Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી

રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી...
02:17 PM Sep 24, 2023 IST | Vipul Pandya
ગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીએ  જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૧મી ઑક્ટોબરથી ખરીદી શરૂ
આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.
 ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી
ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ જ ટેકાના ભાવ જાહેર 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો--KHEL MAHAKUMBH 2.0 : CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0 ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો કરાવ્યો પ્રારંભ
Tags :
FarmersGujaratkharif cropssupport prices
Next Article