શું CM શિંદેના ખરાબ દિવસો શરૂ થયા? જાણો કયા મુદ્દે મહારાષ્ટ્ર સરકારને લાગી રહ્યો છે ખતરો
મહારાષ્ટ્રમાં શિંદે સરકારના ખરાબ દિવસો શરૂ થઇ ગયા હોય તેવું વાતાવરણનું નિર્માણ થઇ રહ્યુ છે. મરાઠા આરક્ષણનો મુદ્દો મહારાષ્ટ્રની શિંદે સરકાર માટે ગળાનો કાંટો બની ગયો છે. જે ઉકેલાવાને બદલે જટિલ બની રહ્યો છે. મરાઠા આંદોલનના અગ્રણી નેતા મનોજ જરાંગે પાટીલ પાંચ દિવસથી પીવાના પાણી વિના ઉપવાસ પર બેઠા છે. જેના કારણે મરાઠા આરક્ષણની લડાઈ ઉગ્ર બની છે. હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મોટો આંચકો લાગ્યો છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો વકર્યો
આજે (30 ઓક્ટોબર) મનોજ જરાંગેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે, જેઓ ફરી એકવાર મરાઠા આરક્ષણની માંગને લઈને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. તેમની તબિયત સતત બગડી રહી છે. પરંતુ મરાઠા આંદોલનના અગ્રણી નેતા જરાંગે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી મરાઠા આરક્ષણની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે અને સારવાર પણ નહીં કરાવે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારનું ટેન્શન વધી ગયું છે. મરાઠા આરક્ષણના મુદ્દાનો ઉકેલ શોધવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે મુંબઈમાં મહત્વની બેઠક કરશે. આ મુદ્દો કેટલો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તેનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકો છો કે આંદોલનના સમર્થનમાં શિંદે જૂથના શિવસેના સાંસદે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મરાઠા આરક્ષણની માંગને લઈને હિંગોલી લોકસભા ક્ષેત્રના શિવસેનાના સાંસદ હેમંત પાટીલે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલી આપ્યું છે.
મરાઠા આંદોલનના અગ્રણી નેતા મનોજ જરાંગે ફરી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા
મળતી માહિતી અનુસાર, કેટલાક મરાઠા પ્રદર્શનકારીઓ સાંસદ હેમંત પાટીલને મળ્યા હતા. જે બાદ તેમણે સરકાર પર દબાણ લાવવા માટે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જણાવી દઇએ કે, મરાઠા સમુદાય માટે શિક્ષણ અને નોકરીમાં ક્વોટા આપવા માટે રાજ્યભરમાં આંદોલન ચાલી રહ્યું છે. સંજય રાઉત સહિત ઘણા મોટા નેતાઓને મરાઠા પ્રદર્શનકારીઓ ઘેરી લીધા હતા. જેના કારણે મહારાષ્ટ્ર સરકારની ટેન્શન વધી રહી છે. મનોજ જરાંગે મરાઠા આરક્ષણ માટે 25મી ઓક્ટોબરથી ફરી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓએ એક મહિના પહેલા પણ આવો જ વિરોધ કર્યો હતો. ત્યારે શિંદે સરકારે મરાઠા આરક્ષણ પર નિર્ણય લેવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો. આ સમયમર્યાદા 24 ઓક્ટોબરે પૂરી થઈ હતી, પરંતુ અનામત લાગુ કરવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જરાંગે મરાઠા સમુદાયને અપીલ કરી છે કે તેઓ કોઈપણ મંત્રી, ધારાસભ્ય, સાંસદ, વહીવટી અધિકારીને તેમના વિસ્તારમાં પ્રવેશ ન કરે. જેની અસર પણ જોવા મળી રહી છે.
પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાએ તોડફોડ કરી
મરાઠા આંદોલનની આગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. સરકારના આશ્વાસન છતાં મરાઠા સમુદાયને અનામત આપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી. મરાઠવાડામાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. જ્યાં ST બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પુણેથી મરાઠવાડા જતી તમામ બસો રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં વિરોધની તીવ્રતા વધશે!
હવે મુંબઈમાં પણ મરાઠા આરક્ષણને લઈને આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. મરાઠા સમુદાયે સમગ્ર રાજ્યમાં તમામ પક્ષના નેતાઓ અને જનપ્રતિનિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે હવે સમુદાય દ્વારા ધારાસભ્યો અને સાંસદોને મુંબઈમાં ના ફરવા ચેતવણી આપવામાં આવી છે. અહેવાલ છે કે જો આજની બેઠકમાં મરાઠા આરક્ષણ પર કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો મરાઠા સમુદાય મંગળવારથી મુંબઈમાં રાજકીય કાર્યક્રમો અને નેતાઓ સામે વિરોધ કરશે.
અનામતની માંગ સાથે આત્મહત્યા
મહારાષ્ટ્રમાં ચાર લોકોએ અનામતની માંગ સાથે આત્મહત્યા કરી છે. આ આત્મહત્યા જાલના, બીડ, લાતુર અને પરભણીમાં સામે આવી છે. આ પહેલા રાજ્યમાં 19 થી 28 ઓક્ટોબર વચ્ચે 12 લોકોએ આત્મહત્યા કરી હતી. આ પહેલા મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જરાંગે પાટીલે સરકારને 40 દિવસનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા 24 ઓક્ટોબરે પૂરી થઈ હતી. આ પછી જરાંગે ફરી ઉપવાસ પર બેઠા. બીજી તરફ રાજ્યમાં મરાઠા પ્રદર્શનકારીઓ રોષે ભરાયા છે અને સરકારી કાર્યક્રમોની સાથે સરકારી હોર્ડિંગ્સને નિશાન બનાવી રહ્યા છે.
આ પણ વાંચો - કોંગ્રેસ નેતાએ ગળામાં ડુંગળીની માળા પહેરીને કર્યો વિરોધ, ચૂંટણીનો બનાવ્યો મુદ્દો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે