15th Asian Shooting Championships : ગુજરાતના બખ્તિયાર મલેકે ટ્રેપ શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો
કોરિયામાં યોજાયેલી 15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના બખ્તિયાર મલેકે ટ્રેપ શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. બખ્તિયારે ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો મેડલ જીતનાર બખ્તિયાર મલેક પહેલો શૂટર છે અને તેણે ભારતનું પ્રતિનિધીત્વ કરીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઓલિમ્પીક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન
બખ્તિયાર મલેક ઇન્ડિયન શોટગન ટ્રેપ શૂટર છે અને તે પેરિસમાં 2024માં યોજાનારી ઓલિમ્પીક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન ધરાવે છે. તે માટે તે આકરી મહેનત પણ કરી રહ્યો છે. બખ્તિયારે ઇન્ડિયન જુનિયર મેન ટ્રેપ ટીમમાં પહેલો ક્રમાંક અને ઇન્ડિયન સિનીયર મેન ટ્રેપ ટીમમાં 5મો ક્રમાંક હાંસલ કરેલો છે.
જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો
આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં 2021માં પેરુમાં યોજાયેલ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. વ્યક્તિગત ક્વોલિફિકેશ રાઉન્ડમાં તેણે 17માં રેન્ક હાંસલ કરેલો છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ તેણે સર્વોચ્ચ સ્કોર હાંસલ કરેલો છે.
મનવ્જીત સિંઘ સંધુની મેન્ટોરશીપ
બખ્તિયાર મલેક મનવ્જીત સિંઘ સંધુની મેન્ટોરશીપ અને ગાઇડન્સમાં તાલિમ મેળવી રહ્યો છે. સંધુ ધ્યાનચંદ ખેલ એવોર્ડ વિજેતા છે તથા અર્જૂન એવોર્ડ વિજેતા છે.
આ પણ વાંચો---ફૂટબોલ લેજેન્ડ મેસ્સી એ આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો, દિગ્ગજ મેરાડોનાને સમર્પિત કરી ટ્રોફી