વઢવાણમાં રૂ. 17.60 લાખના ડ્રગ્સ સાથે બિશ્નોઈ ગેંગના સાગરીતો ઝડપાયા
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હાખોરીના બનાવો સતત વધી રહ્યા છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ગુન્હાખોરીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એલસીબી પોલીસે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ શિવસંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના...
Advertisement
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હાખોરીના બનાવો સતત વધી રહ્યા છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ગુન્હાખોરીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એલસીબી પોલીસે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ શિવસંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાંથી બિશ્નોઇ ગેંગના ૩ વોન્ટેડ આરોપીને રૂપિયા ૧૭.૬૦ લાખના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર દેશમાં યુવાધન ડ્રગ્સના રવાડે
ગુજરાત સહીત સમગ્ર દેશમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યુ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જેવા નાના શહેરો ડ્રગ્સ જેવી અસામાજીક પ્રવૃત્તિઓથી દુર હતા પરંતુ હવે જાણે ડ્રગ્સ માફીયાઓએ પોતાનો કાળો કારોબાર સુરેન્દ્રનગર જેવા નાના શહેરો સુધી શરૂ કરી દીધો હોય તેમ લાગી રહ્યુ છે અને ડ્રગ્સ જેવા દુષણે હવે સુરેન્દ્રનગરમાં પણ પગ પેસારો કર્યો છે. ત્યારે શહેરના ૮૦ ફુટ રોડ પર એક હોટલ નજીક આવેલ શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ત્રણ શખ્સોને ૧૭૬ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતાં. જ્યારે ઝડપાયેલા ત્રણ શખ્સોની પુરછપરછ કરતા અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ રહે. બન્ને પંજાબ તેમજ કચ્છના વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા હોવાનુ બહાર આવ્યુ હતુ.
બિશ્નોઇની ગેંગના સાગરીતોની ધરપકડ
એલસીબી પોલીસે ૧૭.૬૦ લાખનું ૧૭૬ ગ્રામ ડ્રગ્સ, ૦૫ મોબાઇલ અને ૦૧ વાઇફાઇ ડોંગલ સહીત કુલ રૂપિયા ૧૭.૮૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી પાડી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં ઝડપાયેલ શખ્સ અક્ષય ડેલુ અને અંકિત બિશ્નોઇ બન્ને લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇની ગેંગના સાગરીતો હોવાની વિગતો બહાર આવી હતી અને બે માસ અગાઉ રાજસ્થાનના એક શખ્સ પાસેથી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી હતી. આ બન્ને શખ્સો વિરૂધ્ધ રાજસ્થાનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ફરાર હોવાથી રાજસ્થાન પોલીસે બન્ને શખ્સો પર રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતુ.જ્યારે ત્રીજો શખ્સ કચ્છનો વિક્રમસિંહ જાડેજા પણ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે અને જેલમાંથી પેરોલ મળ્યા ફરાર હતો. આમ ત્રણેય શખ્સો કુખ્યાત હિસ્ટ્રીશીટર હોવાની વિગતો બહાર આવી છે. આ ત્રણેય આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા ? સુરેન્દ્રનગરમાં કોને ડ્રગ્સ આપવાનુ હતુ ? સહીતની બાબતો અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે અને તેમની પુછપરછમાં વધુ ચોંકાવાનારા ખુલાસા થશે તેમ જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતે જણાવ્યું હતુ.
અહેવાલ -વિરેન ડાંગરેચા,સુરેન્દ્રનગર