Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 5 દિવસ રાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ..!

રાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ યાત્રાધામોમાં 5 દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશ 8 મહત્વના યાત્રાધામો સહિત 52 યાત્રાધામોમાં ઝુંબેશ 27 થી 31 ઓક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા ઝુંબેશ એકત્ર કચરાનું તે જ દિવસે ડંપિંગ કરવાનો નિર્દેશ દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણુંક...
આગામી 5 દિવસ રાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ

રાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ
યાત્રાધામોમાં 5 દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશ
8 મહત્વના યાત્રાધામો સહિત 52 યાત્રાધામોમાં ઝુંબેશ
27 થી 31 ઓક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા ઝુંબેશ
એકત્ર કચરાનું તે જ દિવસે ડંપિંગ કરવાનો નિર્દેશ
દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણુંક કરાઈ

Advertisement

ગુજરાતમાં આજે તા.27 ઑક્ટોબર, શુક્રવારથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર એટલે કે 5 દિવસ ચાલનાર આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના 8 મહત્વના યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

હવે રાજ્યના યાત્રાધામો ખાતે પણ સઘન સફાઈ ઝુંબેશ

Advertisement

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું છે કે જેના હેઠળ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સઘન સફાઈ અભિયાન શરુ કરાયુ છે. અભિયાન હેઠળ હવે રાજ્યના યાત્રાધામો ખાતે પણ સઘન સફાઈ ઝુંબેશ હાથ થરાઈ છે.

તમામ જિલ્લાઓમાં આવેલ મહત્વના યાત્રાધામો તથા તીર્થસ્થળના પરિસરની સફાઇ

Advertisement

રાજ્યના મુખ્ય યાત્રાધામો અને મહત્વના ધાર્મિક સ્થળો પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે”સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાર્થક કરવા ૨૭ ઑક્ટોબરથી ૩૧ ઑક્ટોબર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલ મહત્વના યાત્રાધામો તથા તીર્થસ્થળના પરિસર અને પરિસરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ ભક્તોની અવર જવર રહેતી હોય; તેવી આજુબાજુની તમામ જગ્યાઓને આવરી લઇ સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સફાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)એ રાજ્યના તમામ જિલ્લાઓ તમામ મહત્વના યાત્રાધામો ખાતે આ ઝુંબેશ શુક્રવારના રોજ પ્રારંભ કરી દિધી છે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતાં જણાવ્યું કે, તમામ યાત્રાધામોનું પરિસર, યાત્રાધામના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ શરુ કરાઈ છે.

8 મહત્વના યાત્રાધામો ખાતે શરુ થયું સઘન સફાઈ અભિયાન

આ અભિયાન હેઠળ રાજ્યના 8 મુખ્ય યાત્રાધામો ખાતે સઘન સફાઈ અભિયાન શરુ થયું છે. આ 8 મહત્વના યાત્રાધામોમાં અંબાજી માતા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાધીશ મંદિર, ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર, ગિરનાર, પાલીતાણા જૈન તીર્થ, પાવાગઢ સ્થિત મહાકાળી માતા મંદિર તથા શામળાજી સ્થિત વિષ્ણુ મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 ‘અ’ તથા ‘બ’ કક્ષાના અને અન્ય યાત્રાધામો ખાતે પણ આ અભિયાન હાથ ધરાયું છે.

સફાઈ ઝુંબેશ હેઠળ કયા-કયા કાર્યો કરવામાં આવશે ?

બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યુ કે આ યાત્રાધામો ખાતે નાખવામાં આવતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવવું, તેનો યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવામાં આવશે. સરકાર તરફથી મળેલ સુચના અન્વયે ઝુંબેશને વધુમાં વધુ સફળ બનાવવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત/નગર પાલિકા/મહાનગર પાલકા/જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તથા તેના ચૂંટાયેલ સભ્યો, ધારાસભ્યો, સાંસદો, સહકારી સંસ્થા વિગેરેનો સહયોગ લેવામાં આવશે અને વોર્ડ દીઠ જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

કચરાનો તે જ દિવસે ડમ્પિંગ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવામાં આવશે

તેમણે જણાવ્યું કે યાત્રાધામોના પરિસરથી લઇ આજુબાજુના વિસ્તારોમાં ઉત્પન્ન થતા કચરાનો તે જ દિવસે ડમ્પિંગ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવામાં આવશે. ડમ્પિંગ સાઈટ ઉપર કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા સુચારુ બનાવવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા યાત્રાધામોના આજુબાજુ ઉકરડાના આખરી નિકાલ માટે ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લાના કોઈ પણ યાત્રાધામોમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્વચ્છતાનો અભાવ ન દેખાય; તે સુનિશ્ચિત કરવામાં આવશે.

સફાઈ કામગીરીનું અસરકારક મૉનિટરીંગ

તેમણે જણાવ્યું કે સબંધિત તમામ જિલ્લા/તાલુકા/ગ્રામ્ય કક્ષામાં આવેલ યાત્રાધામોની સફાઈ કામગીરીનું અસરકારક મૉનિટરીંગ કરવામાં આવશે તથા સફાઈ કામગીરીના સ્થળોની મુલાકાત લેવામાં આવશે. જે તે જિલ્લાની સહકારી સંસ્થાઓ, દૂધમંડળીઓ, યુવક મંડળો, મહિલા મંડળો, સખી મંડળો, NCC, NSS, NGO, ભક્ત મંડળો, ગરબી મંડળો, સેવા સંઘો, ધાર્મિક સંસ્થાઓ વગેરેને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સામેલ કરવા અને ‘સ્વચ્છતા એ જ સેવા’ અંગેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનાવવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટરોને નિર્દેશો અપાયા

તેમણે જણાવ્યું કે જિલ્લા કલેકટરોને નિર્દેશો અપાયા છે કે તેઓએ યાત્રાધામોની સ્વચ્છતા બાબતે દૈનિક ધોરણે સફાઈ અભિયાન થાય; તે સારું આયોજન કરવું, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ યાત્રાધામો માટે જિલ્લા અને તાલુક વિકાસ અધિકારી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓ વગેરેનો યોગ્ય જણાયે કામગીરી માટે હુકમ કરવો અને આ સપ્તાહ દરમ્યાન નિયમિત રીતે વિઝીટનું આયોજન કરવું.

ફોટોગ્રાફ્સ તથા વિડીયોગ્રાફી કરાશે

પાંચ દિવસીય સ્વચ્છતા અભિયાન દરમ્યાન જે તે જિલ્લામાં આવેલ યાત્રાધામો તેમજ આજુબાજુની જગ્યાનું સદર ઝુંબેશ દરમ્યાન ચલાવેલ સફળ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાતા પહેલાના ફોટો અને અભિયાન પછીના ફોટોગ્રાફ્સ તથા વિડીયોગ્રાફી બોર્ડને મોકલી આપવાના રહેશે અને આ અંગે રેકૉર્ડ રાખવાનું રહેશે. સફાઈ અભિયાનની કામગીરી અંગે જિલ્લા કલેકટરોને નોડલ અધિકારીની નિમણુંક કરવા માટે પણ જણાવવામાં આવ્યુ છે.

‘અ’ તથા ‘બ’ કક્ષાના અને અન્ય યાત્રાધામો ખાતે પણ શરુ થઈ સફાઈ ઝુંબેશ

આ સફાઈ અભિયાન હેઠળ રાજ્યના 8 મહત્વના યાત્રાધામો ઉપરાંત જે અન્ય યાત્રાધામોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે; તેમાં ‘અ’ કક્ષાના યાત્રાધામોમાં સુરેન્દ્રનગર સ્થિત ચોટીલા, તરણેતર, અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર, ખેડા સ્થિત વડતાલ સ્વામીનારાયણ મંદિર, કાગવડ-રાજકોટ સ્થિત ખોડલધામનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ‘બ’ કક્ષાના યાત્રાધામોમાં બોટાદ સ્થિત સાળંગપુર હનુમાનજી મંદિર, ભાવનગર સ્થિત ખોડિયાર માતા મંદિર, વડોદરા સ્થિત કાયાવરોહણ, નારેશ્વર તીર્થ, ભરૂચ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ સ્થિત વીરપુર તીર્થ, અમદાવાદ સ્થિત શ્રી ભદ્રકાળી માતા મંદિર, નવસારી સ્થિત શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર, ગાંધીનગર સ્થિત શ્રી વાસણિયા મહાદેવ, ખેડા સ્થિત ગળતેશ્વર તીર્થ, ઉત્કંઠેશ્વર તીર્થ, ફાગવેલ તીર્થ, ઉંઝા-મહેસાણા સ્થિત શ્રી ઉમિયા માતા મંદિર, તાપી સ્થિત દેવમોગરા તીર્થ, સૂરત સ્થિત આમલિયા ડુંગ અને ગીર સોમનાથ સ્થિત શ્રી તુલસીશ્યામ મંદિરનો સમાવેશ થાય છે.

અન્ય મહત્વના યાત્રાધામો ખાતે પણ સફાઈ ઝુંબેશ

આ સાથે જ આ સફાઈ ઝુંબેશ અન્ય મહત્વના યાત્રાધામો ખાતે પણ શરુ કરાઈ છે કે જેમાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ તથા બેટ દ્વારકા તીર્થ, સોમનાથ સ્થિત ભાલકા તીર્થ, જુનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ, પોઇચા સ્થિત નીલકંઠધામ મંદિર, ગઢડા સ્થિત સ્વામીનારાયણ મંદિર, મહુડી સ્થિત ઘંટાકર્ણ મહારાજ મંદિર, કચ્છ સ્થિત માતાનો મઢ-આશપુરા માતા મંદિર, ગળધરા-ધારી-અમરેલી સ્થિત ખોડિયાર મંદિર, વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર, રૂપાલ સ્થિત વરદાયિની માતા મંદિર, ઉનાઈ સ્થિત ઉનાઈ માતા મંદિર, રાજપીપળા-નર્મદા સ્થિત શ્રી હરસિદ્ધિ માતા મંદિરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો----SURENDRANAGAR : પાટડી તાલુકામાં મહિલાઓનું રાજ, દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે…

Tags :
Advertisement

.