Gujarati Top News : આજે 24 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 24 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવામાં આવ્યા છે. તેમજ ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે તથા વહેલી સવારે 7 કલાકે બન્ને મૃતદેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે તેમજ મૂળ સુરતના અને હાલમાં મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું આતંકી હુમલામાં મોત થતા તેમના મૃતદેહને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈમાર્ગે લાવવામાં આવ્યો તથા 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા તેમજ મોરબીની બજારોમાં આવેલ દુકાનો પર સ્ટીકર લગાવાયા છે.
ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. બે લોકોના ભાવનગરમાં અને એકના સુરતમાં અંતિમ સંસ્કાર કરાશે. ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.
ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવકનાં મોત થયા હતા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલે) થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું પણ મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહને મોડી રાત્રે માદરે વતન લાવ્યાં છે. સર્ટી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પિતા -પુત્રના મૃતદેહ રખવામાં આવ્યા છે. સર્ટી હોસ્પિટલ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વહેલી સવારે 7 કલાકે બન્ને મૃતદેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે
વહેલી સવારે 7 કલાકે બન્ને મૃતદેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે. સવારે 8.30 કલાકે પિતા-પુત્રની સિંધુનગર સ્મશાન ખાતે અંતિમવિધિ થશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પદાધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
શૈલેષના મૃતદેહને હવાઈમાર્ગે સુરત લાવવામાં આવ્યો
મૂળ સુરતના અને હાલમાં મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું આતંકી હુમલામાં મોત થતા તેમના મૃતદેહને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈમાર્ગે લાવવામાં આવ્યો હતો. શૈલેષ કળથિયાની અંતિમયાત્રા મોટા વરાછા વિસ્તારમાં આવેલા કસ્તુરી બંગ્લોઝમાં રહેતા તેમના પિતરાઈ ભાઈના ઘરેથી નીકળશે. કઠોર સ્મશાન ગૃહમાં અંતિમસંસ્કાર કરાશે.
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા
જમ્મુ કાશ્મીરના આંતકવાદી હુમલાની ઘટના બાદ ડો.ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. જેમાં અમરેલીના ભાજપના નેતા ડો. ભરત કાનાબારે 370 ની કલમ અંગેનું ટ્વીટ કર્યું છે. પહેલગામની ઘટના પછીના કાશ્મીરનું વાતાવરણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાશ્મીર સંબંધિત નીતિઓથી ભવ્ય જીતની ગવાહી આપે છે. મેલી રાજકીય મુરાદ ધરાવતા કેટલાક તત્વો પહેલગામની આંતકી ઘટના માટે મોદીજી અને અમિત શાહને જવાબદાર ઠેરવવાની કોશિશ કરી રહ્યા છે. આ તકસાધુઓ કાશ્મીરનો રક્તરંજિત ભૂતકાળ લોકોના મનમાંથી મીટાવી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે છાશવારે આવી ઘટનાઓ બનતી હોય છે. 370 ની કલમ હટાવ્યા પછી કેન્દ્રના મજબૂત અને મક્કમ વર્તમાન શાસનના કારણે પહેલીવાર એવું બની રહ્યું છે કે કાશ્મીરનો બહુમતી મુસ્લિમ સમાજ ખુલ્લેઆમ આ આંતકી હુમલાનો વિરોધ કરી રહ્યા છે. 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
મોરબીની બજારોમાં આવેલ દુકાનો પર સ્ટીકર લગાવાયા
કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્ટીકરો લાગવામાં આવ્યા છે. મોરબીની બજારોમાં આવેલ દુકાનો પર સ્ટીકર લગાવાયા છે. "ધર્મ પૂછીને સમાન ખરીદો" તેમજ "આ હિન્દુની દુકાન છે "તેવા લખાણ વાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. પહેલગામ હુમલાની હ્રદયદ્રાવક તસવીર સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા છે.