દેશની રક્ષા માટે અંત સુધી ઝઝુમનારા ગુજરાતી શહીદ રમેશ જોગલ...! વાંચો તેમના પરાક્રમની ગાથા
દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોની ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી. 26...
Advertisement
દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોની ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને ‘‘કારગિલ વોર’’ તરીકે ઓળખવામાં આવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આવો જાણીએ દેશની રક્ષા માટે કારગીલ યુદ્ધમાં શહીદ થનારા વીર ગુજરાતી સપૂતો વિશે... 141 ફઇલ્ડ આર્ટિલરી રેજીમેન્ટમાંથી કારગીલ યુદ્ધમાં બે અધિકારી શહીદ થયા હતા જેમાં જામનગરના મેવાસા ગામના વીર શહીદ જવાન રમેશ જોગલ પણ હતા.
6 જુલાઇ 1999ના રોજ વીરગતિ પામ્યા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં વીર જવાન રમેશ વિક્રમભાઇ જોગલનો 1-06-1980ના રોજ જન્મ થયો હતો. રમેશ જોગલે કારગીલ યુદ્ધમાં અદમ્ય સાહસ બતાવ્યું હતું અને 6 જુલાઇ 1999ના રોજ વીરગતિ પામ્યા હતા.
સાહસના કારણે તાલીમમાં પણ અવ્વલ નંબરે
રમેશ જોગલને નાનપણથી જ દેશ માટે કંઇક કરી છુટવાની ભાવના હતી. તેમણે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે માતા પાસે સેનામાં જોડાવાની હઠ પકડી હતી અને માતાએ પણ તેમને રજા આપી હતી. રમેશભાઇ જોગલે સેનાની તાલીમ પૂર્ણ કરી હતી અને તેમના સાહસના કારણે તાલીમમાં પણ અવ્વલ નંબરે આવ્યા હતા.
સામી છાતીએ પ્રતિકાર કરીને દુશ્મનોને હંફાવી દીધા
1999માં જ્યારે કારગીલ યુદ્ધ શરુ થયું ત્યારે રમેશ જોગલને શ્રીનગર મુકવામાં આવ્યા હતા. તેમની સામે દુશ્મનોની 125 તોપ હતી. રમેશ જોગલે તોપનો ચાર્જ સંભાળ્યો હતો. સતત ત્રણ મહિના સુધી કારગીલ યુદ્ધ ચાલ્યું હતું અને તેમણે સામી છાતીએ પ્રતિકાર કરીને દુશ્મનોને હંફાવી દીધા હતા.
19 વર્ષની વયે શહીદી વહોરી
ભીષણ યુદ્ધમાં રમેશ જોગલને શરીરમાં 3 ગોળી વાગવા છતાં તેઓ હિંમત હાર્યા વગર અડગ મનથી દુશ્મનો સામે લડતાં રહ્યા હતા અને દેશની રક્ષા કરાવામાં પોતાનું મહત્વનું યોગદાન આપી 19 વર્ષની વયે શહીદી વહોરી લીધી હતી. તેમના નામ સાથે શહીદ શબ્દ ઉમેરાયો તેનું પરિવારને ગર્વ છે.
તેમની શહાદતને હજારો સલામ
સમગ્ર ગામ અને ગુજરાતને પોતાના આ વીર શહીદ પર ગર્વ છે. શહીદ રમેશ જોગલ પર ગુજરાતીઓ અને સમગ્ર દેશવાસીઓ ગર્વ અનુભવે છે. તેમની શહાદતને હજારો સલામ છે.