S Jaishankar in Rajkot: વિદેશ મંત્રી એસ જયશંકરે કરી ખાસ વાત, કહ્યું - ભારત UNSC નું સ્થાયી સભ્ય બનશે જ!
S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન તેમણે ભારતને UNSC નું સ્થાયી સભ્યપદ મળશે કે કેમ તેના પર વાત કરતા જણાવ્યું કે, ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું સ્થાયી સભ્યપદ મળશે, પરંતુ આ માટે એક વાતનું ધ્યાન રાખવું પડશે. આ માટે સખત મહેનતની જરૂર છે. નોંધનીય છે કે, વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતના રાજકોટમાં બૌદ્ધિકો સાથેની વાતચીત દરમિયાન આ વાતો કહી. હકીકતમાં, આ દરમિયાન પ્રેક્ષકોએ વિદેશ મંત્રીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની સંભાવનાઓ વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો.
સ્થાયી સભ્યપદ માટે સખત મહેનતની જરૂર છેઃ વિદેશ મંત્રી
વધુમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar)એ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રોની રચના 80 વર્ષ પહેલા થઈ હતી. જ્યારે ચીન, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે તેની સુરક્ષા પરિષદના કાયમી સભ્યો બનવાનો નિર્ણય કર્યો. આ બાબતે વધુમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, તે સમયે વિશ્વમાં લગભગ 50 સ્વતંત્ર દેશ હતા, જેની સંખ્યા હવે વધીને 193 થઈ ગઈ છે, પરંતુ હવે પણ પાંચ દેશોએ કાઉન્સિલ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું છે.
ચોક્કસપણે UNSCમાં સ્થાયી સભ્યપદ હાંસલ કરીશુંઃ વિદેશ મંત્રી
એસ જયશંકરે કહ્યું કે, હવે સમગ્ર વિશ્વમાં માંગ છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફાર થવો જોઈએ અને ભારતને સ્થાયી બેઠક મળવી જોઈએ. પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે અમે ચોક્કસપણે UNSCમાં સ્થાયી સભ્યપદ હાંસલ કરીશું પરંતુ સખત મહેનત વિના ક્યારેય કોઈ મોટી સિદ્ધિ મેળવી શકાતી નથી. નોંધનીય છે કે, ભારત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે અને ભારતીય અર્થવ્યવસ્થા તે રીતે વિકસિત થઈ રહીં છે તેને જોતા ભારતને થોડા જ વર્ષોમાં UNSC નું સ્થાયી સભ્યપદ મળી જવાનું છે.
સભ્યપદ માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મુક્યો છેઃ એસ જયશંકર
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત, જાપાન, જર્મની અને ઇજિપ્તે મળી ને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મુક્યો છે અને વિશ્વાસ છે કે, હવે ભારતને સ્થાયી સભ્યતા આપવાની વાત આગળ વધશે. એસ જયશંકર (S Jaishankar) એ વાત પર પણ ભાર મૂક્યો કે સંયુક્ત રાષ્ટ્ર પર દબાણ લાવવા માટે બધાએ સાથે આવવું પડશે. તેમના મતે જેમ જેમ દબાણ વધશે તેમ ભારતને કાયમી બેઠક મળવાની શક્યતાઓ પણ વધશે. વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન યુદ્ધ પર યુએનમાં મડાગાંઠ છે અને ગાઝાને લઈને યુએનમાં કોઈ સહમતિ બની શકી નથી.