ્થાપિત થયો હતો. ચીન અને ભૂતાન વચ્ચે જે બે ક્ષેત્રોને લઈને સૌથી વધુ વિવાદ છે. તેમાંથી 269 ચોરસ કિલોમીટરનું ડોકલામ છે. અને બીજો વિસ્તાર ભૂતાનના ઉત્તરમાં 495 ચોરસ કિલોમીટર જેકરલુંગ અને પાસમલુંગ ખીણ વિસ્તાર છે. 1984 થી, 24 થી વધુ રાઉન્ડની વાતચીત અને 12 નિષ્ણાત સ્તરની બેઠકો થઈ છે.
ડોકલામ ભારત માટે સંવેદનશીલ મુદ્દો
ડોકલામ ઉચ્ચપ્રદેશ ભારત, ભૂતાન અને ચીનના ત્રિકોણ પર સ્થિત છે. ભૂતાન અને ચીન બંને તેના પર્વતીય વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરે છે. ભારત ભૂતાનના દાવાને સમર્થન આપે છે. ડોકલામનો મુદ્દો ભારત માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે કારણ કે ભૂતાનના વિસ્તારોમાં ચીનનું અતિક્રમણ ભારત સાથે સંબંધિત છે. વિશ્લેષકોનું માનવું છે કે ડોકલામમાં ચીનનો અંકુશ સીધો ભારતના સુરક્ષા હિતોની વિરૂદ્ધ થવા જઈ રહ્યો છે. ચીન ભૂતાનને તેના પ્રદેશ પર અતિક્રમણ કરવા દબાણ કરી રહ્યું છે અને ભારત સાથેની સરહદો પર યથાસ્થિતિ બદલી રહ્યું છે. ડોકલામમાં ભારત ચીનની વિસ્તરણવાદી નીતિનો વિરોધ કરી રહ્યું છે કારણ કે ડોકલામ ભારતના સિલીગુડી કોરિડોરની નજીક છે. આ કોરિડોર ભારત માટે વ્યૂહાત્મક મહત્વનો છે જે ઉત્તર-પૂર્વના રાજ્યોને દેશના અન્ય ભાગો સાથે જોડે છે.
આ પણ વાંચો : NCERTના પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે