Hanuman Jayanti 2024: આજે દેશભરમાં હનુમાન જયંતીની થઈ રહીં છે ભવ્ય ઉજવણી, જાણો આ દિવસનું મહત્વ
Hanuman Jayanti 2024: સનાતન ધર્મમાં હનુમાન જ્યંતીને ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. હિંદુઓ હનુમાન જ્યંતીને ખુબ જ ભક્તિ ભાવ સાથે ઉજવે છે. આ દિવસે અનેક કાર્યક્રમનો અને શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા અંજની પુત્ર મારૂતિનંદનનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે હનુમાનના ભક્તો ઉપવાસ રાખતા હોય છે. દેશભરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. બજરંગબલીના આશીર્વાદ મેળવવા માટે હનુમાન જયંતિ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે. આ દિવસે ઘણી જગ્યાએ ભગવાન હનુમાનની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
આજે હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે હનુમાન જયંતીની ઉજવણી
દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જ્યંતી ઉજવાય છે. આ સાથે આખા ભારતમાં હનુમાન જ્યંતી ભારે ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. તમને જણાવી દઈએ કે, હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે. આજે તો ચિરંજીવી મહાબલી શ્રીરામના પરમ ભક્ત અને સર્વશક્તિમાન હનુમાનની પુજા-અર્ચનાઓ થશે. ભારત ભરના હનુમાન મંદિરોમાં આજે ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહીં છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ભારતમાં જેટલા પણ મંદિરો છે, પછી ભલે તે ગમે તે દેવી કે દેવતાના હોય પરંતુ તે મંદિરોમાં હનુમાનની સ્થાપના અવશ્ય કરવામાં આવતી હોય છે.
બજરંગબલી અને વાયુદેવ પણ કહેવામં આવે છે
અંજના અને કેસરીના પુત્ર હનુમાનને વાનર દેવતા, બજરંગબલી અને વાયુદેવ પણ કહેવામં આવે છે. બજરંગબલીના ભક્તો આ દિવસને ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવે છે. એક કથા એવી છે કે, કોઈ સ્ત્રીને માથામાં સિંદુર લગાવતા હનુમાનજી જોઈ ગયા તો તે દેવીને પુછ્યું કે, તમે આ માથામાં સિંદુર કેમ લગાવો છો? દેવીએ કહ્યું કે, માથામાં સિંદુર લગાવવાથી મારા સ્વામીનું આયુષ્ય વધી જાય એટલે માટે. જેથી ભગવાન રામના લાંબા આયુષ્યની કામના કરતા હનુમાનજીએ તેમના આખા શરીર પર સિંદૂર લગાવ્યું હતું. કહેવાય છે કે ભગવાન હનુમાનને સિંદૂર ચઢાવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.
શ્રીરામની અતૂટ ભક્તિ માટે હનુમાનજીને અંજનેય પણ કહેવાય છે
ભગવાન રામ અને સીતા પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ માટે હનુમાનજીને અંજનેય પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ હનુમાનને તેમને અપાર શક્તિ અને તાકાત માટે પણ પૂજવામાં આવે છે. આ સાથે હનુમાનના અન્ય નામોની વાત કરીએ તો તેમને, મારુતિ નંદન, અંજની પુત્ર, બજરંગબલી, બટુક બળિયા, પવન પુત્ર, વીર હનુમાન, સુંદર અને સંકટ મોચન જેવા નામો સાથે પણ ઓળખવામાં આવે છે. હનુમાનને સનાતન ધર્મ પ્રમાણે ચિરંજીવી પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેઓ હજું પણ આ પૃથ્વી પર વાસ કરીને પ્રભુ શ્રીરામની ભક્તિ કરી રહ્યા છે.
અભિજીત મુહૂર્તમાં પૂજા કરવી સૌથી શુભ
હનુમાન જ્યંતીના મુહૂર્તની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ એટલે કે આજે સવારે 3 વાગીને 25 મિનિટે હનુમાન જ્યંતી શરૂ થશે અને તેનું સમાપન 24 એપ્રિલ એટલે કે કાલે સવારે 5 વાગીને 18 મિનિટે પૂર્ણ થશે. જન્મ તારીખના હિસાબે આ વખતે 23 એપ્રિલ એટલે કે આજે જ હનુમાન જયંતિ મનાવવામાં આવી રહી છે. જ્યોતિષના મતે હનુમાન જયંતીની અભિજીત મુહૂર્તમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. અભિજીત મુહૂર્ત આજે સવારે 11:53 થી બપોરે 12:46 સુધી રહેશે.